જળપ્રલય: નેપાળમાં 600થી વધુ મોત સામે ચીનનો માત્ર 7 મોતોનો દાવો, કેમ આંકડા છુપાવી રહ્યું છે ડ્રેગન?
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Nepal Tibet Flood Disaster: હિમાલયના શાંત શિખરો પરથી એક વિશાળ ગ્લેશિયર તૂટીને ખીણમાં ખાબકી અને ‘નેપાળ’ અને ચીન શાસિત ‘તિબેટ’ના સરહદી વિસ્તારોમાં ક્યારેય ન ભૂલી શકાય તેવી તારાજી સર્જાઈ. આ અભૂતપૂર્વ હોનારત સામે બંને દેશોનો અભિગમ સાવ અલગ જોવા મળી રહ્યો છે. એક તરફ નેપાળમાં થયેલા વિનાશનું વાસ્તવિક ચિત્ર દુનિયા સામે આવી રહ્યું છે, તો બીજી તરફ ચીન પોતાના સંવેદનશીલ પ્રદેશ તિબેટમાં માહિતી પર કડક અંકુશ રાખીને માત્ર પોતાની બચાવ કામગીરીને જ હાઇલાઇટ કરી રહ્યું છે. આની પાછળનું કારણ શું?

વિનાશનો વ્યાપ અને જાનહાનિ
નેપાળમાં પરિસ્થિતિ અત્યંત ગંભીર છે. ત્યાં અત્યાર સુધીમાં 626 લોકોના મોત થયા છે અને 2426 લોકો હજુ પણ ગુમ છે. બીજી તરફ, ચીનના નિયંત્રણ હેઠળના તિબેટમાં સત્તાવાર રીતે માત્ર 7 લોકોના મોત અને 554 લોકો ગુમ હોવાનું જાહેર કરવામાં આવ્યું છે. રેડ ક્રોસ સંસ્થાના અંદાજ મુજબ આ ભયાનક આપત્તિથી બંને દેશના કુલ 90,000થી વધુ લોકો પ્રભાવિત થયા છે.
ચીને બચાવકાર્ય શરૂ કર્યું
સૌથી વધુ નુકસાન ગૈરોંગ (Gyirong) બોર્ડર ક્રોસિંગ પર થયું છે. આ વિસ્તાર ચીનના 'બેલ્ટ ઍન્ડ રોડ' નેટવર્કનો મહત્ત્વનો ભાગ છે. ચીનની 21 બચાવકર્તાઓ અને એક સર્ચ ડોગની ટીમ કઠિન રસ્તાઓ પાર કરીને ત્યાં પહોંચી, ત્યારે તેમને ત્યાં ફક્ત બરબાદીભર્યા દૃશ્યો જોવા મળ્યાં. આ આપત્તિને ચીને દેશની પ્રાથમિકતા ગણાવી છે. રાષ્ટ્રપતિ શી જિનપિંગના નિર્દેશથી તેમના બીજા નંબરના નેતા લી કિઆંગ પણ અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે પહોંચ્યા હતા.

ચીનનો માહિતી પર કડક અંકુશ
નેપાળમાં પૂરથી થયેલા નુકસાનની માહિતી વધુ ઝડપથી અને સ્પષ્ટ રીતે બહાર આવી રહી છે. નેપાળમાં પત્રકારો સીધા અસરગ્રસ્ત વિસ્તારોમાં જઈને લોકોના ઇન્ટરવ્યુ લઈ રહ્યા છે, જ્યારે ચીનમાં સ્થિતિ સાવ અલગ છે.
