'હવે અમે સામાન્ય અવાજથી પણ ગભરાઈ જઈએ છીએ...', હોર્મુઝમાં ફસાયેલા નાવિકો પહોંચ્યા કોર્ટ, માંગી રહ્યા છે મોટું વળતર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Thai Seafarers Sue Precious Shipping : સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં માર્ચ મહિનામાં થયેલા હુમલા દરમિયાન થાઈ માલવાહક જહાજના ત્રણ ભૂતપૂર્વ નાવિકો સુરક્ષિત બચી નીકળ્યા હતા. હવે આ ત્રણેય નાવિકો ન્યાય મેળવવા માટે પોતાની જ કંપની સામે કોર્ટ પહોંચ્યા છે. તેમનો આરોપ છે કે, ગંભીર સુરક્ષા જોખમ હોવા છતાં કંપનીએ જહાજને તે રસ્તે મોકલ્યું હતું. આ બેદરકારીને કારણે તમામ લોકોનો જીવ જોખમમાં મુકાયો હતો. અહેવાલો અનુસાર, હુમલા બાદ આ કર્મચારીઓને નોકરીમાંથી પણ કાઢી મૂકવામાં આવ્યા હતા. ત્રણેય નાવિકોનું કહેવું છે કે, આ અકસ્માત બાદ તેમની માનસિક સ્થિતિ ખૂબ જ ખરાબ થઈ ગઈ છે, અને તેઓ હવે ફરી ક્યારેય જહાજ પર કામ કરી શકે તેવી સ્થિતિમાં નથી. આ જ કારણે તેમણે અદાલત પાસે પ્રત્યેક વ્યક્તિ માટે 10 લાખ થાઈ બાટ (અંદાજે 30 હજાર અમેરિકી ડોલર)ના વળતરની માંગ કરી છે.
આ આખો મામલો 'માયુરી નારી' નામ ધરાવતા થાઈ માલવાહક જહાજ સાથે જોડાયેલો છે. 11 માર્ચના રોજ ઓમાનની ઉત્તરમાં હોર્મુઝ પાસે આ જહાજ પર અચાનક હુમલો થયો હતો. આ દુર્ઘટનામાં ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે ક્રૂ મેમ્બર્સના બાકીના 20 સભ્યોને સુરક્ષિત બચાવી લેવાયા હતા. હુમલામાંથી સુરક્ષિત બચેલા પનિથી તુમકાએવ, નોપ્પાદોન વોંગસુવાન અને સુરદેસ માનપુએને મળીને આ મોટું પગલું ભર્યું છે. આ ત્રણેય નાવિકોએ જહાજ ઓપરેટ કરતી કંપની 'પ્રેશિયસ શિપિંગ કંપની', તેની સાથે જોડાયેલી અન્ય બે કંપનીઓ તેમજ જહાજના કેપ્ટન વિરુદ્ધ બેંગકોકની સેન્ટ્રલ લેબર કોર્ટમાં કેસ દાખલ કર્યો છે.
'હવે દરેક મોટા અવાજથી ડર લાગે છે'
નાવિકોના વકીલનું કહેવું છે કે, સુરક્ષાનું મોટું જોખમ હોવા છતાં, કંપનીએ જહાજને હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થવા દીધું, જેનાથી ક્રૂનો જીવ જોખમમાં મુકાયો. તેમનો એવો પણ આરોપ છે કે, હુમલા બાદ જહાજ કામ કરવા લાયક રહ્યું ન હતું, તેથી 9 મહિનાનો કોન્ટ્રાક્ટ પૂરો થાય તે પહેલાં જ, ત્રણેય કર્મચારીઓને નોકરીમાંથી હટાવી દેવાયા. કંપનીએ તેમને માત્ર બે મહિનાના પગાર જેટલું જ વળતર આપ્યું છે. કંપનીમાં 10 વર્ષથી વધુ સમયથી કામ કરી ચૂકેલા પનિથીએ પોતાનું દર્દ વ્યક્ત કરતા જણાવ્યું કે, 'હવે સામાન્ય કે મોટો અવાજ સાંભળતા જ હું ખરાબ રીતે ગભરાઈ જાઉં છું. હાલમાં હું કામ કરવાની સ્થિતિમાં નથી અને સતત દવાઓ લેવી પડી રહી છે.' નાવિકો હાલ ગંભીર માનસિક આઘાત (PTSD)નો સામનો કરી રહ્યા છે. વકીલના જણાવ્યા મુજબ, પહેલા કંપની સાથે વાતચીત કરીને મામલો થાળે પાડવાનો પ્રયાસ કરાયો હતો, પણ જ્યારે કંપનીએ જવાબદારી લેવાનો ઇનકાર કર્યો ત્યારે કોર્ટનો આશરો લેવો પડ્યો.
હોર્મુઝ બન્યું ચિંતાનું કારણ
હોર્મુઝ વૈશ્વિક સ્તરે સૌથી મહત્વપૂર્ણ દરિયાઈ વ્યાપારી રસ્તાઓમાંથી એક છે. દુનિયાના કાચા તેલ અને એલએનજી (LNG)નો અંદાજે 20 ટકા કારોબાર આ જ રસ્તેથી થાય છે. તાજેતરના મહિનાઓમાં અમેરિકા અને ઇરાન વચ્ચે વધેલા તણાવને કારણે આ વિસ્તારમાં જહાજોની સુરક્ષાને લઈને ચિંતા વધી ગઈ છે. ભારત, થાઈલેન્ડ અને ફિલિપિન્સ જેવા દેશોના હજારો નાવિકો આ ક્ષેત્રમાં કામ કરે છે. સંયુક્ત રાષ્ટ્રની ઇન્ટરનેશનલ મેરીટાઇમ ઓર્ગેનાઇઝેશન (IMO)એ પણ કહ્યું છે કે, આ સંઘર્ષની સૌથી મોટી કિંમત સામાન્ય નાવિકો અને તેમના પરિવારો ચૂકવી રહ્યા છે.









