- કતાર પર ઇરાને હુમલો કર્યો હોવાની અટકળો
- આ ઇન્ડસ્ટ્રીયલ અકસ્માત છતા તપાસ ચાલું : કતાર
- ઘટનામાં 70 લોકો ઘાયલ, કેટલાકની સ્થિતિ ગંભીર
દોહા : કતારમાં રાસ લાફાનમાં સ્થિત સૌથી મોટા એલએનજી પ્લાન્ટમાં મોટો વિસ્ફોટ થયો હતો જેમાં ભારતીયો સહિત ૧૩ લોકોના મોત નિપજ્યા હતા. જ્યારે ૭૦ જેટલા લોકો ઘાયલ થઇ ગયા છે. જેમાંથી કેટલાકની સ્થિતિ ગંભીર હોવાથી મૃત્યુઆંક વધી શકે છે. કેટલાક લોકો ઘટના સમયે ગૂમ થઇ ગયા છે તેમની શોધખોળ કરવામાં આવી રહી છે.
એવા અહેવાલો છે કે સૌથી મોટા એલએનજી પ્લાન્ટમાં આ વિસ્ફોટ બાદ ફરી એક વખત પશ્ચિમ એશિયામાં યુદ્ધ છેડાવાના ભણકારા છે. જોકે આ વિસ્ફોટ કેવી રીતે થયો તેને લઇને કોઇ સ્પષ્ટતા નથી થઇ એવામાં અટકળો છે કે હુમલો પણ હોઇ શકે છે. જ્યારે ઇરાન સાથે ઘર્ષણ ચાલી રહ્યું હતું ત્યારે ઇરાને આ જ વિસ્તારમાં પોતાના ડ્રોન છોડયા હતા અને પ્લાન્ટને ભારે નુકસાન પહોંચાડયું હતું. રવિવારે પણ પ્લાન્ટની દેખરેખનુ કામકાજ ચાલી રહ્યું હતું તે સમયે જ આ મોટો વિસ્ફોટ થયો હતો.
જે પણ ૧૩ લોકો માર્યા ગયા છે તેમાં ભારતીયો પણ સામેલ છે. કતારના ઉર્જામંત્રી સાદ શેરિદા અલ કાબીએ જણાવ્યું હતું કે આ એક ઇન્ડસ્ટ્રિયલ અકસ્માત છે. જેને લઇને હાલ તપાસ ચાલી રહી છે. માર્યા ગયેલા લોકો પાકિસ્તાની અને ભારતના છે. જ્યારે કેટલાક લોકો હજુ પણ ગુમ છે. જે ૭૦ લોકો ઘાયલ થયા છે તેમાંથી કેટલાકની સ્થિતિ ગંભીર છે. આ વિસ્ફોટ રવિવારે રાત્રે થયો હતો. કતાર પર ઇરાને અમેરિકાને મદદ કરવાનો આરોપ લગાવીને અગાઉ હુમલા કર્યા હતા. કતારમાં અમેરિકાનું સૈન્ય મથક પણ આવેલું છે જેને ઇરાન અવાર નવાર નિશાન બનાવી ચુક્યું છે.