1950ના દાયકાથી તિબેટ પર ચીનનું નિયંત્રણ છે. તિબેટમાં દરેક બાબતને 'રાષ્ટ્રીય સુરક્ષા'ના ચશ્માથી જોવામાં આવે છે, તેથી ત્યાં ચીન કડક સુરક્ષા રાખે છે. આંતરરાષ્ટ્રીય પત્રકારો ત્યાં મુક્તપણે ફરી શકતા નથી. સ્થાનિક તિબેટીઓ જો પત્રકારો સાથે વાત કરે તો તેમને સજા થઈ શકે છે. ચીનના સરકારી મીડિયાએ પત્રકારોને તિબેટ મોકલ્યા તો છે, પરંતુ તેમનું પૂરું ધ્યાન ફક્ત ‘પીપલ્સ લિબરેશન આર્મી’ (PLA) દ્વારા થતી બચાવ કામગીરી દેખાડવા પર જ છે, નુકસાનની વાસ્તવિકતા પર નહીં. ચીની સોશિયલ મીડિયા પરથી પણ પૂરના ભયાનક વીડિયો ગાયબ છે. જમીની સ્તર પર કામ કરતાં લોકો પણ સત્તાવાર આંકડાઓથી વિરુદ્ધ જઈને સાચો મૃત્યુઆંક જણાવી શકતા નથી, કેમ કે તેમને ચીની સરકાર દ્વારા સજા થવાનો ભય સતાવે છે.
ચીન શા માટે સાચા આંકડા છુપાવી રહ્યું છે?
પૂર હોનારતમાં નેપાળ અને ચીનની પારદર્શિતામાં આટલો મોટો તફાવત શા માટે છે? ચીન દ્વારા પૂર હોનારતના સાચા આંકડા અને વાસ્તવિક પરિસ્થિતિ છુપાવવા પાછળ મુખ્યત્વે રાજકીય, આર્થિક અને ભૌગોલિક સુરક્ષાના કારણો જવાબદાર છે.
- 'સુપરપાવર' છબી જાળવી રાખવાનો પ્રયાસ: ચીનની સત્તાવાર નીતિ હંમેશાં પોતાની સરકાર અને સેના(PLA)ને અજેય અને સંપૂર્ણ સક્ષમ બતાવવાની રહી છે. ભયાનક નુકસાન કે મોટા મૃત્યુઆંકનો સ્વીકાર કરવાથી સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય સ્તરે સરકારની નિષ્ફળતા છતી થઈ શકે છે. તેથી નુકસાન ઘટાડીને બતાવવા અને માત્ર બચાવ કામગીરીને જ 'હીરો' તરીકે રજૂ કરવા પર ચીન વધુ ભાર મૂકે છે.
- તિબેટમાં આંતરરાષ્ટ્રીય દખલગીરીનો ડર: તિબેટ ચીનના નિયંત્રણમાં છે અને ત્યાં વિશ્વની સૌથી કડક સેન્સરશિપ લાગુ છે. જો ચીન તિબેટમાં થયેલા નુકસાનનું વાસ્તવિક ચિત્ર રજૂ કરે, તો આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સંસ્થાઓ, ગ્લોબલ મીડિયા અને રાહત એજન્સીઓ(જેમ કે યુએન) ત્યાં જવાની માંગ કરી શકે. ચીન ક્યારેય ઇચ્છતું નથી કે વિદેશી એજન્સીઓ તિબેટમાં પ્રવેશે અને સ્થાનિક લોકોના અસંતોષ કે ચીની દમનની વાતો બહાર લાવે.
- 'બેલ્ટ ઍન્ડ રોડ' પ્રોજેક્ટ્સની નિષ્ફળતા છુપાવવી: ગૈરોંગ(Gyirong) બોર્ડર અને તેની આસપાસનો વિસ્તાર ચીનના મહત્ત્વાકાંક્ષી 'બેલ્ટ ઍન્ડ રોડ ઇનિશિએટિવ'(BRI)નો મહત્ત્વનો હિસ્સો છે. છેલ્લા એક દાયકામાં ચીને અહીં અબજો ડૉલરના ખર્ચે લોજિસ્ટિક્સ ઝોન અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કર્યું છે. જો આટલા મોટા પ્રોજેક્ટ્સનો કચ્ચરઘાણ વળી ગયો હોવાની વાત જગજાહેર થાય, તો હિમાલય જેવા પર્યાવરણીય રીતે સંવેદનશીલ વિસ્તારમાં થઈ રહેલા આંધળા વિકાસ અને પ્રોજેક્ટની ગુણવત્તા પર આંતરરાષ્ટ્રીય સવાલો ઊભા થઈ શકે છે.
