World

અમેરિકામાં મિડટર્મ ઈલેક્શનનું વોટિંગ: 3 સર્વેમાં ટ્રમ્પની પાર્ટી પાછળ, 470 બેઠકો પર જોરદાર ટક્કર

By GS Team
3 Nov 20264 mins read
TukuTouch Logo
અમેરિકામાં મંગળવારે મિડટર્મ ચૂંટણી માટે મતદાન થયું હતું. ડોનાલ્ડ ટ્રમ્પના બીજા કાર્યકાળ વચ્ચે યોજાયેલી આ ચૂંટણીઓમાં કોંગ્રેસના બંને ગૃહોનું ભાવિ નક્કી થશે. 435 સીટોવાળા હાઉસ ઓફ રિપ્રિઝન્ટેટિવ્સ અને સેનેટની 35 સીટો માટે વોટિંગ થયું. 36 રાજ્યોમાં ગવર્નર પદ માટે પણ મતદાન થયું. મોંઘવારી અને ટ્રમ્પની નીતિઓ મુખ્ય મુદ્દા રહ્યા. ટ્રેન્ડ્સ દર્શાવે છે કે ડેમોક્રેટ્સને બઢત મળી શકે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમેરિકામાં મિડટર્મ ઈલેક્શનનું વોટિંગ: 3 સર્વેમાં ટ્રમ્પની પાર્ટી પાછળ, 470 બેઠકો પર જોરદાર ટક્કર

US Midterm Election 2026 Voting: અમેરિકામાં મંગળવારે મિડટર્મ ચૂંટણી માટે મતદાન ચાલી રહ્યું છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના બીજા કાર્યકાળ વચ્ચે યોજાઈ રહેલી આ ચૂંટણીઓમાં કોંગ્રેસના બંને ગૃહોનું ભવિષ્ય નક્કી થશે. 435 સીટો વાળા હાઉસ ઓફ રિપ્રિઝન્ટેટિવ્સ અને સેનેટની 35 સીટો માટે વોટિંગ થઈ રહ્યું છે. આ ઉપરાંત 36 રાજ્યોમાં ગવર્નર પદ માટે પણ વોટિંગ થઈ રહ્યું છે. અમેરિકામાં પ્રમુખની ચૂંટણીના બે વર્ષ પછી યોજાતી મિડટર્મ ચૂંટણીને વર્તમાન પ્રમુખની કામગીરી પર જનતાના અભિપ્રાય તરીકે જોવામાં આવે છે. આ વખતે પણ ચૂંટણીના કેન્દ્રમાં ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમની નીતિઓ છે. રિપબ્લિકન પાર્ટી સામે કોંગ્રેસના બંને ગૃહોમાં પોતાની બહુમતી બચાવી રાખવાનો પડકાર છે. જ્યારે ડેમોક્રેટિક પાર્ટીનો પ્રયાસ હાઉસ ઓફ રિપ્રિઝન્ટેટિવ્સ અને સેનેટમાં પોતાની સ્થિતિ મજબૂત કરવાનો છે.

શું કહી રહ્યા છે અમેરિકાના ટ્રેન્ડ્સ?

અમેરિકાના ટ્રેન્ડ્સ દર્શાવે છે કે, આ વખતે ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટીનું કોંગ્રેસ પરનું નિયંત્રણ નબળું પડી શકે છે, જ્યારે ડેમોક્રેટ્સને બઢત મળી શકે છે. અમેરિકામાં યોજાયેલી આ ચૂંટણીમાં થોડા દિવસ પહેલા લગભગ 54.5 મિલિયન અમેરિકનોએ વ્યક્તિગત રીતે અથવા પોસ્ટ દ્વારા પોતાનો વોટ પહેલાથી જ આપી દીધો છે.

