Greece Boat Accident News : ગ્રીસના એજિયન સાગરમાં એક અત્યંત કરુણ દુર્ઘટના સર્જાઈ છે, જેમાં ગ્રીક કોસ્ટ ગાર્ડના જહાજ અને સ્થળાંતર કરનારાઓની (Migrants) બોટ વચ્ચે થયેલી જોરદાર ટક્કરમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. ગ્રીસના એજિયન સાગરમાં આવેલા ચિઓસ (Chios) ટાપુ પાસે મંગળવારે એક મોટી દુર્ઘટના ઘટી હતી. તૂર્કિયેના કિનારેથી શરણાર્થીઓને લઈને આવી રહેલી એક નાની બોટ અને ગ્રીક કોસ્ટ ગાર્ડના પેટ્રોલિંગ જહાજ વચ્ચે થયેલી અથડામણમાં ઓછામાં ઓછા 14 પ્રવાસીઓના મોત થયા છે. આ ઘટના બાદ દરિયામાં મોટા પાયે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.
કેવી રીતે સર્જાઈ દુર્ઘટના?
કોસ્ટ ગાર્ડના અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ ઘટના ત્યારે બની જ્યારે તેમણે ચિઓસ ટાપુ તરફ આગળ વધી રહેલી એક શંકાસ્પદ બોટને જોઈ અને તેને પાછા ફરવાની સૂચના આપી હતી. અધિકારીઓનો દાવો છે કે માનવ તસ્કરોએ જાણીજોઈને બોટને કોસ્ટ ગાર્ડના જહાજ તરફ વાળી દીધી હતી, જેના કારણે આ ભીષણ ટક્કર થઈ હતી. જોકે, ટક્કર પાછળનું વાસ્તવિક કારણ શું હતું તેની સ્વતંત્ર રીતે પુષ્ટિ થવાની બાકી છે.
બચાવ કામગીરી અને જાનહાનિ
અત્યાર સુધીમાં દરિયામાંથી 24 પ્રવાસીઓને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. આ અકસ્માતમાં કોસ્ટ ગાર્ડના બે અધિકારીઓ પણ ઘાયલ થયા છે, જેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બોટમાં સવાર શરણાર્થીઓ કયા દેશના નાગરિક છે તેની ઓળખ હજુ સુધી થઈ શકી નથી.
લાપતા લોકોની શોધખોળ ચાલુ
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, નાની બોટમાં આશરે 30 થી 35 લોકો સવાર હતા. હાલમાં લાપતા લોકોની શોધ માટે વ્યાપક સર્ચ અને રેસ્ક્યુ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. આ કામગીરીમાં કોસ્ટ ગાર્ડના જહાજોની સાથે ખાનગી નૌકાઓ અને વ્યાવસાયિક ગોતાખોરોની મદદ લેવામાં આવી રહી છે.


