Image From X |
New York Airport Accident: અમેરિકાના ન્યૂયોર્ક એરપોર્ટ પર એક ભયાનક અકસ્માત સર્જાયો છે. અહીં એર કેનેડાનું એક વિમાન રનવે પર ફાયર ફાઈટર ટ્રક સાથે અથડાયું હતું. આ ટક્કર એટલી જોરદાર હતી કે વિમાન અને ટ્રક બંનેને નુકસાન થયું છે. અમેરિકન મીડિયા અહેવાલો અનુસાર વિમાન દુર્ઘટના બાદ પાયલટ અને કો પાયલટનું મોત થયું છે.
ઘટના બાદ એરપોર્ટ પર અફરાતફરી મચી ગઈ હતી અને સુરક્ષાના કારણોસર હાલમાં એરપોર્ટને ઓપરેશન માટે બંધ કરી દેવામાં આવ્યું છે. આ દુર્ઘટનાનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં પ્લેન અને ટ્રકની ભીષણ ટક્કર જોઈ શકાય છે. રાહત અને બચાવ કાર્ય હાલમાં ચાલુ છે અને ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
પ્રાથમિક તપાસમાં ઓડિયો રેકોર્ડિંગમાં જાણવા મળ્યું છે કે, ટક્કરના થોડા સમય પહેલા જ એર ટ્રાફિક કંટ્રોલ (ATC) દ્વારા પાયલોટ અને ટ્રક ચાલક બંનેને વારંવાર 'રોકાઈ જવા' (Stop) ના નિર્દેશ આપવામાં આવ્યા હતા. આમ છતાં, અકસ્માત ટળી શક્યો નહીં. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં વિમાનનો આગળનો હિસ્સો હવામાં ઉંચકાયેલો અને ક્ષતિગ્રસ્ત જોવા મળી રહ્યો છે. આ અકસ્માત બાદ ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA)એ તાત્કાલિક અસરથી એરપોર્ટ પર તમામ ઉડાનો પર રોક લગાવી દીધી છે. અત્યારે એરક્રાફ્ટ રેસ્ક્યુ એન્ડ ફાયરફાઈટિંગ (ARFF)ની ટીમો ઘટનાસ્થળે તૈનાત છે.