- માહિતી પર સંપૂર્ણ એકાધિકાર: ચીનમાં લોકશાહી નથી, તેથી ત્યાં 'રાષ્ટ્રીય સુરક્ષા'ના નામે માહિતી પર સરકારનો સંપૂર્ણ અંકુશ છે. સત્ય છુપાવીને ચીની મીડિયા પોતાની અનુકૂળતા મુજબની 'નેરેટિવ' સેટ કરી શકે છે, જેથી સ્થાનિક નાગરિકોમાં સરકાર પ્રત્યે કોઈ રોષ ન ફેલાય અને સરકાર બધું જ નિયંત્રણમાં હોવાનો દાવો કરી શકે.
બચાવ કામગીરી માટે નેપાળે મદદ માંગી
નેપાળમાં રાસુવા ખાતે એક હાઇડ્રોપાવર સુરંગમાં 100થી વધુ લોકો ફસાયેલા છે, જેમને બહાર કાઢવા ડ્રિલિંગ મશીનોનો ઉપયોગ થઈ રહ્યો છે. અત્યાર સુધીમાં ત્યાંથી 350થી વધુ લોકોને બચાવી લેવાયા છે. સામાન્ય શોધખોળ અને બચાવ કામગીરી તો નેપાળ જાતે કરી શકે છે, પરંતુ બચાવ કામગીરી માટે ચીન પાસે છે એવા સાધનો અને સુવિધાઓ નેપાળ પાસે નથી. તેથી વિશિષ્ટ ટેકનિકલ સાધનો, મૃતદેહોની ઓળખ, DNA ટેસ્ટિંગ, લાંબા સમય સુધી મૃતદેહોની જાળવણી અને તૂટેલા પુલની જગ્યાએ નવા બેલી બ્રિજ(Bailey bridge) બનાવવા માટે તેણે આંતરરાષ્ટ્રીય મદદ માંગી છે.

ભારતે તાત્કાલિક મદદ મોકલી
ભારતે તાત્કાલિક ધોરણે 3 ફ્લાઇટ્સ દ્વારા નેપાળને 60 ટન જેટલી રાહત સામગ્રી મોકલી આપી છે, જેમાં દવાઓ, ધાબળા, ફૂડ પેકેટ્સ અને ટનલ રેસ્ક્યુ ટીમનો સમાવેશ થાય છે.
હજુ બે તળાવો ફાટવાની ભીતિ છે
આફત હજુ ટળી નથી. નેપાળના પૂરગ્રસ્ત વિસ્તારોની ઉપરની બાજુએ બે મોટા અવરોધક તળાવો બની ગયા છે. સેટેલાઇટ તસવીરો દર્શાવે છે કે આમાંથી એક તળાવમાં પાણીનું દબાણ સતત વધી રહ્યું છે. જ્યાં સુધી આ તળાવોનું પાણી ઓસરી ન જાય ત્યાં સુધી પૂરનો ખતરો મંડરાઈ રહ્યો છે. ચીનના નિષ્ણાતોએ પણ ચેતવણી આપી છે કે આ વિસ્તારમાં 100થી વધુ હિમનદી તળાવો ભવિષ્યમાં જોખમ ઊભું કરી શકે છે.
નેપાળને બહુ મોટો આર્થિક ફટકો પડ્યો
આર્થિક દૃષ્ટિએ પણ આ આપત્તિ નેપાળ માટે ખૂબ મોટો ફટકો છે. નેપાળના નાણામંત્રીના પ્રાથમિક અંદાજ મુજબ, દેશમાં ફરીથી માળખાગત સુવિધાઓ ઊભી કરવા માટે $4 થી $5 અબજ ડૉલરની જરૂર પડશે. નુકસાનનું સચોટ મૂલ્યાંકન હજુ પણ ચાલી રહ્યું છે.
એક તરફ નેપાળ પારદર્શિતા અને આંતરરાષ્ટ્રીય સહયોગ થકી પોતાના નાગરિકોને બચાવવા અને પુનર્વસન માટે મથી રહ્યું છે. તો બીજી તરફ, ચીન માટે માનવ જિંદગીઓ કરતાં તેની વૈશ્વિક 'સુપરપાવર' છબી અને રાજકીય એજન્ડા વધુ મહત્ત્વના સાબિત થઈ રહ્યા છે. હિમાલયની આ હોનારત માત્ર પર્યાવરણીય સંકટ જ નહીં, પરંતુ ચીનની પારદર્શિતાના અભાવનું વરવું સત્ય પણ ઉજાગર કરે છે.




