- અલ-મેંચો મેક્ષિકોનાં સુંદરગામ તાપાલ્પામાં છૂપાયો હતો, તેની ગર્લફ્રેન્ડ તેને મળવા ગઈ : તેનું પગેરૂં દબાવી, સેના મેંચોનાં ગુપ્ત સ્થાને પહોંચી
મેક્ષિકો સીટી : મેક્ષિકોની સેનાએ દેશના સૌથી વધુ વોન્ટેડ ડ્રગ માફિયા ડાર્ક અલ-મેંચોને પતાવી દીધો છે. તેમાં સૌથી વધુ જાણવા જેવી વાત તે છે કે ડ્રગ-લોર્ડ સુધી પહોંચવામાં સેનાને તેની ગર્લફ્રેન્ડની જ ભૂમિકા સહાયરૂપ બની હતી.
૫૯ વર્ષના મેંચોનું મુળ નામ નેમેશ્યો ઓસેગુયેરા રૂબીન સર્વાં ટીસ હતું. તે કુખ્યાત જેબિસ્કો ન્યૂ જનરેશન કાર્ટેલનો પ્રમુખ હતો. તે પશ્ચિમ મેક્ષિકોના સુંદરગામ તાપાલ્યામાં છુપાયો હતો. રવિવારે સૈનિકો સાથેની અથડામણમાં તે ઘણો જ ઘાયલ થયો અને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જતા રસ્તામાં જ તેણે શ્વાસ મુકી દીધો.
એ.એફ.પી.ના રિપોર્ટ પ્રમાણે સેનાએ તે ઓપરેશન ત્યારે શરૂ કર્યું કે જ્યારે સૈન્યની જાસૂસી એજન્સીને ખબર પડી કે તેની એક ગર્લફ્રેન્ડ તેને તાપાલ્યામાં મળવા જઈ રહી છે. તે ઓપરેશનમાં અમેરિકાના નોર્ધન કમાન્ડે પણ મદદ કરી હતી. તાપાલ્યા, મેક્ષિકોના જાવીસ્કો રાજ્યનાં મુખ્ય શહેર ગ્વાડલહારાથી આશરે ૧૩૦ કિ.મી. દૂર છે.
મેક્ષિકોના સંરક્ષણ મંત્રી રિકાર્ડો ટ્રેવિલાએ જણાવ્યું હતું કે તે મહિલા અલ-મેંચોના રોમાન્ટિક પાર્ટનર્સ પૈકીની એક હતી. તે અલ-મેંચોને એક વિશ્વાસપાત્ર વ્યકિત દ્વારા તાપાલ્યા સ્થિત એક ઘરમાં પહોંચાડવામાં આવી. તે શનિવારે અલ-મેંચોને મળી કેટલાક સમય પછી ત્યાંથી ચાલી નીકળી. અલ-મેંચો તો પોતાના સુરક્ષા કર્મીઓ સાથે તે ઘરમાં જ રોકાયો હતો.
હવે મેક્ષિકોની સેના આગળ વધી તેની સાથે નેશનલ ગાર્ડઝની સ્પેશ્યલ ઈમીડીએટ રીએકશન ફોર્સની ટુકડીએ જમીન અને આકાશ તેમ બંને રીતે રવિવારે હુમલો કરવાની યોજના બનાવી. સૈનિકોએ ગુપ્ત રીતે સમગ્ર વિસ્તાર ઘેરી લીધો, જેથી અચાનક કાર્યવાહી કરી શકાય. હવે આર્મીને ખાતરી થઈ ગઈ હતી કે અલ-મેંચો ત્યાં જ છે, અને અચાનક છાપો માર્યો.
મેક્ષિકોના સંરક્ષણ મંત્રી રિકાર્ડો ટ્રેવિલાએ કહ્યું : સાચું કહેતા આ ખતરનાક કાર્યવાહી હતી. મેંચો પાસે પણ ભારે હથિયારો હતા. જેમાં ઓટોમેટિક રાયફલ્સ, બે રોકેટ લોન્ચર્સ હતા. તેણે આવા ઘાતક શસ્ત્રોની સહાયથી એક સૈન્ય હેલિકોપ્ટરને પણ પાડી દીધું હતું. તેથી તે ધરપકડમાંથી બચી ગયો હતો.
આ વખતે નસીબે તેને સાથ ન આપ્યો. તે ત્યાંથી નાસી છૂટયો, નાસતી વખતે તેના ગાર્ડ પણ જંગલમાં છુપાયા હતા. ત્યાં કેટલીક કેબિનો હતી. સેનાએ તે સમગ્ર વિસ્તાર ઘેરી લીધો. મેંચોના સાથીઓએ એક આર્મી હેલિકોપ્ટરને નિશાન બનાવ્યું. તેને ઇમર્જન્સી લેન્ડીંગ કરવું પડયું. હવે સામ સામા ગોળીબાર શરૂ થયા. તેમાં અલ-મેંચો અને તેના બે અંગ રક્ષકો ઘાયલ થયા. તે ત્રણને હેલિકોપ્ટર દ્વારા ગ્વાડલહારા હોસ્પિટલમાં લઈ જવાયા ત્યાં માર્ગમાં જ મેંચોએ શ્વાસ મુકી દીધો.
આમ ગર્લફ્રેન્ડના પગલે પગલે તેનું મૃત્યુ પણ તેની સુધી પહોંચી ગયું હતું.


