ભારતમાં 40 ડિગ્રી તાપમાન નોર્મલ પણ યુરોપમાં ટપોટપ મૃત્યુ થવાનું કારણ શું?
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Europe Heatwave: યુરોપમાં હાલ કાળઝાળ ગરમીને કારણે હાહાકાર મચી ગયો છે. ભારતમાં ઉનાળા દરમિયાન 40°C તાપમાનને સામાન્ય ગણવામાં આવે છે, પરંતુ આ જ તાપમાન અત્યારે યુરોપના લોકો માટે જીવલેણ સાબિત થઈ રહ્યું છે. માત્ર ફ્રાન્સમાં જ ગરમીના લીધે 1,000થી વધુ લોકોના મોત નીપજ્યા છે. આ સિવાય જર્મની, બ્રિટન અને સ્વીડન જેવા દેશોમાં પણ ગરમીએ લોકોને બેહાલ કરી દીધા છે.
સ્થિતિ એટલી ખરાબ છે કે શાળાઓને થોડા જ કલાકોમાં બંધ કરવી પડી રહી છે અને વાલીઓને બાળકોને વહેલા ઘરે લઈ જવા અપીલ કરાઈ રહી છે. ઓફિસોમાં કામકાજ પ્રભાવિત થયું છે અને લોકોને ગરમીથી બચવા માટે કોઈ જગ્યા મળી રહી નથી. સ્થાનિક લોકોની ફરિયાદ છે કે તાપમાન ભલે 40°C હોય, પરંતુ અનુભવાતી ગરમી તેનાથી ક્યાંય વધારે છે.
ઘરની ખાસ ડિઝાઇન બની 'ટોર્ચર'નું કારણ
યુરોપમાં ગરમી સાયલન્ટ કિલર બનવા પાછળ ત્યાંના મકાનોની વિશિષ્ટ ડિઝાઇન મુખ્ય જવાબદાર છે. યુરોપમાં ઠંડીનું પ્રમાણ વધુ રહેતું હોવાથી ત્યાંના ઘરોને એવી રીતે તૈયાર કરવામાં આવે છે કે જેથી અંદર ગરમી જળવાઈ રહે અને ઠંડીનો સામનો કરી શકાય. સામાન્ય રીતે આ મકાનો પથ્થરોથી બને છે. પથ્થરોને ગરમ થવામાં જેટલો સમય લાગે છે, તેટલો જ સમય ઠંડા થવામાં પણ લાગે છે. હવે જ્યારે બહારનું તાપમાન 40°C એ પહોંચ્યું છે, ત્યારે દિવસભર ગરમ થયેલા આ પથ્થરો રાત્રે પણ ઠંડા થતા નથી. આના કારણે ઘરની અંદર લોકોને 50°C જેવો અસહ્ય શેક અનુભવાઈ રહ્યો છે.
એસી-પંખા વગર લાચાર બન્યા લોકો
બીજું મુખ્ય કારણ એ છે કે યુરોપના ઘરોમાં ભારતની જેમ એસી, પંખા કે કૂલર રાખવાની પરંપરા નથી. ત્યાંના માત્ર 7% ઘરોમાં જ એસીનો ઉપયોગ થાય છે. છેલ્લા કેટલાક સમયથી માત્ર ટેબલ ફેનનો વપરાશ થોડો વધ્યો છે. લોકો સામાન્ય રીતે શિયાળામાં બહાર ગરમ કપડાં પહેરીને નીકળે છે અને ઘરમાં પ્રવેશતા જ તેને ઉતારી દે છે, કારણ કે ઘરની અંદર ઠંડી લાગતી નથી. પરંતુ હવે અચાનક આવી પડેલી ભયંકર ગરમીને કારણે લોકો એસી અને પંખા જેવા ઉપકરણો ખરીદવા દોડી રહ્યા છે, જેના લીધે બજારમાં આ સાધનોની ભારે અછત સર્જાઈ છે.
ગરમી સહન કરવાની ક્ષમતાનો અભાવ
મકાનોની બનાવટ ઉપરાંત લોકોની શારીરિક ક્ષમતા પણ આ મુશ્કેલી વધારી રહી છે. હજારો વર્ષોથી યુરોપના લોકોની આનુવાંશિકતા (જિનેટિક્સ) એવી રીતે વિકસી છે કે તેઓ ગમે તેવી આકરી ઠંડી સરળતાથી સહન કરી શકે છે, પરંતુ તેમને ગરમીમાં રહેવાનો કોઈ અનુભવ કે અભ્યાસ નથી. લાંબા સમય સુધી યુરોપમાં રહેલા નિષ્ણાતોના જણાવ્યા મુજબ, ગરમી સામે લડવાની આ શારીરિક અક્ષમતાને કારણે જ અત્યારે ત્યાં ગરમી કોઈપણ સામાન્ય બીમારી કરતાં વધુ લોકોનો ભોગ લઈ રહી છે.