અમેરિકામાં બંને ગૃહની ભૂમિકા મહત્વપૂર્ણ

અમેરિકામાં કોંગ્રેસના બંને ગૃહોની ભૂમિકા ખૂબ મહત્વપૂર્ણ છે. હાઉસ ઓફ રિપ્રિઝન્ટેટિવ્સમાં તમામ 435 સીટો પર ચૂંટણી થાય છે, જ્યારે સેનેટની 100 સીટોમાંથી લગભગ એક તૃતીયાંશ સીટો પર દર બે વર્ષે મતદાન થાય છે. આ વખતે 35 સીટો પર ચૂંટણી યોજાઈ રહી છે. રિપબ્લિકન પાર્ટી પાસે હાલમાં સેનેટમાં 53 સીટો છે. જ્યારે ડેમોક્રેટ્સ અને તેમની સાથે મતદાન કરનારા અપક્ષ સાંસદોની સંખ્યા 47 છે. જે 35 સીટો પર વોટિંગ થઈ રહ્યું છે, તેમાંથી 22 સીટો પર રિપબ્લિકનનો કબજો છે. રિપબ્લિકનની હાઉસ ઓફ રિપ્રિઝન્ટેટિવ્સમાં પણ બહુમતી છે, પરંતુ ત્યાં મુકાબલો ખૂબ જ કટોકટીભર્યો છે. એવામાં કેટલીક સીટોની ફેરબદલ પણ ગૃહનું નિયંત્રણ બદલી શકે છે.

CNN ના 'પોલ ઓફ પોલ્સ' અનુસાર, ડેમોક્રેટ્સને હાઉસ પર કબજો કરવા માટે 3 સીટો અને સેનેટ જીતવા માટે 4 સીટો જરૂરી છે. એવામાં જો ડેમોક્રેટ્સ બંનેમાંથી કોઈપણ એક ગૃહમાં બહુમતી મેળવી લે છે, તો ટ્રમ્પ વહીવટીતંત્ર માટે કાયદો પસાર કરાવવો અને પોતાની નીતિઓ લાગુ કરવી મુશ્કેલ બની શકે છે.

અમેરિકન સરવેમાં પછડાટ

અમેરિકાની મિડટર્મ ચૂંટણી પહેલા આવેલા ત્રણેય સરવે ડેમોક્રેટિક પાર્ટીની તરફેણમાં બઢત દર્શાવી રહ્યા છે. જોન ઝોગ્બી સ્ટ્રેટેજીસના 1-2 નવેમ્બરના સરવેમાં ડેમોક્રેટ્સને 53% અને રિપબ્લિકન્સને 47% સમર્થન મળ્યું છે. જ્યારે YouGovના 30 ઓક્ટોબરના સરવેમાં ડેમોક્રેટ્સ 53% અને રિપબ્લિકન્સ 44% પર છે. PolityIQ ના નેશનલ પોલિંગ એવરેજમાં પણ ડેમોક્રેટ્સને 52.7% અને રિપબ્લિકન્સને 43.2% સમર્થન છે. એટલે કે ત્રણેય સરવેમાં ડેમોક્રેટ્સ 6 થી 9.5 ટકા પોઈન્ટની બઢત પર છે. આ આંકડા ડેમોક્રેટ્સ માટે સાનુકૂળ માહોલનો સંકેત આપે છે, જોકે આ રાષ્ટ્રીય સરવે છે, સીટોના પરિણામોની ગેરંટી નથી.

ટ્રમ્પના બાકીના બે વર્ષનો રસ્તો પરિણામો નક્કી કરશે

અમેરિકામાં મિડટર્મ ચૂંટણીનો ઇતિહાસ રાષ્ટ્ર પ્રમુખની પાર્ટી માટે સરળ રહ્યો નથી. 1946 પછી યોજાયેલી છેલ્લી 20 મિડટર્મ ચૂંટણીઓમાંથી 18માં રાષ્ટ્રપ્રમુખની પાર્ટીએ હાઉસ ઓફ રિપ્રિઝન્ટેટિવ્સમાં સીટો ગુમાવી છે. જોકે દરેક ચૂંટણીના પોતાના અલગ મુદ્દાઓ અને પરિસ્થિતિઓ હોય છે. આ વખતે પણ ચૂંટણીના પરિણામો માત્ર સંસદની સીટો સુધી સીમિત નહીં રહે. જો રિપબ્લિકન પાર્ટી પોતાની બહુમતી જાળવી રાખશે તો ટ્રમ્પને પોતાના એજન્ડા પર આગળ વધવામાં મદદ મળશે. બીજી તરફ, ડેમોક્રેટ્સ જો કોઈપણ ગૃહમાં બહુમતી હાંસલ કરશે તો ટ્રમ્પ વહીવટીતંત્રને વિધાયક નિર્ણયો અને સરકારી કામગીરીમાં વિપક્ષના પડકારનો સામનો કરવો પડી શકે છે.

