નેપાળમાં પદ સંભાળ્યાના ટૂંક જ સમયમાં બાલેન શાહ સરકાર સામે બળવો, વિદ્યાર્થી સંગઠનો ફરી મેદાને
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Nepal Protests News: કાઠમંડુના મેયરથી નેશનલ લીડર બનેલા બાલેન શાહના નેતૃત્વમાં નેપાળમાં નવી સરકાર રચાયાને હજુ એક મહિનો પણ નથી થયો, ત્યાં દેશભરમાં વિરોધ પ્રદર્શનો શરૂ થઈ ગયા છે. બે તૃતીયાંશ બહુમતી સાથે સત્તા પર આવેલી સરકાર સામે હવે રસ્તાઓથી લઈને વહીવટી કેન્દ્ર સિંહ દરબાર સુધી લોકો સૂત્રોચ્ચાર કરી રહ્યા છે.
રૂ. 100ની ખરીદી પર પણ ટેક્સ
નેપાળ સરકારના એક વિવાદાસ્પદ નિર્ણયે સીમાવર્તી વિસ્તારોમાં રહેતા લોકોની મુશ્કેલી વધારી દીધી છે. સરકાર દ્વારા ભારતથી લાવવામાં આવતી રૂ. 100થી વધુની કિંમતની તમામ ચીજવસ્તુઓ પર ફરજિયાત કસ્ટમ ડ્યુટી (સીમા શુલ્ક) લાદવામાં આવી છે. નેપાળના સરહદી ગામોના લોકો રોજિંદા વપરાશની વસ્તુઓ માટે ભારત પર નિર્ભર છે. આટલી નાની રકમ પર ટેક્સ વસૂલવો એ સામાન્ય નાગરિકો પર આર્થિક બોજ સમાન છે અને તે જમીની હકીકતથી વિપરીત નિર્ણય છે.
આ પણ વાંચો : વૈષ્ણોદેવી મંદિરમાં ચઢાવાતું 95 ટકા ચાંદી નકલી, તપાસમાં ચોંકાવનારો ઘટસ્ફોટ પછી હોબાળો
વિદ્યાર્થી સંગઠનો પર તરાપ
સરકાર સામેના વિરોધનું બીજું મુખ્ય કારણ રાજકીય જૂથો સાથે સંકળાયેલા વિદ્યાર્થી સંગઠનોને નજરઅંદાજ કરવાનો નિર્ણય છે. વિદ્યાર્થી નેતાઓએ આરોપ લગાવ્યો છે કે સરકાર સંવાદ કરવાને બદલે દમનકારી અભિગમ અપનાવી રહી છે. કાઠમંડુ સહિતના શહેરોમાં હજારો વિદ્યાર્થીઓ પોતાના સ્કૂલ અને કોલેજના યુનિફોર્મમાં રસ્તા પર ઉતરી આવ્યા છે, જે દર્શાવે છે કે આ આંદોલન હવે માત્ર રાજકીય નથી રહ્યું પણ સામાજિક બની ગયું છે.
ગૃહમંત્રીના રાજીનામાની માંગ
આર્થિક ગેરરીતિઓના આક્ષેપોને લઈને ગૃહમંત્રી સુદન ગુરુંગ સામે પણ મોરચો મંડાયો છે. આંદોલનકારીઓ ભ્રષ્ટાચારના મુદ્દે ગૃહમંત્રીના તાત્કાલિક રાજીનામાની માંગ કરી રહ્યા છે. નેપાળની આ સ્થિતિ બાલેન શાહ સરકાર માટે એક મોટો પડકાર બની રહી છે, કારણ કે અત્યારે વિદ્યાર્થીઓ, રાજકીય પક્ષો અને સામાન્ય નાગરિકો એમ ત્રણેય પક્ષો સરકાર સામે મેદાને પડ્યા છે.









