Nepal Parliamentary Election 2026 : નેપાળમાં પાંચમી માર્ચે સંસદીય ચૂંટણી યોજાયા બાદ હાલ મતગણતરી ચાલી રહી છે, જેમાં માનીતા નેતાના સૂપડાં સાફ થતા ચીનને મોટો ઝટકો લાગ્યો છે. નેપાળી મીડિયાના અહેવાલો મુજબ, શરૂઆતના વલણોમાં 43 બેઠકો પરની મતગણતરીમાં રાષ્ટ્રીય સ્વતંત્ર પાર્ટી (RSP) 35 બેઠકો પર આગળ ચાલી રહી છે. આરએસપીના વડાપ્રધાન પદના ઉમેદવાર બાલેન શાહ પૂર્વ નેપાળના ઝાપા-5માં પૂર્વ વડાપ્રધાન કે. પી. શર્મા ઓલીથી આગળ ચાલી રહ્યા છે, જ્યારે દેશની ચૂંટણીમાં આરએસપી ઓલીની પાર્ટીથી ખૂબ આગળ નીકળી ગઈ છે.
ઓલી અને શાહ બંને વડાપ્રધાન પદના ઉમેદવાર
કાઠમંડૂ મેટ્રોપોલિટન સિટી ઓલી(KP Sharma Oli)નું રાજકીય ગઢ છે અને આ બેઠક પર ઓલીની સામે બાલેન શાહ (Balen Shah) ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે. રસપ્રદ વાત એ છે કે, ઓલી અને શાહ બંને વડાપ્રધાન પદના ઉમેદવાર છે. શરૂઆતના મતગણતરીના તબક્કામાં શાહને 1478 મત તો ઓલીને 385 મત મળ્યા છે. આરએસપી દેશના રાજકારણમાં પરંપરાગત રાજકીય દળના દાયકા જૂના દબદબાને ખતમ કરવા ઇચ્છે છે.
આ પણ વાંચો : ગલ્ફ દેશોએ ઓઇલ-ગેસની નિકાસ બંધ કરવી પડશે! યુદ્ધ વચ્ચે કતારની ચેતવણીથી દુનિયાભરમાં ફફડાટ
ઓલીની પાર્ટીના સંપૂર્ણ સફાયો થવાની તૈયારીમાં
તાજેતરના રિપોર્ટ મુજબ આરએસપી 39 બેઠકો પર આગળ ચાલી રહી છે, ત્યારબાદ નેપાળી કોંગ્રેસ ત્રણ બેઠકો પર અને નેપાળી કોમ્યુનિસ્ટ પાર્ટી (NCP) બે બેઠકો પર આગળ ચાલી રહી છે. જ્યારે ઓલીની પાર્ટી કોમ્યુનિસ્ટ પાર્ટી ઑફ નેપાળ (યૂનિફાઈડ માર્કિસ્ટ લેનિનિસ્ટ) તમામ બેઠકો પર પાછળ ચાલી રહી છે.
ઓલીની પાર્ટીનો દાયકા જૂને દબદબો ખતમ થવાની અણીએ
નેપાળમાં સંસદના નીચલા ગૃહના 165 સભ્યોને ચૂંટવા માટે 'ફર્સ્ટ-પાસ્ટ-ધ-પોસ્ટ' (FPTP) પદ્ધતિ હેઠળ મતોની ગણતરી ચાલી રહી છે. કુલ 275 સભ્યોના બનેલા આ નીચલા ગૃહમાં બાકીના 110 સભ્યોની પસંદગી પ્રમાણસર પ્રતિનિધિત્વ (પ્રોપોર્શનલ રિપ્રેઝન્ટેશન) સિસ્ટમ દ્વારા કરવામાં આવશે. શરૂઆતી વલણો મુજબ, નેપાલી કોંગ્રેસ, સીપીએન-યુએમએલ અને નેપાળ કોમ્યુનિસ્ટ પાર્ટી જેવા મુખ્ય રાજકીય પક્ષો કે જેઓ દાયકાઓથી સત્તા પર વર્ચસ્વ ધરાવે છે, તેમનો દબદબો હવે ખતમ થઈ શકે છે.


