Explainer: એલિયન્સ ખરેખર છે! ઓબામાનું ચોંકાવનારું નિવેદન, એરિયા 51ના રહસ્યો પરથી ઉઠાવ્યો પડદો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Obama on Aliens: અમેરિકાના પૂર્વ પ્રમુખ બરાક ઓબામાએ શનિવારે પ્રસારિત થયેલા એક પોડકાસ્ટ ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, હું માને છું કે બ્રહ્માંડમાં જીવન હોવાની સંભાવના છે. યુટ્યુબર બ્રાયન ટાયલર કોહેન દ્વારા હોસ્ટ કરાયેલા પોડકાસ્ટમાં તેમણે જણાવ્યું હતું કે, ‘એલિયન્સ ખરેખર છે, પરંતુ મેં તેમને નથી જોયા.’ અલબત્ત, ઓબામાએ એલિયન્સ વિશે વધુ સ્પષ્ટ માહિતી આપી નથી કે તેઓ ક્યાં હોઈ શકે. સામાન્ય રીતે, અમેરિકાના નેતાઓ એલિયન વિશે કોઈ પણ પ્રકારના નિવેદનો કરવાથી દૂર રહે છે, ત્યારે ઓબામાએ એલિયન વિશે વિગતે વાતો કરતા આ ચર્ચાએ ફરી એકવાર જોર પકડ્યું છે.
એરિયા 51 અંગે ઓબામાનો સ્પષ્ટ ઇનકાર
વર્ષોથી એવું કહેવાતું રહ્યું છે કે, પૃથ્વી પર આવેલા એલિયનને અમેરિકાએ નેવાડાના રણમાં ‘એરિયા 51’ તરીકે જાણીતા વિસ્તારમાં છુપાવીને રાખ્યા છે. એ મુદ્દે ઓબામાએ પોડકાસ્ટમાં કહ્યું હતું કે, ‘એલિયન્સને Area 51 સ્થળે રખાયા નથી. ત્યાં કોઈ ગુપ્ત ભૂગર્ભ મકાનમાં એલિયન હોવાના પુરાવા નથી. સિવાય કે એમ કરવાનું બહુ મોટું કાવતરું ઘડવામાં આવ્યું હોય અને અમેરિકાના પ્રમુખોથી પણ એ વાત છુપાવવામાં આવી હોય.’
ઓબામા અગાઉ પણ UFO અંગે નિવેદન કરી ચૂક્યા છે
2021માં એક ટીવી કાર્યક્રમ ‘ધ લેટ લેટ શો’માં ઓબામાએ કહ્યું હતું કે, આકાશમાં ઊડતી અજાણી વસ્તુઓના વીડિયો અને રેકોર્ડ હાજર છે, પણ અમેરિકન સરકારને તેમની મૂળ ઉત્પત્તિ સમજાતી નથી. કેટલાક તથ્યો જાહેર કરી શકાતા નથી.’ તેમણે મજાકિયા અંદાજમાં કહ્યું હતું કે, એલિયન્સ વિશેની કેટલીક બાબતો હું ‘ઓન એર’ કહી શકું એમ નથી.

એરિયા 51 એટલે રહસ્યમાં વીંટળાયેલો વિસ્તાર
નેવાડાના રણમાં ગ્રૂમ લેક વિસ્તારમાં એક અત્યંત ગુપ્ત અમેરિકન વાયુસેના બેઝ બનેલું છે, જેનું નામ છે એરિયા 51. ‘કોન્સ્પિરસી થિયરી’માં માનનારા વર્ષોથી કહેતા આવ્યા છે કે એરિયા 51 ખાતે ભૂગર્ભમાં વિશાળ પ્રયોગશાળા બનાવાઈ છે, જ્યાં પૃથ્વીની મુલાકાતે આવેલા એલિયનના મૃતદેહો અને એમના સ્પેસશિપ્સ છે. જો કે, આવા દાવાઓનો કોઈ સત્તાવાર પુરાવો આજ સુધી મળ્યો નથી.
અમેરિકામાં દેખાયેલા UFOs ની ઘટનાઓ કેટલી સાચી?
અમેરિકનોને દાયકાઓથી પરગ્રહવાસીઓમાં વિશેષ રસ રહ્યો છે. તાજેતરના વર્ષોમાં અમેરિકામાં UFOs (Unidentified Flying Object)ને લગતી અનેક ઘટનાઓ સર્જાઈ ચૂકી છે. હવે ઓબામાના નિવેદનને પગલે આ વિષયમાં લોકોનો રસ ફરી વધી ગયો છે. સરકારી દસ્તાવેજોમાં એ ઘટનાઓ નોંધાઈ અને એના વીડિયો પણ જાહેર થયા હોવાથી એલિયન્સના અસ્તિત્વ બાબતે ચર્ચા વધુ તેજ બની છે. આવી બે મહત્ત્વપૂર્ણ ઘટનાઓ જોઈએ.
- 2010ના દાયકામાં રડાર ડેટા લીક થયા હતા, જેમાં અમેરિકાના ડ્રોન ફૂટેજમાં પશ્ચિમી એશિયાના આકાશમાં અજાણી ઉડતી વસ્તુ જોવા મળ્યાનો દાવો થયો હતો.
- 2021માં પેન્ટાગોન (અમેરિકાના સંરક્ષણ વિભાગના મુખ્ય મથક) દ્વારા નૌકાદળના ત્રણ વીડિયો જાહેર કરાયા હતા, જેમાં આકાશમાં અજાણી ગતિ કરતી વસ્તુઓ દેખાઈ હતી, કેટલીક વસ્તુઓ પવનની વિરુદ્ધ દિશામાં ફરતી દેખાઈ હતી અને એ બાબતે પાયલોટ્સ આશ્ચર્ય વ્યક્ત કરીને વાતો કરતા સંભળાયા હતા.

UFO નહીં UAP કહો
આધુનિક વિજ્ઞાનીઓ અને અમેરિકન સરકાર આવી વણઓળખાયેલી ઊડતી વસ્તુઓ માટે હવે UFO ને બદલે UAP (Unidentified Aerial Phenomena- અજ્ઞાત આકાશીય ઘટના) શબ્દનો ઉપયોગ કરવાનું કહે છે કારણ કે, તે વધુ વ્યાપક અને વૈજ્ઞાનિક રીતે તટસ્થ માનવામાં આવે છે.
એલિયન્સ બાબતે વિજ્ઞાનીઓ શું માને છે?
બ્રહ્માંડમાં અબજો ગેલેક્સી છે અને તે દરેકમાં અબજો તારા અને ગ્રહો છે. વિજ્ઞાનીઓનું માનવું છે કે, જીવન પાંગરે એ માટે યોગ્ય પરિસ્થિતિ ધરાવતા ગ્રહોની સંખ્યા ખૂબ મોટી હોઈ શકે. જીવન ધરાવતો ગ્રહ એકમાત્ર પૃથ્વી જ છે, એમ ધારી ન લેવું જોઈએ. પરંતુ હજુ સુધી પૃથ્વી બહાર બુદ્ધિશાળી જીવનનો પુરાવો મળ્યો ન હોવાથી, વિજ્ઞાનીઓ ‘એલિયન્સ છે જ’ એમ ખાતરીપૂર્વક કહી શકતા નથી. જો કે, બરાક ઓબામાના નિવેદનને લીધે એલિયન્સના અસ્તિત્વ વિશે હાલમાં ફરી ચર્ચાએ જોર પકડ્યું છે.








