Microsoft ઠપ: ભારતમાં એરલાઇન્સની એડવાઇઝરી, જાપાનમાં પેન-કાગળ પર કામ, જાણો 8 મોટી વાતો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Microsoft Global Outage : માઇક્રોસોફ્ટની સેવાઓમાં ગુરુવારે શરૂ થયેલી મોટી ટેકનિકલ ખામીની અસર શુક્રવારે પણ યથાવત રહી હતી, જેના કારણે વિશ્વના અનેક દેશોમાં વ્યાપારિક અને સરકારી કામકાજ ખોરવાઈ ગયા હતા. આ વૈશ્વિક આઉટેજના પગલે વિશ્વભરના લાખો યુઝર્સ આઉટલુક, માઇક્રોસોફ્ટ ટીમ્સ અને અન્ય માઇક્રોસોફ્ટ 365 ઍપ્લિકેશનનો ઉપયોગ કરવામાં અસમર્થ બન્યા હતા.
સેવાઓ પૂર્વવત કરવા એન્જિનિયરોની મથામણ
અમેરિકન ટેક કંપની માઇક્રોસોફ્ટ દ્વારા આ ખામીની પ્રથમ જાણકારી અપાયાના 12 કલાકથી વધુ સમય વીતી જવા છતાં એન્જિનિયરો સિસ્ટમને સંપૂર્ણપણે ઠીક કરવા માટે સંઘર્ષ કરી રહ્યા હતા. કંપનીએ સુધારા અંગે આંશિક પ્રગતિ થઈ હોવાનું જણાવ્યું હતું, પરંતુ સાથે જ સ્વીકાર્યું હતું કે, રિપેરિંગના પ્રયાસો ધાર્યા મુજબ પરિણામ આપી રહ્યા નથી. જોકે, માઇક્રોસોફ્ટે સ્પષ્ટતા કરી છે કે, આ આઉટેજ પાછળ કોઈ સાયબર હુમલા કે દૂષિત પ્રવૃત્તિના પુરાવા મળ્યા નથી.
હોંગકોંગના બૅન્કિંગ સેક્ટરમાં કામકાજ ખોરવાયું
હોંગકોંગમાં મોર્ગન સ્ટેનલી અને ગોલ્ડમેન સૅક્સ જેવી અગ્રણી નાણાકીય સંસ્થાઓના કર્મચારીઓ ઈમેઇલ અને માઇક્રોસોફ્ટ ટીમ્સનો ઉપયોગ કરી શક્યા નહોતા, જેનાથી દૈનિક કામગીરી અટકી પડી હતી. એક બૅન્કરે મીડિયાને જણાવ્યું હતું કે અમુક ઈમેઇલ મળી રહ્યા છે, પરંતુ લાખો સંદેશાઓ બેકલોગમાં ફસાયા હોવાની શક્યતા છે. વિદેશી ગ્રાહકો સાથે સંવાદ પર નિર્ભર રહેતા વ્યવસાયોને પણ આનાથી મોટો ફટકો પડ્યો છે.
ઓસ્ટ્રેલિયામાં શાળાઓ, અદાલતો અને સરકારી તંત્ર પ્રભાવિત
ઓસ્ટ્રેલિયામાં શાળાઓ, કોર્ટ અને સરકારી કચેરીઓના કર્મચારીઓને આઉટલુક સહિતની માઇક્રોસોફ્ટ ઍપ્લિકેશન ખોલવામાં ભારે મુશ્કેલી પડી હતી. ઓસ્ટ્રેલિયાના ગૃહ બાબતોના મંત્રી ટોની બર્કે જણાવ્યું હતું કે માઇક્રોસોફ્ટે આ ઘટનાની સરખામણી જુલાઈ 2024માં થયેલા ક્રાઉડસ્ટ્રાઇક આઉટેજ સાથે કરી છે. મંત્રી બર્કે ઓસ્ટ્રેલિયા ખાતેના માઇક્રોસોફ્ટના ટોચના અધિકારી અને રાષ્ટ્રીય સાયબર સુરક્ષા સંયોજક સાથે વાતચીત કર્યા બાદ જણાવ્યું હતું કે કંપનીને આ કોઈ સાયબર હુમલો લાગતો નથી, પરંતુ કોઈ સોફ્ટવેર અપડેટના કારણે આ સમસ્યા સર્જાઈ હોવાની આશંકા છે.
