Get The App

હવે 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો સોશિયલ મીડિયાનો ઉપયોગ કરશે તો ખેર નહીં, મલેશિયામાં કડક નિયમો લાગુ

Updated: Jun 2nd, 2026

GS TEAM

Google News
Google News
હવે 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો સોશિયલ મીડિયાનો ઉપયોગ કરશે તો ખેર નહીં, મલેશિયામાં કડક નિયમો લાગુ 1 - image

Malaysia Social Media Ban : બાળકોની ઓનલાઇન સુરક્ષાને વધુ મજબૂત કરવાના વૈશ્વિક પ્રયાસોના ભાગરૂપે મલેશિયાએ સોમવાર 1 જૂન 2026થી 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ બનાવવા પર કાયદાકીય પ્રતિબંધ મૂકતા કડક નિયમો લાગુ કરી દીધા છે. જો કે, આ નિર્ણયને લઈને તમામ પક્ષો સહમત નથી અને કેટલાક નિષ્ણાતોએ ડેટા સુરક્ષા તેમજ યુઝર્સ પર સંભવિત દેખરેખ અંગે ચિંતા પણ વ્યક્ત કરી છે.

હાલના બાળ યુઝર્સને ડેટા ડાઉનલોડ કરવા 1 મહિનાનો સમય

મલેશિયાના કોમ્યુનિકેશન એન્ડ મલ્ટીમીડિયા કમિશનના જણાવ્યા અનુસાર, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર હાલના યુઝર્સની ઉંમરની ચકાસણી આગામી 6 મહિનાની અંદર શરૂ કરવામાં આવશે. જે યુઝર્સની ઉંમર 16 વર્ષથી ઓછી છે, તેમને તેમના ફોટા, વીડિયો અને અન્ય ડેટા ડાઉનલોડ અથવા ટ્રાન્સફર કરવા માટે 1 મહિનાનો સમય આપવામાં આવશે. ત્યારબાદ તેમના એકાઉન્ટ બ્લોક કરવા અથવા અન્ય કડક પગલાં લેવામાં આવશે. જો કે, જો કોઈ બાળક આ નિયમોને બાયપાસ કરીને એકાઉન્ટ બનાવવામાં સફળ રહેશે, તો તેના માતા-પિતાને કોઈ સજા કરવામાં આવશે નહીં.

પ્રતિબંધ પાછળનો મુખ્ય હેતુ શું છે?

મલેશિયા સરકારનું કહેવું છે કે, આ નિયમોનો મુખ્ય હેતુ બાળકોને સાયબર બુલિંગ, નુકસાનકારક કન્ટેન્ટ અને સોશિયલ મીડિયાના અતિરેકથી બચાવવાનો છે. સરકારનું માનવું છે કે, સોશિયલ મીડિયાના કેટલાક ફીચર્સ બાળકોને લાંબા સમય સુધી ઓનલાઈન રહેવા માટે પ્રેરિત કરે છે, જે તેમના માનસિક અને સામાજિક જીવનને નુકસાન પહોંચાડે છે. જો કે, રેગ્યુલેટરી બોર્ડે સ્પષ્ટ કર્યું છે કે, આનો અર્થ બાળકોને ડિજિટલ ટેક્નોલોજીથી દૂર રાખવાનો નથી, પરંતુ ટેક કંપનીઓને યુઝર સુરક્ષા વધારવા માટે જવાબદાર બનાવવાનો છે.

બીજી તરફ, નિષ્ણાત ક્લારા કોહે ચેતવણી આપી છે કે, 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાથી ઉલટી અસર થઈ શકે છે. બાળકો આ સુરક્ષિત અને નિયંત્રિત પ્લેટફોર્મ છોડીને ઇન્ટરનેટના એવા ડાર્ક હિસ્સા તરફ વળી શકે છે, જ્યાં સુરક્ષા અને દેખરેખના કોઈ ઉપાયો હોતા નથી.

દુનિયાના ક્યા ક્યા દેશોમાં આવા પ્રતિબંધો છે?

વિશ્વના ઘણા દેશો બાળકોની સુરક્ષા માટે આવા કડક પગલાં ભરી રહ્યા છે અથવા વિચારણા હેઠળ છે :

ઓસ્ટ્રેલિયા: 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા પર સંપૂર્ણ પ્રતિબંધ (10 ડિસેમ્બર 2025 થી લાગુ).

ઇન્ડોનેશિયા: 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે કાયદાકીય રોક (28 માર્ચ 2026 થી લાગુ).

ગ્રીસ: જાન્યુઆરી 2027 થી 15 વર્ષથી ઓછી ઉંમરના બાળકો પર પ્રતિબંધ મૂકવાની તૈયારી.

ફ્રાન્સ અને ડેનમાર્ક: 15 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે પ્રતિબંધની યોજના પર કામ ચાલુ છે. ફ્રાન્સના નીચલા ગૃહમાં આ બિલ પાસ થઈ ગયું છે.

ઇટાલી, જર્મની અને સ્પેન: ઇટાલીમાં 14 વર્ષથી નાના અને જર્મની-ફ્રાન્સમાં 15 થી 16 વર્ષના બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ બનાવવા માટે માતા-પિતાની મંજૂરી (Parental Consent) લેવી ફરજિયાત છે.