દીપુ દાસે ''ઈશ-નિંદા'' કરી હોય તેવું કોઈએ જોયું ન હતું કે સાંભળ્યું પણ ન હતું

દીપુદાસની હત્યા :બર્બરતાની અવધી
બાંગ્લાદેશના 'કાઉન્ટર-ટેરરિઝમ-યુનિટ'ના કમાન્ડરે જ કહ્યું : દીપુદાસના ફેસબુક એકાઉન્ટમાં ધાર્મિક લાગણી દુભાય તેવું કશું જોવા મળ્યું નથી
શુક્રવારે બનેલી આ પિશાચોને પણ કંપારી છૂટે તેવી ઘટના વિષે વધુ માહિતી બહાર આવી છે. બાંગ્લાદેશની 'કાઉન્ટર-ટેરરિઝમ-યુનિટ'ના કમાન્ડરે જ જણાવ્યું હતું કે દીપુદાસના ફેસબુક એકાઉન્ટમાં કોઈની પણ ધાર્મિક લાગણી દુભાય તેવું કશું જાણવા મળ્યું નથી.
૨૫ વર્ષના દીપુચંદ્ર દાસને મયમાન સિંહ જિલ્લાના ભાવુકા ક્ષેત્રમાં આવેલી એક ગારમેન્ટ ફેક્ટરી જ્યાં તે કામ કરતો હતો, ત્યાંથી બહાર ખેંચી તેને ફેક્ટરીની બહાર જ ટોળાએ મારી મારીને મૃતપ્રાયઃ બનાવી દીધો હતો. પછી ઝાડ સાથે બાંધી તેની ઉપર કેરોસીન છાંટી તેને જીવતો સળગાવી દઈ તેના શબને ઝાડની ડાળી ઉપર ટીંગાડી દેવામાં બર્બરતાભર્યા કૃત્યે કાળમીંઢનાં બનેલા કાળજાંને પણ કંપાવી દીધાં હતાં. પરંતુ સત્ય હકીકત તો હવે તે પણ બહાર આવી છે કે તે જે ફેક્ટરીમાં કામ કરતો હતો તેના સહકર્મીઓએ પણ કહ્યું હતું કે, 'કુર્રાન-એ-શરીફ' કે મહમ્મદસાહેબ વિરૂદ્ધ તેણે કદી કશી ટીકા કરી ન હતી.
બીજી તરફ તેનો ફેસબુક એકાઉન્ટ પણ પોલીસે તપાસ્યો હતો તેમાં પણ તેણે કોઈની પણ લાગણી દુભાય તેવું લખ્યું નથી.
ટૂંકમાં દીપુ દાસની હત્યા, બાંગ્લાદેશમાં લઘુમતિઓ પ્રત્યે, વિશેષતઃ હિન્દુઓ પ્રત્યે આચરવામાં આવતી બર્બરતાનો આ ઘણો જ દુઃખદ પુરાવો છે.








