લ્યો! નેતન્યાહૂએ સુપ્રીમ કોર્ટનો ઓર્ડર જ માનવાનું ઈનકાર કર્યો, ઈઝરાયલમાં જંગલરાજના ભણકારા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Israel constitutional crisis 2026: ઈઝરાયલમાં વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂની સરકાર અને સુપ્રીમ કોર્ટ વચ્ચેનો વિવાદ હવે એક મોટી બંધારણીય કટોકટીમાં ફેરવાઈ ગયો છે. રવિવારે ઈઝરાયલી કેબિનેટે સર્વસંમતિથી એક અભૂતપૂર્વ નિર્ણય લીધો છે, જે મુજબ સરકાર સુપ્રીમ કોર્ટના આદેશને સ્વીકારશે નહીં. સુપ્રીમ કોર્ટે દેશના કોમર્શિયલ મીડિયા રેગ્યુલેટર 'સેકન્ડ ઓથોરિટી ફોર ટેલિવિઝન એન્ડ રેડિયો' (SATR)ને પોતાનું કામ ચાલુ રાખવાની મંજૂરી આપી હતી, જેની સામે સરકારે હવે ખુલ્લી ચેલેન્જ ફેંકી છે. ઈઝરાયલના ઇતિહાસમાં આ પ્રથમ એવો કિસ્સો છે જ્યારે કોઈ સરકારે દેશની સર્વોચ્ચ અદાલતના આદેશને સત્તાવાર રીતે ફગાવી દીધો હોય.
શું છે સમગ્ર વિવાદ?
આ વિવાદની શરૂઆત ગયા મહિને થઈ હતી જ્યારે સુપ્રીમ કોર્ટે સરકારના એ નિર્ણયો પર રોક લગાવી દીધી હતી, જેના હેઠળ મીડિયા રેગ્યુલેટરની નવી કાઉન્સિલ (પરિષદ) બનાવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. અદાલતે આદેશ આપ્યો હતો કે હાલની કાઉન્સિલ જ પોતાનું કામ ચાલુ રાખે. અદાલતનું માનવું હતું કે કાઉન્સિલના કેટલાક સભ્યોના રાજીનામા રાજકીય દબાણ હેઠળ આપવામાં આવ્યા હોઈ શકે છે.
જોકે, નેતન્યાહૂ સરકારે અદાલતના આ વલણને નકારી કાઢ્યું છે. સંચાર મંત્રી શ્લોમો કારહી અને ન્યાય મંત્રી યારિવ લેવિને એક સંયુક્ત નિવેદનમાં જણાવ્યું કે, અદાલતને કાયદાને કચડવાનો કોઈ અધિકાર નથી. જે નિર્ણય કાયદાની વિરુદ્ધ હશે, તેને સરકાર માન્યતા નહીં આપે. કેબિનેટે સ્પષ્ટ કર્યું છે કે આ મીડિયા રેગ્યુલેટર કાઉન્સિલ દ્વારા ભવિષ્યમાં લેવાનારા કોઈપણ નિર્ણયને સરકાર સ્વીકારશે નહીં, કારણ કે કાઉન્સિલ પાસે કાયદાકીય રીતે જરૂરી સભ્યોની સંખ્યા નથી.
લોકશાહી અને 'જંગલ રાજ'ની આશંકા
સરકારના આ આકરા પગલાનો વિપક્ષ અને કાનૂની નિષ્ણાતો દ્વારા ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે. ડેપ્યુટી એટર્ની જનરલ ગિલ લિમોને ચેતવણી આપી છે કે જો સરકાર પોતાની મરજી મુજબ જ અદાલતના આદેશો માનવાનું નક્કી કરશે, તો આ કાયદાના શાસનને નબળું પાડવાની શરૂઆત હશે. પૂર્વ વડાપ્રધાન નફ્તાલી બેનેટે આ સ્થિતિને 'જંગલ રાજ'ની આહટ ગણાવતા કહ્યું કે, અદાલતના આદેશનો અનાદાર દેશમાં અરાજકતા ફેલાવશે અને ઈઝરાયલની લોકશાહી વ્યવસ્થાને તોડી પાડશે.
બીજી તરફ, ડેમોક્રેટ્સ પાર્ટીના નેતા યાયર ગોલાને ગંભીર આક્ષેપ કર્યો છે કે નેતન્યાહૂ સરકાર ચૂંટણી પહેલા ન્યાયતંત્રને નબળું કરવા માંગે છે, જેથી ભવિષ્યમાં જો ચૂંટણી પરિણામો તેમની વિરુદ્ધ આવે તો તેને પણ પડકારી શકાય. પત્રકાર સંગઠનો અને લોકશાહી સમર્થક જૂથોનું પણ કહેવું છે કે આ માત્ર એક મીડિયા રેગ્યુલેટરનો વિવાદ નથી, પરંતુ ઈઝરાયલમાં પ્રેસની આઝાદી, કાયદાના શાસન અને એકંદર લોકશાહી પર સીધો હુમલો છે.









