World

નાસાના હબલ સ્પેસ ટેલિસ્કોપે 36 વર્ષમાં પૃથ્વીની બે લાખ પ્રદક્ષિણા કરી : 17 લાખ બ્રહ્માંડ નિરીક્ષણ કર્યાં

By GS Team
7 Oct 20263 mins read
TukuTouch Logo
વોશિંગ્ટન: નાસાના હબલ સ્પેસ ટેલિસ્કોપે 19 સપ્ટેમ્બર, 2026ના રોજ પૃથ્વીની 2,00,000 પ્રદક્ષિણા પૂરી કરી છે. 1990માં લોન્ચ થયેલ હબલ, 36 વર્ષથી અવકાશના રહસ્યો ઉજાગર કરી રહ્યું છે. તેણે 27,000 કિમી/કલાકની ઝડપે એક દિવસમાં પૃથ્વીની 15 પ્રદક્ષિણા કરી, 90 મિનિટમાં એક ચક્કર પૂરું કર્યું. આ સિદ્ધિ ખગોળશાસ્ત્ર માટે એક મહત્ત્વપૂર્ણ યોગદાન છે.

Summarized by AI; it may make mistakes. Check important info

નાસાના હબલ સ્પેસ ટેલિસ્કોપે 36 વર્ષમાં પૃથ્વીની બે લાખ પ્રદક્ષિણા  કરી : 17 લાખ બ્રહ્માંડ નિરીક્ષણ કર્યાં
  • અંતરિક્ષ સંશોધન ક્ષેત્રની યાદગાર -ઉજળી સિદ્ધિ
  • હબલ અંતરિક્ષમાં ૨૭,૦૦૦ કિ.મી.ની ગતિએ એક દિવસમાં પૃથ્વીની ૧૫ પ્રદક્ષિણા કરે છે : તેને પૃથ્વીનું એક ચક્કર પૂરું કરતાં ૯૦ મિનિટ થાય છે
  • હબલ સ્પેસ ટેલિસ્કોપ હજી ૨૦૩૦ના અંત સુધી કાર્યરત રહે તેવી શક્યતા છે

