World

તેલની ચોરી કરવાનો પ્રયાસ ભારે પડ્યો, 37 લોકોના મોત, નાઈજીરિયામાં બની ઘટના

By GS Team
4 Sep 20262 mins read
TukuTouch Logo
નાઇજીરીયાના રિવર્સ રાજ્યમાં તેલ ચોરીનો ગંભીર બનાવ બન્યો છે. ગુરુવારે ગેરકાયદેસર રીતે ક્રૂડ ઓઇલ ચોરતી વખતે ઝેરી ગેસ લીક થતા ઓછામાં ઓછા 37 લોકોના મોત થયા. ઘણા લોકો હજુ પણ લાપતા છે અને નદીમાં ડૂબી ગયા હોવાની આશંકા છે. પોલીસે આ ઘટનાની પુષ્ટિ કરી તપાસ શરૂ કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

તેલની ચોરી કરવાનો પ્રયાસ ભારે પડ્યો, 37 લોકોના મોત, નાઈજીરિયામાં બની ઘટના

Nigeria Oil Theft Tragedy : આફ્રિકન દેશ નાઇજીરિયાના ક્રૂડ ઓઇલ સમૃદ્ધ રિવર્સ રાજ્યમાં એક મોટી અને ગંભીર દુર્ઘટના સામે આવી છે. અહીં એક જહાજમાંથી ગેરકાયદેસર રીતે કાચું તેલ ચોરવાનો પ્રયાસ કરી રહેલા ઓછામાં ઓછા 37 લોકોના મોત થયા છે. તેલ ચોરી કરતી વખતે અચાનક ભારે માત્રામાં ઝેરી ગેસ લીક થવા લાગ્યો હતો, જે શ્વાસમાં જવાથી સ્થળ પર હાજર લોકોના ગૂંગળામણને કારણે મોત નીપજ્યાં હતાં. આ દુર્ઘટના બાદ હજુ પણ અનેક લોકો લાપતા હોવાના અહેવાલ છે.

ગેરકાયદે તેલ નિકાસી પોઈન્ટ પર ગેસ ગળતરની ઘટના

પર્યાવરણ ક્ષેત્રે કામ કરતી સંસ્થા યુથ્સ એન્ડ એન્વાયરન્મેન્ટલ એડવોકેસી સેન્ટરે આ ઘટના અંગે વિગતવાર માહિતી આપી છે. સંસ્થાના જણાવ્યા અનુસાર, આ દુર્ઘટના ગુરુવારે બની હતી. અનેક લોકો ક્રૂડ ઓઇલ ભરેલા એક જહાજમાંથી ગેરકાયદેસર પોઈન્ટ મારફતે પોતાની નાની હોડીઓમાં તેલ ભરી રહ્યા હતા. તે દરમિયાન અચાનક ખૂબ જ ઊંચા દબાણ સાથે ઝેરી ગેસ અને ધુમાડો બહાર નીકળવા લાગ્યો હતો. ક્ષણભરમાં જ ઝેરી વાયુ આસપાસ ફેલાઈ જતાં ત્યાં હાજર લોકો તેની ઝપેટમાં આવી ગયા હતા અને ઘટનાસ્થળે જ અફરાતફરી મચી ગઈ હતી.

અનેક લોકો નદીમાં ડૂબ્યા હોવાની આશંકા

સંસ્થાએ વધુમાં જણાવ્યું હતું કે આ દુર્ઘટના બાદ ઘણા લોકો હજુ પણ લાપતા છે. એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે ઝેરી ગેસના સંપર્કમાં આવવાથી બેભાન થઈને કેટલાક લોકો પાણીમાં પડી ગયા હોઈ શકે છે અથવા તો ધુમાડાના કારણે ઘટનાસ્થળેથી બહાર નીકળી શક્યા નહોતા. બચાવ ટુકડીઓ દ્વારા લાપતા લોકોની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે.

સ્થાનિક પોલીસે કરી મોતના બનાવની પુષ્ટિ

રિવર્સ રાજ્યની પોલીસે આ ઘટના બની હોવાની પુષ્ટિ કરી છે, જોકે સત્તાવાર રીતે મૃતકોનો ચોક્કસ આંકડો હજુ જાહેર કર્યો નથી. રિવર્સ સ્ટેટ પોલીસના પ્રવક્તા બ્લેસિંગ અગાબેએ જણાવ્યું કે ઘટનામાં લોકોના મોત થયાની પુષ્ટિ થઈ છે અને આ સમગ્ર મામલે તપાસ શરૂ કરી દેવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે ભોગ બનનારા લોકો ગેરકાયદેસર રીતે કાચું તેલ ચોરવાની પ્રવૃત્તિમાં સામેલ હતા.