ઓમાનનો પાયલોટ સોશિયલ મીડિયામાં યહૂદીઓને મારવાની વાતો કરતો હતો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- વિમાન હાઈજેકિંગ આતંકી કૃત્ય : યુએઈ
- સ્મિત મચ્છરને ઈઝરાયેલ ક્યારેય નહીં ભૂલે, દેશનું સૌથી મોટું સન્માન આપશે : રાજદૂત અજાર
જેરુસલેમ : ફ્લાયદુબઈની ફ્લાઈટમાં ગુજરાતી પાયલટ સ્મિત મચ્છર પર જીવલેણ હુમલો કરીને વિમાન હાઈજેક કરવાનો પ્રયત્ન કરનાર ઓમાનનો કો-પાયલોટ સોશિયલ મીડિયા પર યહૂદીઓને મારવાની વાતો કરતો હતો તેમ ઈઝરાયેલના અખબાર ધ ટાઈમ્સ ઓફ ઈઝરાયેલને એક સરકારી અધિકારીએ કહ્યું હતું. બીજીબાજુ આ ઘટનાની સત્તાવાર રીતે તપાસ કરનાર યુએઈએ વિમાન હાઈજેકિંગને આતંકી કૃત્ય ગણાવ્યંક હતું.
ઈઝરાયેલના અધિકારી મુજબ હુમલાખોર કો-પાયલટે અમીરાતી ક્રૂ સભ્યોને તેને મારી નાંખવાનું પણ કહ્યું અને ફ્લાઈટમાં હયાત પ્રવાસીઓ સાથે વાતચીતને પણ ટાંકી હતી. ધ ટાઈમ્સ ઓફ ઈઝરાયેલ મુજબ અધિકારીએ કહ્યું કે, આ કો-પાયલટ આત્મહત્યા કરવા તૈયાર હતો. તેનું સોશિયલ મીડિયા એકાઉન્ટ સ્પષ્ટપણે જણાવે છે કે તે જેહાદી વિચારસરણીથી પ્રભાવિત થઈ ગયો હતો. તે યહૂદીઓને મારવાની વાતો કરતો હતો. સાઉદી અરબ અને યુએઈમાં આ ઘટનાની તપાસ કરનારા અધિકારીઓ હજુ સુધી આ હુમલા શા માટે કરવામાં આવ્યો તે પણ જાણી શક્યા નથી. તપાસ પૂરી થાય ત્યાં સુધી અમે નિશ્ચિતરૂપે કશું કહી શકીએ તેમ નથી, પરંતુ એવું જરૂર લાગે છે કે તે આત્મહત્યા કરવાના ઈરાદાથી આવ્યો હતો અને કદાચ તેણે વિમાનને તોડી પાડવાનો પ્રયત્ન કર્યો હતો.
દરમિયાન યુએઈના પ્રમુખખના વરિષ્ઠ સલાહકાર અનવર ગર્ગશે ફ્લાયદુબઈ વિમાનને હાઈજેક કરવાના પ્રયાસને આતંકી ઘટના ગણાવી અને ભારતીય પાયલટ સ્મિત મચ્છરની બહાદુરીની પ્રશંસા કરી. તેમણે કહ્યું, પાયલટે ખતરનાક ઘટના અને સંભવિત દુર્ઘટના સમયે સાહસ અને જવાબદારીપૂર્ણ કામ કર્યું. સૌથી મુશ્કેલ પરિસ્થિતિઓમાં તેમની પ્રોફેશનલિઝમ અને નૈતિક સમજ તેમને એક સાચા હીરો બનાવે છે. યુએઈએ આ ઘટનામાં તપાસ શરૂ કરી દીધી છે. આ ઘટનાની તપાસ માટે સ્પેશિયલાઈઝ્ડ પબ્લિક પ્રોસિક્યૂશન ટીમ બનાવાઈ છે. બીજીબાજુ ભારતમાં ઈઝરાયેલના રાજદૂત રુવેન અજારે કહ્યું કે, કેપ્ટન સ્મિત મચ્છરે જીવલેણ હુમલા છતાં ૧૭૪ યહૂદીઓના જીવ બચાવ્યા છે અને એક મોટો આતંકી હુમલો ટાળી દીધો. ભારતના આ મહાન હીરોને ઈઝરાયેલ ક્યારેય નહીં ભૂલે. તેમનું અમારા દેશમાં સૌથી મોટા એવોર્ડથી સન્માન કરાશે.




