અફઘાનિસ્તાનમાં સ્કૂલની નજીક ભીષણ વિસ્ફોટ, 6 માસૂમ વિદ્યાર્થીના મોત, 97થી વધુ ઈજાગ્રસ્ત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Afghanistan School Blast: અફઘાનિસ્તાનના પૂર્વીય હિસ્સામાં આજની સવાર અત્યંત દર્દનાક સાબિત થઈ છે. કુનાર પ્રાંતમાં એક માધ્યમિક સ્કૂલ પાસે થયેલા પ્રચંડ વિસ્ફોટે પળવારમાં જ માસૂમ બાળકોની ખુશીઓને માતમમાં ફેરવી દીધી હતી. આ ભયાનક દુર્ઘટનામાં 6 વિદ્યાર્થીઓના કરુણ મોત નિપજ્યા છે, જ્યારે અન્ય 97 બાળકો ગંભીર રીતે ઘાયલ થયા છે. વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે આસપાસના સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી અને ઘટનાસ્થળે બચાવ ટુકડીઓએ પહોંચીને ઘાયલ બાળકોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હતા.
મૃત્યુઆંક વધવાની આશંકા
કુનાર પ્રાંતીય હોસ્પિટલના વડાએ માહિતી આપતા જણાવ્યું કે હાલ માત્ર પ્રાથમિક આંકડા સામે આવ્યા છે, પરંતુ સારવાર દરમિયાન મૃત્યુઆંક હજુ પણ વધવાની આશંકા છે. શરૂઆતી તપાસ મુજબ આ વિસ્ફોટ ડાયનામાઈટનો ખોટી રીતે સંગ્રહ કરવાને કારણે થયો હોવાનું માનવામાં આવી રહ્યું છે. જોકે, વહીવટીતંત્ર દ્વારા હજુ સુધી તેની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી અને તપાસ ટીમ વિસ્ફોટના ચોક્કસ કારણો શોધવામાં લાગી ગઈ છે.
સ્કૂલની નજીક આખરે કેવી રીતે થયો વિસ્ફોટ?
કુનાર પ્રાંતીય પોલીસના પ્રવક્તા ફરીદ દેહકાનના જણાવ્યા અનુસાર, સવારે લગભગ 10 વાગ્યે 'અંદર સેર' વિસ્તારમાં આવેલી સ્કૂલની નજીક આ વિસ્ફોટ થયો હતો. ઘટનાની જાણ થતા જ પોલીસ અને તપાસ એજન્સીઓની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. અધિકારીઓએ સ્પષ્ટ કર્યું કે આ વિસ્ફોટ સ્કૂલની બરાબર બાજુમાં આવેલા એક મકાનમાં થયો હતો, જ્યાં ખાણકામ સાથે સંકળાયેલા લોકો રહેતા હતા. આથી એવી પ્રબળ આશંકા સેવાઈ રહી છે કે આ મકાનમાં ખાણકામ માટેનો ડાયનામાઈટ જમા કરીને રાખવામાં આવ્યો હતો, જેમાં અચાનક ધડાકો થયો હતો.
બાળકો અને સ્કૂલોની સુરક્ષા પર ઉઠ્યા ગંભીર સવાલ
આ દર્દનાક ઘટનાએ અફઘાનિસ્તાનમાં સ્કૂલો અને બાળકોની સુરક્ષા વ્યવસ્થા પર ફરી એકવાર ગંભીર ચિંતા ઊભી કરી છે. આ પહેલા પણ આ જ વર્ષે ઓગસ્ટ મહિનામાં કાબુલની એક સ્કૂલ પરિસરમાં હેન્ડ ગ્રેનેડથી હુમલો થયો હતો, જેમાં 9થી 14 વર્ષની વયના 40થી વધુ બાળકો ઘાયલ થયા હતા. કુનાર પ્રાંત પાકિસ્તાનની સરહદને અડીને આવેલો હોવાથી અહીં સુરક્ષા સંબંધિત પડકારો હંમેશા રહેલા છે. આવા સંજોગોમાં રહેણાંક વિસ્તાર અને સ્કૂલની આસપાસ વિસ્ફોટક સામગ્રી રાખવી એ અત્યંત ગંભીર બેદરકારી ગણાય છે, જેની સંપૂર્ણ વિગતો તપાસ પૂર્ણ થયા બાદ જ બહાર આવશે.