વોશિંગ્ટન/ મુંબઇ : અમેરિકાની અંતરિક્ષ સંશોધન સંસ્થા નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન( નાસા)ના પ્રથમ હબલ સ્પેસ ટેલિસ્કોપે (એચ.એસ.ટી.) ૨૦૨૬ની ૧૯, સપ્ટેમ્બરે પૃથ્વીની ૨,૦૦,૦૦૦ ( બે લાખ) પ્રદક્ષિણા પૂરી કરી છે. હબલ સ્પેસ ટેલિસ્કોપે છેલ્લાં ૩૬ વર્ષથી અંતરિક્ષનાં રહસ્યો અને આશ્ચર્યોનો તાગ મેળવવામાં ઉજળી સફળતા મેળવી છે.
નાસાએ ૧૯૯૦ની ૨૪, એપ્રિલે હબલ સ્પેસ ટેલિસ્કોપને પૃથ્વીથી ૪૮૩ કિલોમીટરના અંતરે તરતું મૂક્યું છે. હબલ સ્પેસ ટેલિસ્કોપ તરતું મૂકવાનો મૂળ હેતુ બ્રહ્માંડનો જે ગતિએ અને સતત વિસ્તાર થઇ રહ્યો છે તેનો ગહન અને સચોટ સંશોધનાત્મક અભ્યાસ કરવાનો છે.
ગેલેક્સીઝ એકબીજીથી દૂર દૂર જઇ રહી છે તેવું અદભુત સંશોધન (૧૯૨૦) કરનારા મહાન અમેરિકન ખગોળશાસ્ત્રી એડવીન હલબના સન્માનમાં નાસાએ આ ટેલિસ્કોપનું નામ હબલ સ્પેસ ટેલિસ્કોપ રાખ્યું છે.
હબલ સ્પેસ ટેલિસ્કોપે છેલ્લાં ૩૬ વર્ષથી બ્રહ્માંડની અતિ દૂરની ગેલેક્સીઝ (આકાશગંગા), નેબ્યુલા( નિહારીકા), સોલાર સિસ્ટમ્સ( સૌર મંડળ), એક્ઝો પ્લેનેટ્સ( આપણા સૂર્યમંડળ બહારના ગ્રહો)વગેરેની પણ યાદગાર શોધ કરી છે.
નાસાનાં સૂત્રોાએ એવી માહિતી આપી છે હબલ સ્પેસ ટેલિસ્કોપ કે પૃથ્વીથી અતિ અતિ દૂરના અંતરના એક સુપરનોવા(આપણા સૂર્ય કરતાં પાંચ- છ ગણા મોટા તારાનું મૃત્યુ થાય ત્યારે થતી વિસ્ફોટની ઘટનાને ખગોળશાસ્ત્રની ભાષામાં સુપરનોવા કહેવાય છે) નું નિરીક્ષણ કરતું હતું તે દરમિયાન તેણે પૃથ્વીની ૨,૦૦ ,૦૦૦ પ્રદક્ષિણા પૂરી કરી છે.
બીજા શબ્દોમાં કહીએ તો ૧૯, સપ્ટેમ્બરે હબલ સ્પેસ ટેલિસ્કોપે પૃથ્વી ફરતે આઠ અબજ કિલોમીટરનો અતિ દીર્ઘ પ્રવાસ પણ પૂરો કર્યો છે.ગૌરવની બાબત તો એ છે કે હબલે તેની ૩૬ વર્ષની ઉજળી યાત્રા દરમિયાન અનંત, અફાટ, અજીબોગરીબ બ્રહ્માંડમાં ૧૭ લાખ પ્રકારનાં વિવિધ નિરીક્ષણો પણ કરીને ખગોળવિશ્વને પૃથ્વીથી નજીકના તારાથી લઇને અતિ અતિ દૂરની આકાશગંગાઓની અદભુત ઇમેજીસ(છબી)ની ભેટ આપી છે. હબલ સ્પેસ ટેલિસ્કોપ હજી ૨૦૩૦ના અંત સુધી કાર્યરત રહે તેવી શક્યતા છે.
હબલ સ્પેસ ટેલિસ્કોપ અંતરિક્ષમાં ૨૭,૦૦૦ કિલોમીટર( પ્રતિ કલાક) ની અતિ તીવ્ર ગતિએ એક દિવસમાં પૃથ્વીની ૧૫ પ્રદક્ષિણા પૂરી કરે છે. હબલને પૃથ્વીનું એક ચક્કર પૂરું કરતાં ૯૦ મિનિટ થાય છે. આમ તો નાસાએ હબલ સ્પેસ ટેલિસ્કોપને ૧૫ વર્ષ માટે જ કાર્યરત કર્યું હતું. જોકે હબલે ૧૫ વર્ષની કામગીરી દરમિયાન પહેલી જ વખત બ્રહ્માંડનાં અજીબોગરીબ આશ્ચર્યોનો અને રહસ્યોનો તાગ મેળવ્યો. પરિણામે નાસા સહિત વિશ્વભરના ખગોળશાસ્ત્રીઓને બ્રહ્માંડ વિશે પહેલી જ વખત વિશિષ્ટ માહિતી મળી.
ટાટા ઇન્સ્ટિટયુટ ઓફ ફન્ડામેન્ટલ રિસર્ચ(ટી.આઇ.એફ.આર.- મુંબઇ)ના સિનિયર ખગોળશાસ્ત્ર અને નાસા - ઇસરોના સહિયારા અનુરાધા પ્રોજેક્ટ(૧૯૮૫)ના વિજ્ઞાાની ડો. મયંક વાહિયાએ ગુજરાત સમાચારને કહ્યું હતું કે હબલ સ્પેસ ટેલિસ્કોપના સંશોધનથી વિશ્વભરના ખગોળશાસ્ત્રીઓને પહેલી જ વખત બ્રહ્માંડનાં રહસ્યોનો અને આશ્ચર્યોનો પહેલી જ વખત ખ્યાલ આવ્યો છે. આ દ્રષ્ટિએ હબલે ખગોળશાસ્ત્રીઓના અંતરિક્ષ વિશેના જ્ઞાાનનો એમ કહો કે ખજાનો આપ્યો છે.
આજે નાસાના અત્યાધુનિક જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપે બ્રહ્માંડના બાળપણ સુધી નજર પહોંચાડીને અદભુત સંશોધન કર્યું છે. જોકે જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપ ખરેખર તો હબલ સ્પેસ ટેલિસ્કોપના પગલે પગલે જ આગળ વધી રહ્યું છે.

  • હલબ સ્પેસ ટેલિસ્કોપની અદભુત - ઉજળી સંશોધનાત્મક કામગીરી હબલ સ્પેસ ટેલિસ્કોપે તેના ૩૬ વર્ષની ઉજળા સંશોધન દરમિયાન ડાર્ક એનર્જી, હબલ કોન્સ્ટન્ટ,ગેલેક્સીની રચના અને વિકાસ, સૂર્ય મંડળ બહારના ગ્રહો, ડાર્ક મેટર એમ પાંચ યાદગાર સિદ્ધિ પ્રાપ્ત કરી છે.
    1994ની 16 થી 22, જુલાઈ દરમિયાન શૂ મેકર- લેવી : 9 :નામનો વિરાટ ધૂમકેતુ સૂર્ય મંડળના સૌથી મોટા ગુરુ ગ્રહ સાથે ૬૦ કિલોમીટરની ઝડપે પ્રચંડ ધડાકા સાથે ટકરાયો હતો. ન ભૂતો ન ભવિષ્યતિ જેવી તે અંતરિક્ષ ઘટનાથી શૂ મેકર - લેવી : ૯ : ધૂમકેતુના ૨૧ ટુકડા થઇ ગયા અને એક પછી એક ટુકડો ગુરુ પર પડયો હતો. શૂમેકર - લેવી : ૯ : ના તે દરેક ટુકડાનું વજન કલ્પનાતીત હતું કે તેના પ્રચંડ આઘાતથી આખો ગુરુ ગ્રહ ખળભળી ઉઠતો હતો. બ્રહ્માંડની તે મહાવિનાશ લીલાની પ્રત્યેક ઇમેજ હબલ સ્પેસ ટેલિસ્કોપે ઝડપી હતી. અંતરિક્ષની તે વિનાશલીલા જોઇને પૃથ્વી પરના ખગોળશાસ્ત્રીઓ જ નહીં, વિશ્વભરનાં નાગરિકો પણ નિ:શબ્દ બની ગયાં હતાં.