World

એનવિડીયા અધધ પાંચ લાખ કરોડ ડોલરનું માર્કેટ કેપ

By GS TEAM
30 Oct 20253 mins read
એનવિડીયા અધધ પાંચ લાખ કરોડ ડોલરનું માર્કેટ કેપ

- સેમી કંડક્ટર સેક્ટરની એઆઈ ચિપ જાયન્ટ એનવિડીયાનું માર્કેટ કેપ ત્રણ મહિનામાં 1 લાખ કરોડ ડોલર વધ્યું

- એનવિડીયાનું બજારમૂલ્ય ભારત, જાપાન અને યુકેના જીડીપી કરતાં પણ વધારે : કંપની પાસે હાલમાં 500 અબજ ડોલરના ઓર્ડર 

- એનવિડીયા અને માઇક્રોસોફ્ટ પછી 4 ટ્રિલિયન ડોલર ક્લબમાં પ્રવેશનારી એપલ ત્રીજી મોટી કંપની બની

વોશિંગ્ટન : અમેરિકન સેમી કંડક્ટર સેક્ટરની એઆઈ ચિપ ઉત્પાદક કંપની એનવિડીયાએ પાંચ લાખ કરોડ ડોલરનું માર્કેટ કેપ નોંધાવનારી પ્રથમ કંપની બનીને ઇતિહાસ સર્જયો છે. આશ્ચર્યની વાત એ છે કે કંપનીએ ફક્ત ત્રણ મહિના પહેલાં એટલે કે જુલાઈમાં જ ચાર લાખ કરોડ ડોલરના માર્કેટ કેપનો આંકડો પસાર કર્યો હતો. આમ ત્રણ મહિનામાં જ તેનું મૂલ્ય એક લાખ કરોડ ડોલર વધ્યું છે, જે વૈશ્વિકે રેકોર્ડ છે.

એનવિડીયા પહેલાં  એપલ આ પહેલાં ૨૦૧૮માં એક ટ્રિલિયન ડોલર અને ૨૦૨૦માં બે ટ્રિલિયન ડોલર અને ૨૦૨૨માં ત્રણ ટ્રિલિયન ડોલર ક્લબમાં સામેલ થનારી પ્રથમ કંપની બની હતી. તે સમયે મનાતું હતું કે ચાર ટ્રિલિયન ડોલર ક્લબમાં સામેલ થનારી પ્રથમ કંપની પણ એપલ હશે, પણ તેવું થઈ શક્યું ન હતું. એનવિડીયા તેને ઓવરટેક કરી ગઈ હતી. 

આર્ટિફિશિયલ ઇન્ટેલિન્જ એટલે કે એઆઇનો પરપોટો ફૂટશે તેવી ચેતવણી તાજેતરમાં બેન્ક ઓફ ઇંગ્લેન્ડે આપી છે, આઇએમએફે આપી છે, તેના વચ્ચે પણ એઆઇ કંપનીઓના શેર વધી રહ્યા છે. કંપનીના શેરનો ભાવ ૨૦૨૩થી વીજળીક ગતિએ વધ્યો છે. બુધવારે તેના શેરનો ભાવ ૨૦૭.૮૬ ડોલર થયો હતો ત્યારે તેનું મૂલ્ય ૫.૦૫ લાખ કરોડ ડોલર થયું હતું. આ રીતે જોઈએ તો એનવિડીયાનું બજારમૂલ્ય ભારત, જાપાન અને યુકેની જીડીપી કરતાં પણ વધી ગયું છે, એમ ઇન્ટરનેશનલ મોનેટરી ફંડે જણાવ્યું હતું. 

