પાકિસ્તાનમાં લશ્કરી શાસનના ભણકારા મુનીરના વિશ્વાસુ કહે છે : તંત્ર ભાંગી પડયું છે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- આંતરિક બાબતોના મંત્રી મોહસીન નકવી કહે છે : સરકાર પડી ભાંગી છે : નકવી, મુનીરના વિશ્વાસુ છે : સરકારી કામો મુનીર કહે તેમ જ થાય છે
નવી દિલ્હી : પાકિસ્તાનની પોલીટિકલ સીસ્ટીમમાં ભારે મોટી ઉથલ-પાથલ થઈ રહી છે. પાકિસ્તાનના લશ્કરી વડા આસીમ મુનીરના ખાસ વિશ્વાસુ મનાતા આંતરિક બાબતોના મંત્રી મોહસીન નકવીએ ખુલ્લેઆમ કહી દીધું છે કે, સરકારી તંત્ર પડી ભાંગ્યું છે તેથી તેઓ તેમનું કાર્ય રાબેતા મુજબ કરી શકતા નથી.
નકવીની આ ટીકા સાથે એવી અટકળો શરૂ થઈ છે કે, પાકિસ્તાનમાં લગભગ સર્વસત્તાધીશ બની રહેલા ફીલ્ડ માર્શલ આસીમ મુનીર હવે પર્દા પાછળથી દોરીસંચાર કરવાને બદલે તંત્ર સીધી રીતે જ હાથમાં લઈ લેવા માગે છે.
જોકે અત્યારે પણ પાકિસ્તાનમાં પરિસ્થિતિ તેવી છે કે લગભગ તમામ મહત્વનાં સરકારી કામો મુનીરના કહેવા પ્રમાણે જ ચાલે છે.
ઉલ્લેખનીય છે કે, મોહસીન નકવી પાકિસ્તાનના આંતરિક બાબતોના મંત્રી તો છે જ ઉપરાંત પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના ચેરમેન પણ છે. તેઓ પહેલાં સેનેટમાં ચૂંટાયા હતા, પછી મંત્રીમંડળમાં લેવામાં આવ્યા. શહબાઝ શરીફે તેઓને આંતરિક બાબતો સોંપી.
પોતાનાં પદ અને પાકિસ્તાનના લશ્કરી વડા સાથેની તેમની નજીકતાને લીધે, નકવીના શબ્દોને મહત્વ અપાઈ રહ્યું છે.
પાકિસ્તાનના રાજકીય નેતાઓ અને વિશ્લેષણકારો પૂછે છે કે તંત્ર પડી ભાંગ્યું છે તેવી એ મંત્રીની જ ટીકાએ અનેક વિતર્કો શરૂ કરી દીધા છે. જેયુઆઈએફના વડા મૌલાના ફઝલ-ઉર-રહેમાને તે વિધાનો માટે નકવીની ટીકા કરી છે, જ્યારે કોલમિસ્ટ યુસુફ નઝારે તો સ્પષ્ટ જણાવ્યું છે કે, તેમની ટીકાઓને મુનીરના વધી રહેલા પ્રભાવની દ્રષ્ટિએ જોવી જોઈએ.
આ સાથે તે પણ સત્ય છે કે મુનીરનો પ્રભાવ પાકિસ્તાનનાં દરેક ક્ષેત્રમાં પ્રસરી રહ્યો છે. વાસ્તવમાં સલામતી અને વ્યૂહાત્મક બાબતોમાં તો તેઓ કહે તેમ જ થાય છે પછી ભલે તે બાબતો માત્ર રાજકીય કે રાજદ્વારી હોય. પરંપરાગત રીતે જે બાબતો નાગરિક બાબતોના મંત્રીઓના હાથમાં હોવી જોઈએ તેમાં પણ મુનીર કહે તેમજ થાય છે.
પાકિસ્તાન હજી સુધી 'વર્ણ-સંકર' કહી શકાય તેવી સીસ્ટીમ પ્રમાણે જ ચાલ્યું છે. તેમાં નાગરિક સરકાર સાથે લશ્કર પણ રાજતંત્ર ચલાવવામાં અગ્રીમ રહ્યું છે. મહત્વના નીતિવિષયક નિર્ણયો તો લશ્કરના ટોચના અધિકારીઓ કહે તેમ જ લેવાય છે. આથી હવે સ્પષ્ટ આશંકા વધી રહી છે કે પાકિસ્તાન ફરી એકવાર 'ડાયરેક્ટ-મલીટરી-રૂલ' નીચે ચાલી જવા પૂરી સંભાવના છે.









