Get The App

'ICBM બનાવી રહ્યું છે ઈરાન, ટ્રમ્પનું ઘર પણ હશે રેન્જમાં...', નેતન્યાહૂના નવા દાવાથી ફરી વધ્યો તણાવ

Updated: Oct 7th, 2025

GS TEAM

Google News
Google News
ICBM 8000 km Range

ICBM 8000 km Range: ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ દાવો કર્યો છે કે ઈરાન 8,000 કિલોમીટરની રેન્જવાળી ઇન્ટર કોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલ (ICBM) બનાવી રહ્યું છે. એક ઇન્ટરવ્યુમાં તેમણે કહ્યું કે, 'જો આ મિસાઇલની ક્ષમતા 3,000 કિલોમીટર વધારવામાં આવે, તો ટૂંક સમયમાં અમેરિકાના ન્યૂયોર્ક અને વોશિંગ્ટન જેવા મોટા શહેરો ઈરાની 'એટોમિક ગન'ની રેન્જમાં હશે.

આટલું જ નહીં, ફ્લોરિડાના પામ બીચમાં આવેલું એક ભવ્ય રિસોર્ટ માર-એ-લાગો કે જે અમેરિકન પ્રમુખ ટ્રમ્પનું અંગત નિવાસસ્થાન પણ છે, તે પણ આવી મિસાઇલની રેન્જમાં આવી જશે. 17 એકર જમીન પર ફેલાયેલા માર-એ-લાગોમાં તમામ વૈભવી સુવિધાઓ ઉપલબ્ધ છે.

ઈરાનના મહત્ત્વાકાંક્ષી મનસૂબાથી દુનિયાને ચેતવણી

જૂનમાં ઈરાન સાથે જંગ લડી ચૂકેલા ઇઝરાયલી વડાપ્રધાન નેતન્યાહૂએ હથિયારો અંગેની ઈરાનની મહત્ત્વાકાંક્ષાથી અમેરિકા અને દુનિયાને ચેતવણી આપી છે.

તેમણે ડોનાલ્ડ ટ્રમ્પને ચેતવતાં કહ્યું કે, 'ઈરાન 8,000 કિલોમીટર સુધી પ્રહાર કરી શકે તેવી ઇન્ટર કોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલ (ICBM) બનાવી રહ્યું છે.' નેતન્યાહૂના મતે, જો ઈરાન આ ક્ષમતામાં 3,000 કિલોમીટરનો વધારો કરશે, તો તેની પાસે 11,000 કિલોમીટર સુધી પરમાણુ હુમલો કરવાની ક્ષમતા હશે.

નેતન્યાહૂએ સ્પષ્ટ કર્યું કે, 'આ ક્ષમતાનો અર્થ એ છે કે અમેરિકાના મોટા શહેરો જેવા કે ન્યૂયોર્ક, વોશિંગ્ટન, બોસ્ટન, મિયામી અને માર-એ-લાગો પણ ઈરાનની 'એટોમિક ગન'ની રેન્જમાં આવી જશે.

USના B-2 બોમ્બર હુમલા છતાં ઈરાનનું વલણ કાયમ

તાજેતરમાં અમેરિકાએ ઈરાનના ત્રણ યુરેનિયમ સંવર્ધન કેન્દ્રો નતાન્ઝ, ઇસ્ફહાન અને ફોર્દો પર B-2 બોમ્બર વિમાનોથી હુમલો કરીને તેને તહેસ-નહેસ કરવાનો દાવો કર્યો હતો. જોકે, ઈરાને કહ્યું હતું કે યુરેનિયમ એનરિચમેન્ટ એક વિજ્ઞાન છે અને તેને કોઈ ખતમ કરી શકશે નહીં.

આ પછી પશ્ચિમી દુનિયામાં એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે ઈરાન ફરીથી પોતાની પરમાણુ મહત્ત્વાકાંક્ષાઓને આગળ વધારી શકે છે. જોકે, ઈરાને કહ્યું છે કે તે પરમાણુ બોમ્બ નથી ઇચ્છતો, પરંતુ યુરેનિયમ એનરિચમેન્ટથી તેને કોઈ રોકી શકશે નહીં.

ઈરાનનો ICBM કાર્યક્રમ

મધ્ય પૂર્વમાં સૌથી મોટો અને સૌથી ઍડ્વાવાન્સ બેલિસ્ટિક મિસાઇલ કાર્યક્રમ ઈરાન પાસે છે, જેના પર તે 1980ના દાયકાથી કામ કરી રહ્યું છે. આ કાર્યક્રમ મુખ્યત્વે ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર (IRGC) દ્વારા ચલાવવામાં આવે છે અને તેમાં શોર્ટ-રેન્જથી લઈને મીડિયમ-રેન્જ બેલિસ્ટિક મિસાઇલ(MRBM)નો સમાવેશ થાય છે. જોકે, વિશ્વસનીય સૂત્રો મુજબ, ઇન્ટર કોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલ (ICBM) કાર્યક્રમનો વિકાસ હજુ પ્રારંભિક તબક્કામાં છે.

આ પણ વાંચો: ટ્રમ્પની સોય ભારત-પાકિસ્તાન યુદ્ધ પર જ અટકી, ફરી કહ્યું- ટેરિફના જોરે જ સીઝફાયર કરાવ્યું

ICBM શું છે અને તે કેમ ખતરનાક છે?

ICBM (ઇન્ટર કોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલ) એક લાંબા અંતરની મિસાઇલ છે, જે 5,500 કિલોમીટરથી વધુ રેન્જ સુધી વારહેડ (પરમાણુ, રાસાયણિક કે પરંપરાગત) લઈ જવાની ક્ષમતા ધરાવે છે. આ મિસાઇલ એક મહાદ્વીપથી બીજા મહાદ્વીપ પર હુમલો કરવાના હેતુથી ડિઝાઇન કરવામાં આવે છે અને તે લક્ષ્ય સુધી પહોંચવા માટે પૃથ્વીની કક્ષામાં ઉડાન ભરે છે.

હાઇપરસોનિક ગતિ, મલ્ટિપલ વારહેડ્સ અને ચોક્કસ માર્ગદર્શન પ્રણાલીને કારણે ICBM મિસાઇલ અત્યંત ખતરનાક માનવામાં આવે છે. આ મિસાઇલ એશિયાથી હુમલો કરવામાં આવે તો પણ યુએસ, યુરોપ જેવા દૂરના લક્ષ્યોને નિશાન બનાવી શકે છે. જોકે, આધુનિક યુદ્ધમાં ICBMનો ઉપયોગ કરવામાં આવ્યો નથી.

'ICBM બનાવી રહ્યું છે ઈરાન, ટ્રમ્પનું ઘર પણ હશે રેન્જમાં...', નેતન્યાહૂના નવા દાવાથી ફરી વધ્યો તણાવ 2 - image