મંગળવારે એનવિડીયાના સીઇઓ જેન્સેન હુઆંગ કંપની પાસે ૫૦૦ અબજ ડોલરના ચિપ ઓર્ડર હોવાનું જણાવ્યું હતું. તેની સાથે ઉબર રોબોટેક્સી સાથેના જોડાણની અને નોકિયામાં એક અબજ ડોલરના રોકાણની જાહેરાત કરી હતી. બંને જણા ભેગા મળીને ૬જી ટેકનોલોજી વિકસાવવાનું આયોજન કરી રહ્યા છે. એનવિડીયાએ સાત નવા એઆઈ સુપરકમ્પ્યુટર માટે ઊર્જાવિભાગ સાથે ભાગીદારીની જાહેરાત કરી છે. ગયા મહિને તેણે ઓપનએઆઈમાં ૧૦૦ અબજ ડોલરના રોકાણની જાહેરાત કરી હતી. તેના હેઠળ કંપની ૧૦ ગીગાવોટના એઆઈ ડેટા સેન્ટર સ્થાપશે. એપલે પણ આ જ દિવસે તેનું માર્કેટ કેપ ૪ લાખ કરોડ ડોલરને વટાવ્યું હતું. આઇફોન-૧૭ની સફળતા એપલને ફળી છે. તેના પરિણામે એપલની માર્કેટ વેલ્યુ પહેલી જ વખત ૪ ટ્રિલિયન ડોલર (રૂ. ૩૫૩ લાખ કરોડ)ને વટાવી ગઈ છે. વોલસ્ટ્રીટના ટ્રેડિંગ અવર્સ દરમિયાન એપલના શેરમાં વધારો થયો ત્યારે તેણે આ સિદ્ધિ નોંધાવી હતી. આ સાથે એપલ એનવિડીયા અને માઇક્રોસોફ્ટ પછી ચાર ટ્રિલિયન ડોલરનું માર્કેટ કેપ નોંધાવનારી ત્રીજી કંપની બની ગઈ છે. 

જો કે બજારમા દિવસના અંતે એપલના શેર ઘટીને બંધ આવતા તેનું માર્કેટ કેપ પણ ૪ ટ્રિલિયન ડોલરથી નીચે ઉતરી ગયુ હતુ.

એનવિડીયા આ વર્ષે જુલાઈમાં ૪ ટ્રિલિયન ડોલરના માર્કેટ કેપની સિદ્ધિ નોંધાવનારી પ્રથમ કંપની બની હતી. હાલમાં તેનું માર્કેટ કેપ ૪.૬ ટ્રિલિયન ડોલર છે અને તે પાંચ ટ્રિલિયન ડોલરનું માર્કેટ કેપ નોંધાવનારી પ્રથમ કંપની બનવાની દિશામાં છે. એઆઈ ચિપ્સની માંગમાં આવેલી જબરદસ્ત તેજીના કારણે એનવિડીયાએ આ સિદ્ધિ મેળવી હતી. 

માઇક્રોસોફ્ટે પણ તેની સાથે-સાથે જુલાઈમાં જ ૪ ટ્રિલિયન ડોલરના માર્કેટ કેપની સિદ્ધિ મેળવી હતી. તેને પણ એઆઇમાં કરવામાં આવેલું રોકાણ ફળ્યું હતું. એપલના માર્કેટ કેપમાં વર્તમાન વૃદ્ધિનું કારણ તેની આઇફોન-૧૭ સિરીઝને મળેલી ભવ્ય સફળતા છે. એપલના પરિણામ જાહેર થશે ત્યારે આઇફોન-૧૭ના વેચાણ આંકડા ૧૬ કરતાં વધારે સારા આવે તેમ માનવામાં આવે છે. એપલનો શેર છેલ્લા ત્રણ મહિનામાં ૨૫ ટકા વધ્યો છે. જ્યારે માઇક્રોસોફ્ટનો શેર છેલ્લા ત્રણ મહિનામાં છ ટકા વધ્યો છે. તેને પણ ઓપનએઆઇમાં કરેલું રોકાણ ફળ્યું છે. 

એપલ

વર્ષ માર્કેટ કેપ

૨૦૧૮ એક લાખ કરોડ ડોલર

૨૦૨૦ બે લાખ કરોડ ડોલર

૨૦૨૨ ત્રણ લાખ કરોડ ડોલર

૨૦૨૫ ચાર લાખ કરોડ ડોલર

એનવિડીયા

વર્ષ માર્કેટકેપ

જુન ૨૦૨૩ ૧ લાખ કરોડ ડોલર

ડિસે. ૨૦૨૩ ૨ લાખ કરોડ ડોલર

માર્ચ ૨૦૨૪ ૩ લાખ કરોડ ડોલર

જુલાઈ ૨૦૨૫ ૪ લાખ કરોડ ડોલર

ઓક્ટો. ૨૦૨૫ ૫ લાખ કરોડ ડોલર

દેશ જીડીપી(ડોલરમાં)

ભારત ૪. ૧૯ લાખ કરોડ ડોલર

જાપાન ૪.૨૧ લાખ કરોડ ડોલર

યુકે ૩.૯૬  લાખ કરોડ ડોલર