મિડલ ઈસ્ટમાં યુદ્ધના વાદળો: હોર્મુઝ બાદ હવે રાતા સમુદ્રમાં પણ જહાજો પર હુમલા, હુથી બળવાખોરો પર શંકા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Escalating Tension in West Asia: મિડલ ઈસ્ટમાં સ્થિતિ વધુ તણાવપૂર્ણ બની રહી છે. રાતા સમુદ્ર (Red Sea) અને હોર્મુઝમાં જહાજો પર થઈ રહેલા હુમલાઓએ વૈશ્વિક દરિયાઈ વેપાર માટે મોટું સંકટ ઊભું કર્યું છે. તાજેતરના અહેવાલો મુજબ, ઈરાને કડક ચેતવણી આપી છે કે જો તેની સરહદો અથવા હિતોને નુકસાન પહોંચાડવામાં આવશે, તો તે આ મહત્ત્વપૂર્ણ જળમાર્ગો પર નિયંત્રણ મેળવી શકે છે.
મિડલ ઈસ્ટમાં તણાવ હવે ખતરનાક સ્થિતિએ પહોંચી રહ્યો છે. એક તરફ અમેરિકા હોર્મુઝમાં નાકાબંધી કરવા જઈ રહ્યું છે, બીજી તરફ રાતા સમુદ્રમાં પણ જહાજો પર ખતરો મંડરાઈ રહ્યો છે. રવિવારે યુનાઈટેડ કિંગડમ મેરિટાઈમ ટ્રેડ ઓપરેશન્સ (UKMTO)ના અનુસાર, યમનના અલ હુદૈદા કિનારાથી અંદાજિત 54 નોટિકલ માઈલ દૂર એક જહાજને 10-12 લોકોના હથિયારબંધ સમૂહે ઘેરી લીધું. જેમાંથી 4-5 લોકો ઓટોમેટિક હથિયારોથી સજ્જ હતા. હુમલાખોરોએ જહાજને રોકવાના આદેશ આપ્યા, પરંતુ કેપ્ટને માનવાની ના પાડી દીધી. ત્યારબાદ હુમલાખોરોનું જહાજ નજીક આવ્યું અને તેના જહાજ પર ચઢવાનો પ્રયાસ કર્યો. સ્થિતિ ખૂબ જ તણાવપૂર્ણ થઈ ગઈ હતી, પરંતુ કેપ્ટનની સૂઝબૂઝથી મોટી દુર્ઘટના ટળી ગઈ. જહાજ પરથી ફ્લેયર છોડવામાં આવ્યા, જ્યારબાદ હુમલાખોરોએ પીછેહટ કરી અને દક્ષિણ-પૂર્વ દિશામાં ભાગી ગયા. આ ઘટનામાં કોઈ ઘાયલ નથી થયું, પરંતુ એ સ્પષ્ટ થઈ ગયું છે કે રાતા સમુદ્રમાં સતત ખતરો વધી રહ્યો છે.
યમનના હુથી બળવાખોરો પર શંકા
જોકે, ઓક્ટોબર 2023થી યમનના હુથી બળવાખોરો આ વિસ્તારમાં જહાજોને નિશાન બનાવી રહ્યા છે. જેને લઈને વૈશ્વિક વેપાર પર પણ અસર પડી છે. આ જહાજ પર હુમલાની શંકા પણ હુથીઓ પર છે. હુથીઓના હુમલા બાદ પહેલા અનેક મોટી શિપિંગ કંપનીઓએ પોતાના જહાજોને આફ્રિકાના કેપ ઓફ ગુડ હોપના રસ્તે મોકલવાનું શરૂ કરી દીધું હતું, જેનાથી સફર 10થી 14 દિવસ લાંબી થઈ ગઈ અને ખર્ચ પણ વધી ગયો હતો. બીજી તરફ હોર્મુઝ સ્ટ્રેટમાં પરિસ્થિતિ વધુ વિસ્ફોટક છે. ઈરાનના ઇસ્લામિક રિવોલ્યુશન ગાર્ડ કોર્પ્સ (IRGC)એ સ્પષ્ટ કહ્યું છે કે, આ જળમાર્ગમાં દુશ્મનની કોઈ પણ હરકત જીવલેણ સાબિત થશે. ઈરાનનો દાવો છે કે, હોર્મુઝ પર તેમનું સંપૂર્ણ નિયંત્રણ છે અને ત્યાંની દરેક ગતિવિધિઓ પર તેમની નજર છે.
ઈરાને આપી ચેતવણી
IRGCએ ચેતવણી આપી છે કે, જો કોઈ સૈન્ય જહાજ આ વિસ્તારમાં ઘુસવાનો પ્રયાસ કરશે, તો તેને યુદ્ધવિરામનું ઉલ્લંઘન ગણાશે અને આકરી કાર્યવાહી કરવામાં આવશે. ઈરાને એ પણ દાવો કર્યો કે અમેરિકાના યુદ્ધ જહાજોને પીછે હટવા પર મજબૂર કરાયા, પરંતુ અમેરિકાએ પહેલા કહ્યું હતું કે, તેમના જહાજોને હોર્મુઝથી પસાર થતા માર્ગમાં બારૂદી સુરંગો હટાવવાનું અભિયાન શરૂ કર્યું છે.
આ સંપૂર્ણ તણાવ એવા સમયે વધ્યો છે, જ્યારે અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ વાટાઘાટો નિષ્ફળ રહી ચૂકી છે. બંને દેશો વચ્ચે અવિશ્વાસ વધી રહ્યો છે અને સમુદ્રમાં લશ્કરી ગતિવિધિઓ તેજ બની રહી છે. અમેરિકાએ કહી દીધું છે કે સોમવારે તેઓ હોર્મુઝને બ્લોક કરી દેશે.
વર્તમાન પરિસ્થિતિ જોતા પશ્ચિમ એશિયામાં ગમે ત્યારે મોટો વિસ્ફોટ થઈ શકે તેમ છે. આ માત્ર પ્રાદેશિક સુરક્ષાનો મુદ્દો નથી, પરંતુ સમગ્ર વિશ્વના અર્થતંત્રને અસર કરતું ગંભીર સંકટ છે.








