World

કેનેડામાં લોરેન્સ બિશ્નોઈ ગેંગ પર મોટી કાર્યવાહી, 200 સાગરિતોને દેશ છોડવાનો આદેશ, 111ને કરાયા ડિપોર્ટ

By GS Team
23 Sep 20262 mins read
TukuTouch Logo
કેનેડામાં લોરેન્સ બિશ્નોઈ ગેંગ પર મોટી કાર્યવાહી થઈ છે. સુરક્ષા એજન્સીઓએ 200 સભ્યોને દેશ છોડવાનો આદેશ આપ્યો, જેમાં 111 લોકો ડિપોર્ટ થયા. 25 વર્ષીય ભારતીય વિદ્યાર્થી જશનદીપ સિંહ પણ ડિપોર્ટ થયો, જેના તાર બિશ્નોઈ ગેંગ સાથે જોડાયેલા હોવાનો આરોપ છે. એક વાયરલ વીડિયોમાં તે બિશ્નોઈ ગેંગના અર્શદીપ સિંહ સાથે બર્થડે પાર્ટીમાં હવામાં 5 ગોળીઓ ચલાવતો જોવા મળ્યો હતો.

Summarized by AI; it may make mistakes. Check important info

કેનેડામાં લોરેન્સ બિશ્નોઈ ગેંગ પર મોટી કાર્યવાહી,  200 સાગરિતોને દેશ છોડવાનો આદેશ, 111ને કરાયા ડિપોર્ટ

Canada Crackdown Lawrence Bishnoi Gang: કેનેડામાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ ગેંગ પર મોટી કાર્યવાહી કરવામાં આવી છે. કેનેડાની સુરક્ષા એજન્સીઓએ ગેંગના 200 સભ્યોને દેશ છોડવાનો હુકમ કર્યો છે, જેમાંથી લગભગ 111 લોકોને ડિપોર્ટ પણ કરી દેવાયા છે. કેનેડિયન બોર્ડર સર્વિસીસ એજન્સીના સૂત્રો અને સ્થાનિક મીડિયા રિપોર્ટ્સ અનુસાર, લોરેન્સ બિશ્નોઈ ગ્ર્રૂપ હવે તેમની પ્રાથમિક ટાર્ગેટ યાદીમાં સામેલ છે. આ આકરી કાર્યવાહી વચ્ચે 25 વર્ષીય જશનદીપ સિંહનો મામલો પણ સામે આવ્યો છે. જશનદીપ સિંહ ભારતીય નાગરિક છે, અને ડિસેમ્બર 2022માં પોતાને વિદ્યાર્થી ગણાવીને કેનેડા પહોંચ્યો હતો. કેનેડાના ઈમિગ્રેશન ઍન્ડ રિફ્યુજી બોર્ડે જુલાઈમાં તેને દેશમાં રહેવા માટે અયોગ્ય ઠેરવ્યો અને બહાર કાઢવાનો આદેશ આપ્યો. પોલીસનો આરોપ છે કે, તેના તાર લોરેન્સ બિશ્નોઈના આંતરરાષ્ટ્રીય ક્રાઇમ નેટવર્ક સાથે જોડાયેલા હતા.

વાયરલ થયેલો વીડિયો બન્યો કારણ

જશનદીપ સિંહ સામે કાર્યવાહીનું મુખ્ય કારણ સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો એક વીડિયો બન્યો છે. આ વીડિયો ઑગસ્ટ 2025માં એડમન્ટનમાં યોજાયેલી એક બર્થડે પાર્ટીનો હોવાનું કહેવાય છે. આ પાર્ટીમાં બિશ્નોઈ ગેંગ સાથે જોડાયેલો અર્શદીપ સિંહ પણ હાજર હતો. અર્શદીપ સિંહને બિશ્નોઈ ગેંગનો મિડલ મેનેજર ગણાવવામાં આવ્યો છે, અને તેને 2026માં કેનેડાથી ડિપોર્ટ કરી દેવામાં આવ્યો છે.

હવામાં ચલાવી પાંચ ગોળીઓ

વીડિયોમાં પાર્ટી દરમિયાન પિસ્તોલ લોકો વચ્ચે ફરતી જોવા મળે છે. ત્યારબાદ આખું ગ્રૂપ એક ગ્રામીણ વિસ્તારમાં જાય છે. રિપોર્ટ મુજબ, વીડિયોમાં અર્શદીપ સિંહ કથિત રીતે પિસ્તોલથી હવામાં ઓછામાં ઓછી પાંચ ગોળીઓ ચલાવતો દેખાય છે. કારની બોનેટ પર બર્થડે કેક મૂકેલી પણ નજરે પડે છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યા બાદ પોલીસે તપાસ શરૂ કરી હતી, અને ઘટનાસ્થળેથી વપરાયેલા કારતૂસના ખાલી ખોખા મળી આવ્યા હતા.

વીડિયો અંગે અલગ-અલગ દલીલો

તપાસ આગળ વધતાં આ હથિયારને બ્રિટિશ કોલંબિયાના સરે સ્થિત એક કેફે પર થયેલા ફાયરિંગ સાથે જોડીને જોવામાં આવ્યું. આ ફાયરિંગ કેનેડાના લોઅર મેનલૅન્ડ વિસ્તારમાં ચાલી રહેલી ખંડણી (એક્સ્ટોર્શન) રેકેટની તપાસનો એક ભાગ હતું. આ કેસમાં જશનદીપ સિંહ પણ પોલીસના રડાર પર આવી ગયો. ઇમિગ્રેશન સુનાવણી દરમિયાન તેણે બિશ્નોઈ ગેંગ સાથે કોઈ પણ સંબંધ હોવાનો ઇન્કાર કર્યો હતો, અને હથિયારવાળા વીડિયોને લઈને અલગ-અલગ દલીલો આપી હતી.

રિપોર્ટ મુજબ, ઇમિગ્રેશન બોર્ડે તેના નિવેદનોમાં ભારે વિરોધાભાસ જોયો અને તેના દાવાને વિશ્વાસપાત્ર ન માન્યો. આ કાર્યવાહી બાદ કેનેડામાં બિશ્નોઈ ગેંગના નેટવર્કને લઈને સુરક્ષા એજન્સીઓની ચિંતા પણ ઉજાગર થઈ છે.

કેનેડા પર કબજાનો દાવો

બિશ્નોઈ ગેંગ સાથે જોડાયેલા લોકો પર આતંક, ખંડણી, ડ્રગ્સ અને કોન્ટ્રાક્ટ કિલિંગ જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સામેલ હોવાના ગંભીર આરોપો છે. આ દરમિયાન સપ્ટેમ્બર 2026માં ગેંગ તરફથી કથિત રીતે સામે આવેલો એક પત્ર પણ ચર્ચામાં રહ્યો હતો. આ પત્રમાં ગેંગે કેનેડામાં પોતાના 5,000 શૂટર્સ હોવાનો દાવો કર્યો હતો, અને ધમકી આપી હતી કે, તે ટૂંક સમયમાં જ દેશ પર કબજો કરી લેશે.