ચૂંટણીના પરિણામો મતદાન પૂરું થયા પછી આવશે

આ ચૂંટણીમાં ટેક્સાસથી મિશિગન સુધી ઘણી સીટો પર રસપ્રદ મુકાબલો રહ્યો છે. આ ચૂંટણીમાં ટેક્સાસ, મિશિગન, અલાસ્કા, ઓહાયો અને કન્સાસ જેવા રાજ્યોની સેનેટ સીટો પર ખાસ નજર છે. આ રાજ્યોમાં મુકાબલાને લઈને બંને પાર્ટીઓએ પૂરી તાકાત લગાવી દીધી છે. ટેક્સાસમાં રિપબ્લિકન ઉમેદવાર કેન પેક્સટન અને ડેમોક્રેટિક ઉમેદવાર જેમ્સ તાલેરિકો વચ્ચેનો મુકાબલો ચર્ચામાં છે. તો મિશિગનમાં પણ સેનેટની સીટ માટે કડક ચૂંટણી સંગ્રામ છે.

મોંઘવારી, ઈરાન યુદ્ધ અને ટ્રમ્પની નીતિઓ મુખ્ય મુદ્દા

મીડટર્મ ચૂંટણીમાં અમેરિકી મતદાતાઓ સામે મોંઘવારી અને જીવન જીવવા માટે વધતા ભાવ મોટા મુદ્દા છે. ટ્રમ્પે 2024ની રાષ્ટ્રપ્રમુખની ચૂંટણીમાં મોંઘવારી પર કાબૂ મેળવવાનો અને અમેરિકી અર્થતંત્રને મજબૂત કરવાનો વાયદો કર્યો હતો. પરંતુ વધતા ભાવ અને મોંઘવારી તેમની સરકાર સામે પડકાર બની રહ્યા છે. આ ઉપરાંત ઈરાન સાથેનું યુદ્ધ પણ ચૂંટણી ચર્ચામાં મહત્વનો મુદ્દો છે. ઈરાન સાથેના સંઘર્ષ અને હોર્મુઝ સ્ટ્રેટમાં ઊભા થયેલા સંકટ વૈશ્વિક ઊર્જા બજારને અસર કરી રહ્યા છે. મંગળવારે સવારે જ અમેરિકી સેનાએ ઈરાનના કેશ્મ આઇલેન્ડ પર બોમ્બમારો કર્યો છે. આની અસર અમેરિકામાં પેટ્રોલના ભાવ અને સામાન્ય લોકોના ખર્ચ પર પણ પડી છે. ટ્રમ્પ વહીવટીતંત્રની વિદેશ નીતિ, ટેરિફ અને ઇમિગ્રેશન સંબંધિત નિર્ણયો પર પણ મતદાતાઓનો અભિપ્રાય આ ચૂંટણીઓમાં સામે આવશે.

USમાં 21 કરોડ મતદાતાઓ

USAFacts અનુસાર અમેરિકામાં લગભગ 21 કરોડ લોકો વોટ આપવા માટે નોંધાયેલા છે. કેલિફોર્નિયામાં સૌથી વધુ 2.32 કરોડ નોંધાયેલા મતદાતાઓ છે, ત્યારબાદ ટેક્સાસમાં 1.74 કરોડ અને ફ્લોરિડામાં 1.36 કરોડ વોટર્સ છે. આ ત્રણેય રાજ્યોના મળીને કુલ નોંધાયેલા મતદાતાઓનો લગભગ 26 ટકા હિસ્સો બને છે. તો વાયમિંગ (278,468), વર્મોન્ટ (459,455) અને અલાસ્કા (603,310) માં નોંધાયેલા મતદાતાઓની સંખ્યા સૌથી ઓછી છે.