- 16 મહિના બાદ ભારત અને અમેરિકાના વડા ઉમળકાભેર મળ્યા
- ઇટાલીના પીએમ મેલોની પણ મોદીને મળ્યા અને કહ્યું ઇન્સ્ટાગ્રામ પર આપણે બહુ ફેમસ, મળીને આનંદ થયો
પેરિસ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની સાથે જી-૭ સમિટ વચ્ચે એક મુલાકાત કરી હતી. ફ્રાન્સમાં યોજાઇ રહેલી જી-૭ સમિટમાં ભાગ લેવા પહોંચેલા વડાપ્રધાન મોદીએ ઇટાલીના વડાપ્રધાન જોર્જિયા મેલોનીની સાથે પણ મુલાકાત કરી હતી. મોદી અને ટ્રમ્પ બન્ને વચ્ચે પાંચ મિનિટ સુધી વાતચીત થઇ હતી. આશરે ૧૬ મહિના બાદ બન્ને દેશના વડાઓ વચ્ચે આ મુલાકાત થઇ હતી. બંને નેતાઓએ હોર્મુઝની ખાડીમાં જહાજ પર અમેરિકી હુમલામાં ભારતીયોના મોત અને રશિયન ક્રૂડની ભારત દ્વારા થતી ખરીદી સહિતના મુદ્દે ચર્ચા થઈ હોવાનું મનાઈ રહ્યું છે.
ફ્રાન્સના એવિયન શહેરમાં જી-૭ સમિટ યોજાઇ રહી છે, આ સમિટમાં જી-૭ દેશોના વડાઓ સામેલ થયા હતા જેમાં ભારતને પણ આમંત્રણ હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હાલ ફ્રાન્સના પ્રવાસે છે, તેઓએ જી-૭ સમિટમાં આવેલા આ સભ્ય દેશોના વડાઓની સાથે મુલાકાત કરી હતી જેમાં અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ, ઇટાલીના પીએમ જોર્જિયા મેલોનીનો પણ સમાવેશ થાય છે. પીએમ મોદી અને ટ્રમ્પ બન્નેએ એકબીજા સાથે હાથ મિલાવ્યા હતા. જે બાદ પાંચ મિનિટ સુધી વાતચીત થઇ હતી. જોકે બન્ને વચ્ચે કોઇ મુદ્દા પર વાતચીત થઇ કે કેમ તેને લઇને સત્તાવાર કોઇ માહિતી જાહેર કરવામાં આવી નથી.
મોદી આ દરમિયાન ઇટાલીના વડાપ્રધાન જોર્જિયા મેલોનીને પણ મળ્યા હતા, મેલોનીએ મોદીને કહ્યું હતું કે તમારી સાથે ફરી મુલાકાત કરી સારુ લાગ્યું, આપણે ઇન્સ્ટાગ્રામ પર સૌથી વધુ ફેમસ છીએ. આ પહેલા ૧૯ અને ૨૦મી મેના રોજ વડાપ્રધાન મોદી ઇટાલી ગયા ત્યારે મેલોની સાથે મુલાકાત કરી હતી અને તેમને ચોકલેટ ગિફ્ટ કરી હતી. જી-૭ સમિટમાં ૧૨ દેશોના નેતાઓ ભાગ લઇ રહ્યા છે. જી-૭ મુખ્યત્વે સાત દેશોનું સંગઠન છે જેમાં અમેરિકા, ફ્રાન્સ, બ્રિટન, જાપાન, ઇટાલી, કેનેડા અને જર્મનીનો સમાવેશ થાય છે. ભારતને મહેમાન દેશ તરીકે આમંત્રણ અપાય છે, મોદી સાતમી વખત આ સમિટમાં સામેલ થયા છે. દરમિયાન જી-૭ દેશોએ રશિયા સામે યુદ્ધમાં યુક્રેનને મદદ કરવાની જાહેરાત કરી હતી, આ સમિટમાં યુક્રેનના વડાપ્રધાન ઝેલેન્સ્કી પણ હાજર રહ્યા હતા. આ દેશો યુક્રેનને એર ડિફેન્સ માટે વધારે મદદ કરવા પ્રયાસો કરશે.


