World

નેપાળના PM બાલેન શાહ મુશ્કેલીમાં? સત્તાના 4 મહિનામાં જ પોતાની જ પાર્ટીના સાંસદો થયા નારાજ

By GS Team
15 Jul 20263 mins read
TukuTouch Logo
નેપાળના વડાપ્રધાન બાલેન શાહ મુશ્કેલીમાં મુકાયા છે. 27 માર્ચે પીએમ બન્યાના 4 મહિનામાં જ તેમની રાષ્ટ્રીય સ્વતંત્ર પાર્ટી (RSP)ના સાંસદો તેમનાથી નારાજ છે. સાંસદો આક્ષેપ કરી રહ્યા છે કે, વડાપ્રધાન તેમનું સન્માન કરતા નથી અને સરકાર પ્રજાને ગુમરાહ કરી રહી છે. RSP સાંસદ જગદીશ ખરેલે કહ્યું કે, સરકાર માત્ર પીએમની લોકપ્રિયતા પર ચાલતી નથી. કરિશ્મા કથારિયાએ પણ ખેડૂતોને ખાતર ન મળવા મુદ્દે સરકારને ઘેરી.

Summarized by AI; it may make mistakes. Check important info

નેપાળના PM બાલેન શાહ મુશ્કેલીમાં? સત્તાના 4 મહિનામાં જ પોતાની જ પાર્ટીના સાંસદો થયા નારાજ
તસવીરમાં પ્રથમ નેપાળના વડાપ્રધાન બાલેન શાહ, બીજા રાષ્ટ્રીય સ્વતંત્ર પાર્ટી (RSP) ના સાંસદ જગદીશ ખરેલ, ત્રીજા સાંસદ કરિશ્મા કથારિયા અને ચોથા કૃષિ મંત્રી ગીતા ચૌધરી.

Nepal Political Crisis : નેપાળના વડાપ્રધાન બાલેન શાહની મુશ્કેલીઓ વધી રહી છે. તેમની પોતાની રાષ્ટ્રીય સ્વતંત્ર પાર્ટી (RSP) માં ભારે મતભેદ ચાલી રહ્યો હોવાની વિગતો સામે આવી છે. તેઓ 27 માર્ચે નેપાળના વડાપ્રધાન બન્યા હતા, જોકે હવે માત્ર ચાર જ મહિનામાં તેમની પાર્ટીના સાંસદો તેમનાથી ભારે નારાજ થયા છે. સાંસદોનો આક્ષેપ છે કે, વડાપ્રધાન સાંસદોની ગરિમા જાળવતા નથી અને સન્માન પણ કરતા નથી. આ ઉપરાંત તેમની પાર્ટી પ્રજાને ગુમરાહ કરતી હોવાનો તેમજ સરકાર નિષ્ફળ ગઈ હોવાનો પણ આક્ષેપ કરવામાં આવી રહ્યો છે.

બાલેન શાહની મુશ્કેલીઓ વધી, તેમના જ સાંસદો વિરોધમાં

તાજેતરમાં RSPના સાંસદ જગદીશ ખરેલે (Jagdish Kharel) ચેતવણી આપી હતી કે, ‘સરકાર માત્ર વડાપ્રધાનની લોકપ્રિયતાના ભરોસે ચાલતી નથી. પાર્ટીમાં સાંસદોની ગરિમા અને ભૂમિકાનું સન્માન પણ કરવું જોઈએ. શું અમે માત્ર બેઠા બેઠા ટેબલ થપથપાવવા માટે સાંસદો બન્યા છીએ, આનાથી અમે અને પ્રજા સંતુષ્ટ નથી.’ ચોંકાવનારી વાત એ છે કે, આરએસપીના સાંસદો સંસદમાં ચર્ચા દરમિયાન, સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા અને સંસદીય સમિતિઓની બેઠકમાં બાલેન સરકાર પર જ ગંભીર આક્ષેપ કરીને સવાલો ઉઠાવી રહ્યા છે. તેમણે અનેક મંત્રીઓને નિશાન બનાવી કહ્યું છે કે, તેઓ જવાબદારી અને સુશાસનના સિદ્ધાંતોનું પાલન કરવામાં નિષ્ફળ ગયા છે.

સરકાર ખેડૂતો પર ધ્યાન ન આપતી હોવાનો આક્ષેપ

આરએસપીના વધુ એક સાંસદ કરિશ્મા કથારિયા (Karishma Kathariya)એ ખેડૂતોને ખાતર ઉપલબ્ધ કરાવવા મામલે બાલેન સરકારને આડેહાથ લીધી છે. તેમણે સંસદમાં કહ્યું હતું કે, ‘ખેડૂતો કહે છે કે, તેમને ગંભીર તાવમાં પેરાસિટામોલ પહેલા ખાતરની જરૂર છે, તો સરકાર કેમ તેમના પર ધ્યાન આપતી નથી. સરકાર ખાતર ઉપલબ્ધ હોવાનો દાવો કરીને ખેડૂતોને ગેરમાર્ગે દોરી રહી છે.’ આરએસપીના સાંસદોએ સંસદમાં કૃષિ મંત્રી ગીતા ચૌધરી (Geeta Chaudhary)ની ટીકા કરીને આક્ષેપ કર્યો છે કે, તેમની સરકાર ખેડૂતોની સમસ્યાનું સમાધાન કરવામાં નિષ્ફળ ગઈ છે. સાંસદોએ રાજ્યની સરકારી સંસ્થાઓમાં ચાલતી ગેરરીતિઓને લઈને પણ ચિંતા વ્યક્ત કરી છે. નેપાળી ભાષાના મુખ્ય સમાચાર પત્ર કાંતિપુરે વડાપ્રધાન બાલેન શાહ (Nepal PM Balen Shah)ની સરકાર પર જાહેરમાં અસંતોષ વ્યક્ત કરતા પાર્ટીના છ સાંસદોના નિવેદનો પ્રકાશિત કર્યા છે.

બાલેન શાહના ભાષણો પણ વિવાદાસ્પદ

બાલેન શાહે વડાપ્રધાન બન્યા પહેલા એવા ભાષણો કર્યા હતા, જેમાં તેઓ ટીકાકારોના નિશાને આવી ગયા હતા. માર્ચ ચૂંટણી પ્રચાર વખતે બાલેન શાહે કહ્યું હતું કે, ‘જે રસ્તાઓ બે વર્ષમાં બનવા જોઈએ, તે 20 વર્ષે પણ અધૂરા છે. હવે કોન્ટ્રાક્ટરોએ સમય પહેલા રસ્તાઓ તૈયાર કરવા પડશે, ભલે તેમને ઝાડ સાથે બાંધવા પડે, રસ્તા પર સુવડાવવા પડે અથવા કોઈ શેડમાં બંધ કરવા પડે.’ ચૂંટણી ટાણે બાલેનના ભાષણો સાંભળી પ્રજા ખુશ થઈ હતી. પારંપરિક રાજકીય પક્ષોથી નિરાશ થયેલી પ્રજાએ તેમના ભાષણોના વખાણ કર્યા હતા. 27 માર્ચે બાલેન શાહે વડાપ્રધાન પદના શપથ લીધા હતા. પ્રજાએ વિશ્વાસ મુકીને ચૂંટણી પરિણામોમાં બાલેનને જીત અપાવી હતી, તેવી જ રીતે પ્રજાની સરકાર પાસે અપેક્ષાઓ પણ ખૂબ હતી.