માઇક્રોસોફ્ટે અચાનક 4,800 કર્મચારીઓને નોકરીમાંથી હાંકી કાઢ્યા, કંપનીના હેડ HRએ જણાવ્યું મોટું કારણ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Microsoft Layoff 4800 Employees : ટેક જગતની દિગ્ગજ કંપની માઇક્રોસોફ્ટ (Microsoft)માં અચાનક મોટો હડકંપ મચી ગયો છે. કંપનીએ પોતાના હજારો કર્મચારીઓને રાતોરાત નોકરીમાંથી મુક્ત કરવાનો મોટો નિર્ણય લીધો છે. આ સમાચાર સામે આવતા જ ટેક ઇન્ડસ્ટ્રી તેમજ આ કંપનીમાં નોકરી કરવાનું સપનું જોતા યુવાનો આઘાતમાં સરી પડ્યા છે. તાજેતરના અહેવાલો મુજબ, માઇક્રોસોફ્ટે તેના અંદાજે 4,800 કર્મચારીઓની છટણી (Layoff) કરી દીધી છે.
માઇક્રોસોફ્ટે કેમ લીધો આ મોટો નિર્ણય?
દિગ્ગજ ટેક કંપની માઇક્રોસોફ્ટે તેના કુલ વૈશ્વિક કર્મચારીઓમાંથી આશરે 2.1% સ્ટાફને નોકરીમાંથી કાઢી મુક્યો છે. જેમાં 4,800 કર્મચારીઓનો સમાવેશ થાય છે. કંપનીએ આ આકરો નિર્ણય એવા સમયે લીધો છે, જ્યારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) પાછળ મોટા પાયે રોકાણ કરવામાં આવી રહ્યું છે, અને બીજી તરફ કંપનીના અન્ય ખર્ચાઓ ઘટાડવાના પ્રયાસો થઈ રહ્યા છે.
હેડ HRએ મેમો મોકલીને જણાવ્યું કારણ
આ મોટી છટણી અંગે કંપનીના હેડ HR એમી કોલમેને (Amy Coleman) કર્મચારીઓને એક સત્તાવાર મેમો મોકલીને વિગતવાર માહિતી આપી છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે, આ નિર્ણય માત્ર ખર્ચ ઘટાડવા માટે નથી, પરંતુ કંપનીની કાર્યશૈલીમાં મોટા ફેરફારનો એક મહત્વનો ભાગ છે.
એમી કોલમેને મેમોમાં શું લખ્યું?
હેડ HRએ લખ્યુ છે કે, 'આજે આપણે આપણા વૈશ્વિક કર્મચારીઓની સંખ્યાના અંદાજે 2.1%, એટલે કે લગભગ 4,800 પદો નાબૂદ કરી રહ્યા છીએ. અમારો મુખ્ય હેતુ આપણા કર્મચારીઓ, રોકાણ અને સંસાધનોને એવી પ્રાથમિકતાઓ પર કેન્દ્રિત કરવાનો છે, જેની મદદથી માઈક્રોસોફ્ટ (Microsoft) આ ઝડપથી બદલાતી ટેક ઇન્ડસ્ટ્રીમાં પોતાના ગ્રાહકોને વધુ સારી સેવાઓ આપી શકે.'
કંપનીના શેરમાં પણ મોટો કડાકો
આ વર્ષે માઇક્રોસોફ્ટના શેરના પ્રદર્શનમાં પણ મોટો ઘટાડો જોવા મળ્યો છે. વર્ષ 2026ના પ્રથમ 6 મહિનામાં કંપનીનો શેર આશરે 23% સુધી ગગડી ગયો છે, જે વર્ષ 2022 પછીનું સૌથી ખરાબ પ્રદર્શન માનવામાં આવે છે. આ અગાઉ કંપનીએ અમેરિકામાં તેના અંદાજે 9,000 કર્મચારીઓને સ્વૈચ્છિક નિવૃત્તિ (Voluntary Buyout)ની ઓફર પણ આપી હતી.
ટેક સેક્ટરમાં છટણીનો દોર યથાવત
ઉલ્લેખનીય છે કે, આ વર્ષે માત્ર માઇક્રોસોફ્ટ જ નહીં, પરંતુ એમેઝોન (Amazon) અને મેટા (Meta) જેવી અન્ય દિગ્ગજ ટેક કંપનીઓએ પણ હજારો કર્મચારીઓની છટણી કરી છે. AI ટેકનોલોજી પાછળ સતત વધી રહેલા ખર્ચના કારણે, હવે વૈશ્વિક કંપનીઓ પર નફો વધારવાનું ભારે દબાણ જોવા મળી રહ્યું છે.









