100 વર્ષ પછી મળી બિલાડીની નવી પ્રજાતિ: ચિત્તા જેવી ચામડી પણ વજન પાલતુ બિલાડી કરતાંય ઓછું!
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

New Wildcat Species Discovered In Bolivia: 100 વર્ષથી પણ વધુ સમયના લાંબા અંતરાલ બાદ વૈજ્ઞાનિકોએ બિલાડીની એક તદ્દન નવી પ્રજાતિ શોધી કાઢી છે, જેણે સમગ્ર વિશ્વના વન્યજીવ નિષ્ણાતોને આશ્ચર્યમાં મૂકી દીધા છે. દેખાવમાં આ જીવ આબેહૂબ કોઈ હિંસક ચિત્તા જેવો ભાસે છે, પરંતુ તેનું વજન આપણા ઘરમાં જોવા મળતી સામાન્ય પાલતુ બિલાડી કરતાં પણ ઓછું છે. માથાથી લઈને પૂંછડી સુધી માત્ર 18 ઇંચની લંબાઈ ધરાવતી આ રહસ્યમય બિલાડીને વૈજ્ઞાનિકોએ 'લિયોપાર્ડસ તિલકાયો' નામ આપ્યું છે. વૈજ્ઞાનિકો પાસે હાલ માત્ર એટલી માહિતી છે કે તે બોલિવિયાના યુંગાસ જંગલોમાં વસવાટ કરતી હતી, પરંતુ તેનો ખોરાક અને રહેણીકરણી હજુ પણ એક વણઉકેલાયેલું રહસ્ય છે.
રસ્તા કિનારે મળ્યું હતું બચ્ચું
આ અનોખી પ્રજાતિ સામે આવવા પાછળની ઘટના દક્ષિણ અમેરિકન દેશ બોલિવિયા સાથે જોડાયેલી છે. વર્ષ 2017માં ત્યાંના એક સ્થાનિક નાગરિકને રસ્તા કિનારે આવેલા જંગલમાંથી બિલાડીનું એક નાનું બચ્ચું બિનવારસી હાલતમાં મળ્યું હતું. સામાન્ય પાલતુ બિલાડી સમજીને તે વ્યક્તિ તેને પોતાના ઘરે લઈ આવ્યો અને એક વર્ષ સુધી તેનું પાલનપોષણ કર્યું. જોકે, સમય જતાં જ્યારે તેને અહેસાસ થયો કે આ કોઈ સામાન્ય પાલતુ પ્રાણી નથી પરંતુ સંપૂર્ણપણે જંગલી જીવ છે, ત્યારે તેણે તેને 'સેંડા વર્ડે એનિમલ રિફ્યુજ' નામની સ્થાનિક સેન્ચ્યુરીને સોંપી દીધું હતું.
બાયોલોજિસ્ટની નજરે ચડ્યા ચિત્તા જેવા ડાઘ
નેશનલ જ્યોગ્રાફિકના અહેવાલ મુજબ, જ્યારે બાયોલોજિસ્ટ પાઓલા નોગાલેસ-અસ્કારુંજ આ બિલાડીને જોવા માટે સેન્ચ્યુરી પહોંચ્યા ત્યારે તેના શારીરિક લક્ષણો જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા હતા. તેનું મોઢું નાનું અને સંકોચાયેલું હતું, કાન ગોળાકાર, લાંબી મૂછો અને સમગ્ર શરીર પર ચિત્તા જેવા મોટા-મોટા કાળા ડાઘ હતા. શરૂઆતમાં તેમણે તેને ટાઇગર કેટની કોઈ સામાન્ય પ્રજાતિ માની લીધી હતી. પરંતુ 2019માં એક પુસ્તક પર કામ કરતી વખતે તેમનું ધ્યાન ગયું કે આ બિલાડીના શરીર પરના ડાઘ પડોશી દેશ બ્રાઝિલમાં જોવા મળતી ટાઇગર કેટ કરતાં ઘણા મોટા અને તદ્દન અલગ હતા.
ડીએનએ ટેસ્ટથી ખુલ્યું 14 લાખ વર્ષ જૂનું રહસ્ય
શંકા વધુ ઘેરી બનતાં બ્રાઝિલ અને બેલ્જિયમના વૈજ્ઞાનિકોએ સંયુક્ત રીતે તેના DNA અને જીનોમનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ કર્યું, જેના પરિણામો અત્યંત ચોંકાવનારા આવ્યા હતા. તપાસમાં સ્પષ્ટ થયું કે આ બિલાડી અગાઉથી નોંધાયેલી કોઈ પ્રજાતિની સબ-સ્પીસીઝ નથી, પરંતુ વિજ્ઞાન જગત માટે સંપૂર્ણ નવી પ્રજાતિ છે. આ જીવ આજથી આશરે 14 લાખ વર્ષ પહેલાં જ પોતાની મૂળ વંશાવળીથી અલગ થઈને એક સ્વતંત્ર પ્રજાતિ તરીકે વિકસિત થઈ ચૂક્યો હતો.
બિલાડીઓના ફેમિલી ટ્રીમાં મોટો ફેરફાર
જે વ્યક્તિને આ બિલાડી મળી હતી તે તેને પ્રેમથી 'તિલકાયો' કહીને બોલાવતો હતો, જેના કારણે વૈજ્ઞાનિકોએ તેનું આ જ નામ કાયમ રાખ્યું છે. આ એકમાત્ર બિલાડીની શોધે બિલાડી કુળના સમગ્ર 'ફેમિલી ટ્રી' અને વર્ગીકરણને બદલી નાખ્યું છે. અગાઉ વૈજ્ઞાનિકો એવું માનતા હતા કે સમગ્ર દક્ષિણ અમેરિકન વિસ્તારમાં માત્ર એક જ પ્રકારની ટાઇગર કેટ જોવા મળે છે, જેથી તેને સુરક્ષિત શ્રેણીમાં ગણવામાં આવતી હતી. પરંતુ આ સંશોધન બાદ સાબિત થયું છે કે વાસ્તવમાં આ એક નહીં પરંતુ પાંચ અલગ-અલગ દુર્લભ પ્રજાતિઓ છે.