જાપાનમાં સરકારી કચેરીઓ કાગળ-પેન પર નિર્ભર બની
જાપાનના સરકારી આઇટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર આ આઉટેજની ગંભીર અસર જોવા મળી હતી, જેના કારણે શુક્રવારે વિવિધ મંત્રાલયો અને એજન્સીઓને ઈમેઇલ મોકલવામાં ભારે હાલાકી પડી હતી. ડેપ્યુટી ચીફ કેબિનેટ સેક્રેટરી મસાનાઓ ઓઝાકીએ માહિતી આપી હતી કે કામકાજ અટકે નહીં તે માટે સરકારી કર્મચારીઓ દસ્તાવેજોની ફિઝિકલ કોપી તૈયાર કરીને કામ ચલાવી રહ્યા છે.
ફિલિપાઈન્સની સુપ્રીમ કોર્ટ અને સિંગાપુર સરકારની સેવાઓમાં વિલંબ
ફિલિપાઈન્સની સુપ્રીમ કોર્ટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરીને ચેતવણી આપી હતી કે માઇક્રોસોફ્ટ 365 ની ખામીના કારણે અદાલતી કામગીરી પ્રભાવિત થઈ છે, જેથી ઈમેલના જવાબો અને અન્ય વ્યવહારોમાં વિલંબ થઈ શકે છે. બીજી તરફ, સિંગાપુરની ગવર્નમેન્ટ ટેકનોલોજી એજન્સીએ પણ સરકારી ઈમેલ સેવાઓ ઠપ થઈ હોવાની પુષ્ટિ કરી હતી અને ઉકેલ માટે માઇક્રોસોફ્ટ સાથે સંકલનમાં હોવાનું જણાવ્યું હતું.
ભારતમાં ઇન્ડિગો અને અકાસા એરની ઈમેઇલ સેવાને અસર
ભારતીય ઉડ્ડયન ક્ષેત્રે પણ આ આઉટેજની આંશિક અસર જોવા મળી હતી. ઇન્ડિગો એરલાઇન્સે જણાવ્યું હતું કે તેમની ઈમેઇલ સપોર્ટ સેવા ખોરવાતા ગ્રાહકોના પ્રશ્નો મેળવવામાં મુશ્કેલી પડી રહી છે, જોકે અન્ય કસ્ટમર સપોર્ટ ચેનલો અને ફ્લાઇટ સંચાલન રાબેતા મુજબ ચાલુ રહ્યા હતા. તેવી જ રીતે, અકાસા એર દ્વારા પણ મુસાફરો માટે એડવાઇઝરી જારી કરીને ઈમેઇલ સપોર્ટ સેવામાં વિલંબ થવાની જાણ કરવામાં આવી હતી.
અમેરિકામાં શહેરી વહીવટ અને કોર્પોરેટ કામગીરી ઠપ
અમેરિકાના અનેક શહેરોની સ્થાનિક સરકારોએ વ્યાપક ઈમેઇલ સમસ્યાની જાણ કરી હતી અને નાગરિકોને તાત્કાલિક કામ માટે ફોન દ્વારા સ્થાનિક કચેરીઓનો સંપર્ક કરવાની સલાહ આપી હતી. આ ઉપરાંત, ઇન્ડસ્ટ્રિયલ ટૅક્નોલૉજી કંપની વર્કહોર્સ ગ્રૂપે ટેકનિકલ અવરોધના કારણે પોતાની ત્રિમાસિક કમાણી (ક્વાર્ટરલી અર્નિંગ્સ) અંગેની કોન્ફરન્સ કોલ મોકૂફ રાખવાની ફરજ પડી હતી.
એઆઇ પ્લેટફોર્મ્સ પર પણ વર્તાઈ આઉટેજની અસર
આ ટેકનિકલ ખામીની અસર માત્ર પરંપરાગત સોફ્ટવેર પૂરતી મર્યાદિત રહી નહોતી. અગ્રણી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પ્લેટફોર્મ OpenAI અને Anthropicએ પણ માઇક્રોસોફ્ટ 365 ટૂલ્સ સાથે કનેક્ટિવિટીમાં સમસ્યા આવી હોવાનું જણાવ્યું હતું, જે દર્શાવે છે કે અન્ય સોફ્ટવેર સાથેના ઈન્ટિગ્રેશન પર નિર્ભર પ્લેટફોર્મ્સ પણ આ આઉટેજથી બચી શક્યા નથી.




