World

બોલિવિયામાં સૈન્ય મથકે પ્રચંડ ધડાકો, 10થી વધુ લોકોના મોત, 60થી વધુ ઈજાગ્રસ્ત

By GS Team
5 Sep 20262 mins read
TukuTouch Logo
બોલિવિયાના વિયાચા વિસ્તારમાં લશ્કરી મથકમાં 4 સપ્ટેમ્બરે ભયાનક વિસ્ફોટ થયો. રાજધાની લા પાઝથી 30 કિલોમીટર દૂર થયેલા આ અકસ્માતમાં ઓછામાં ઓછા 10 લોકોના મોત થયા છે, જ્યારે 60થી વધુ લોકો ઘાયલ થયા છે. વિસ્ફોટના કારણે આસપાસના વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

બોલિવિયામાં સૈન્ય મથકે પ્રચંડ ધડાકો, 10થી વધુ લોકોના મોત, 60થી વધુ ઈજાગ્રસ્ત

Bolivia Military Base Explosion: દક્ષિણ અમેરિકાના બોલિવિયા દેશમાં એક મોટી દુર્ઘટના સામે આવી છે. 4 સપ્ટેમ્બરના રોજ રાજધાની લા પાઝથી લગભગ 30 કિલોમીટર દૂર આવેલા વિયાચા વિસ્તારમાં એક લશ્કરી મથકમાં ભયાનક વિસ્ફોટ થયો હતો. આ અકસ્માતમાં ઓછામાં ઓછા 10 લોકોના મોત થયા છે, જ્યારે 60થી વધુ લોકો ઘાયલ થયા છે. વિસ્ફોટ એટલો જોરદાર હતો કે આસપાસના વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી.

વિસ્ફોટના કારણ અંગે તપાસ

સ્થાનિક અધિકારીઓ દ્વારા મળતી વિગતો મુજબ, આ અકસ્માત બપોરે આશરે 2:30 વાગ્યે થયો હતો. વિસ્ફોટની શરૂઆત સેન્ય મથકના એ ચોક્કસ ભાગમાંથી થઈ હતી જ્યાં બોલિવિયાના સંરક્ષણ મંત્રાલય દ્વારા સત્તાવાર સરકારી કાર્યક્રમો અને ઉત્સવોમાં વાપરવા માટે રાખવામાં આવેલો ફટાકડા અને આતશબાજીની સામગ્રીનો જથ્થો સંગ્રહિત કરવામાં આવ્યો હતો.

આ કોઈ યુદ્ધના હથિયારો કે દારૂગોળો નહોતા, પરંતુ સત્તાવાર રીતે વપરાતા આતશબાજીના ફટાકડા જ હતા. જોકે, આ ફટાકડાના સ્ટોરેજમાં કયા ચોક્કસ કારણસર (જેમ કે શોર્ટ સર્કિટ, ગરમી કે અન્ય કોઈ ખામી) વિસ્ફોટ થયો, તેની સાચી માહિતી હજુ સુધી સામે આવી નથી. આ અંગે હાલ ગંભીરતાથી તપાસ ચાલી રહી છે.

આસપાસના મકાનોને નુકસાન અને રાહત કાર્ય

સ્થાનિક આરોગ્ય અધિકારી રીટાના જણાવ્યા મુજબ, ઘટનામાં 10થી 15 લોકોના મોતની આશંકા છે અને 62 જેટલા લોકો ઘાયલ થયા છે. તેમાંથી ગંભીર રીતે દાઝી ગયેલા લોકોને અનેક દર્દીઓ સાથે લા પાઝની મોટી હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર, વિસ્ફોટના કારણે આસપાસના 50થી વધુ મકાનોના કાચ તૂટી ગયા હતા અને નુકસાન થયું હતું. ઘટના બાદ તરત જ એમ્બ્યુલન્સ, મેડિકલ ટીમ અને પોલીસનો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો અને ઘાયલોને હોસ્પિટલ પહોંચાડવાનું કામ શરૂ કર્યું હતું.

બીજા વિસ્ફોટનો ખતરો: લોકોને દૂર રહેવા અપીલ

ઘટના સ્થળે પહોંચેલા ફાયર બ્રિગેડના અધિકારીઓએ ચેતવણી આપી છે કે વિસ્ફોટવાળી જગ્યાએ હજુ પણ ગરમી અને દારુગોળાના અવશેષો છે, જેના કારણે બીજો વિસ્ફોટ થવાનું જોખમ રહેલું છે. આ ખતરાને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા સ્થાનિક લોકોને ઘટનાસ્થળથી ઓછામાં ઓછા 150 મીટર દૂર રહેવા ખાસ અપીલ કરવામાં આવી છે.