Get The App

નેધરલેન્ડની રાજકુમારીઓની હત્યાના કાવતરાથી સમગ્ર યુરોપમાં હડકંપ! નાઝી શંકાસ્પદની ધરપકડ

Updated: May 3rd, 2026

GS TEAM

Google News
Google News
નેધરલેન્ડની રાજકુમારીઓની હત્યાના કાવતરાથી સમગ્ર યુરોપમાં હડકંપ! નાઝી શંકાસ્પદની ધરપકડ 1 - image

Netherlands Princes Murder Plan: નેધરલેન્ડની રાજકુમારીઓ વિરુદ્ધ ફરી એકવાર હત્યાનું કાવતરું ઘડવામાં આવી રહ્યું હતું. 22 વર્ષીય રાજકુમારી કેથરીના અમાલિયા અને 20 વર્ષીય રાજકુમારી એલેક્સિયા પર હુમલાની તૈયારી હતી. પોલીસે આ મામલે એક આરોપીની ધરપકડ કરી છે. પોલીસને શંકા છે કે આરોપી નાઝી વિચારધારાથી પ્રેરિત છે.

હથિયાર પર નાઝી કાળનો નારો 'સીગ હેલ' હતો

જો કે હજુ સુધી આ કાવતરા પાછળના અસલી હેતુ શું હતો તે જાણી શકાયું નથી. ધ હેગ પબ્લિક પ્રોસિક્યુટર ઓફિસના જણાવ્યા મુજબ આરોપીને સોમવારે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. શંકાસ્પદની ફેબ્રુઆરીમાં ધ હેગમાંથી ધરપકડ કરવામાં આવી હતી. તેની પાસેથી બે કુહાડીઓ મળી આવી છે, જેના પર 'એલેક્સિયા', 'મોસાદ' અને નાઝી કાળનો નારો 'સીગ હેલ' કોતરેલો હતો. આ ઉપરાંત, પોલીસને શંકાસ્પદ પાસેથી હાથથી લખેલી એક નોંધ પણ મળી છે. આ નોટ પર બંને રાજકુમારીઓના નામ સાથે 'બ્લડબાથ' (એટલે કે રક્તપાત) શબ્દ લખેલો હતો.

રાજકુમારી વિરુદ્ધ અગાઉ પણ કાવતરાં ઘડાઈ ચૂક્યા છે!

ભવિષ્યની ડચ રાણી, રાજકુમારી અમાલિયા અગાઉ પણ ઘણી વખત જીવલેણ જોખમોનો સામનો કરી ચુકી છે. ડ્રગ ગેંગ પર તેમનું અને પૂર્વ વડાપ્રધાન માર્ક રુટનું અપહરણ કરવાનું કાવતરું ઘડવાનો આરોપ લાગી ચુક્યો છે. સુરક્ષાના કારણોસર તેમણે 2022માં એમ્સ્ટરડેમમાં પોતાની હોસ્ટેલ પણ છોડવી પડી હતી. ત્યારબાદ તેમને ધ હેગના મહેલમાં રહેવાની ફરજ પડી હતી.

'હું સામાન્ય જીવન જીવવા માગું છું'

પોતાનો અભ્યાસ પૂર્ણ કરવા માટે અમાલિયાએ 2024માં ગુપ્ત રીતે સ્પેનના મેડ્રિડમાં સમય વિતાવ્યો હતો. રાજકુમારી અમાલિયાએ સુરક્ષા પ્રતિબંધોને કારણે થતી મુશ્કેલીઓ વિશે ખુલીને વાત કરી છે. તેમણે કહ્યું હતું કે, 'હું સામાન્ય જીવન, એક વિદ્યાર્થી તરીકેના જીવનને યાદ કરું છું. રસ્તાઓ પર ફરવું અને દુકાને જવું.' તેમની માતા રાણી મેક્સિમાએ પણ જણાવ્યું છે કે આ જોખમોની તેમની પુત્રીના જીવન પર ખૂબ ઊંડી અસર પડી છે અને તે પોતાની મરજીથી બહાર નીકળી શકતી નથી.

આ પણ વાંચો: કેનેડાએ ભારતનું નામ જાસૂસોની યાદીમાં નાખ્યું, ખાલિસ્તાનીઓ પ્રત્યે અપનાવ્યું નરમ વલણ

આરોપીનું નામ જાહેર કરવામાં આવ્યું નથી

પ્રોસિક્યુટર (સરકારી વકીલ)ની ઓફિસે સોમવારે યોજાનારી પ્રારંભિક સુનાવણી પહેલા આ મામલે વધુ માહિતી આપવાનો ઇનકાર કર્યો છે. આરોપીની ધરપકડ ક્યારે અને ક્યાં કરવામાં આવી તે પણ સ્પષ્ટ કરવામાં આવ્યું નથી. ડચ ગોપનીયતાના નિયમો હેઠળ તેનું નામ જાહેર કરવામાં આવ્યું નથી. શાહી પરિવાર તરફથી આ બાબતે કોઈ ટિપ્પણી કરવામાં આવી નથી.