World

રૂ. 87 કરોડના ખર્ચે બનેલી લક્ઝરિયસ યૉટ ડિલિવરીના ચાર દિવસમાં ડૂબી ગઈ !

By GS Team
15 Aug 20262 mins read
TukuTouch Logo
ઇટાલીના સાર્દિનિયા ટાપુ નજીક 87 કરોડની 98 ફૂટ લાંબી લક્ઝરી યૉટ 'એન્જિલા-2' એન્જિન ફેઈલ થતાં સળગી ઉઠી હતી. ડિલિવરીના 4 દિવસમાં જ યૉટ દરિયામાં ગરકાવ થઈ ગઈ હતી. યૉટમાં પાર્ટી કરી રહેલા માલિક સહિત 14 લોકોને કોસ્ટ ગાર્ડ અને અન્ય બોટ દ્વારા સુરક્ષિત બચાવી લેવાયા હતા. ઘટનાની તપાસ શરૂ કરાઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

રૂ. 87 કરોડના ખર્ચે બનેલી લક્ઝરિયસ યૉટ ડિલિવરીના ચાર દિવસમાં ડૂબી ગઈ !
  • એન્જિન ફેઈલ થતાં યૉટમાં આગ ફાટી નીકળી
  • ઈટાલીના સાર્દિનિયા ટાપુ પાસે ૧૪ લોકો યૉટમાં પાર્ટી કરી રહ્યા હતા ત્યારે રંગમાં ભંગ પડયો : માલિક સહિત તમામને રેસ્ક્યૂ કરાયા
    રોમ : ભારતમાં કરોડોના ખર્ચે બનેલા રોડમાં ગણતરીના દિવસોમાં ગાબડાં પડી જતા હોય છે. દેશના કેટલાય રોડ પહેલા વરસાદમાં જ ધોવાઈ જતા હોય છે. એ પછી જેવી લાગણી ભારતના નાગરિકોને થાય છે એવી જ લાગણી ઈટાલીના એક યૉટના માલિકને થઈ રહી છે. કરોડો ખર્ચીને બનાવેલી યૉટ માલિક પાસે માત્ર ચાર દિવસ રહી. ચોથા દિવસે દરિયામાં ડૂબી ગઈ.
    ૯.૧ લાખ ડાલર યાને અંદાજે ૮૭ કરોડ રૂપિયાની કિંમતની ૯૮ ફૂટ લાંબી આલીશાન લક્ઝરી યાચ એન્જિલા-૨ તેના નવા માલિકને ડિલિવરી મળ્યાના માત્ર ચાર જ દિવસમાં દરિયામાં ડૂબી ગઈ હતી. પોર્ટો સેર્વોના દરિયાકાંઠે સફર દરમિયાન યૉચના એન્જિનમાં ટેકનિકલ ખામી સર્જાતા આગ ફાટી નીકળી હતી. આગ પર કાબૂ મેળવાય તે પહેલાં જ જહાજની છતને ભારે નુકસાન પહોંચ્યું હતું, જેના કારણે તેમાં ઝડપથી દરિયાનું પાણી ભરાવા લાગ્યું હતું. થોડી જ વારમાં આ વિશાળ યૉટ એક તરફ નમી ગઈ હતી અને ધીમે-ધીમે ભૂમધ્ય સમુદ્રમાં આશરે ૨૩ ફૂટ ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી. આ યૉટ ડૂબી રહી હતી તેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
    યૉટમાં ક્રૂ મેમ્બર્સ સહિત કુલ ૧૪ લોકો સવાર હતા. યૉટમાં પાર્ટી ચાલી રહી હતી તે દરમિયાન અચાનક એન્જિનમાં ધડાકો થતાં રંગમાં ભંગ પડયો હતો. યૉટ ડૂબવા લાગતા આસપાસમાંથી પસાર થઈ રહેલી અન્ય બોટ અને કોસ્ટ ગાર્ડની ટીમે તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી તમામ ૧૪ લોકોને સુરક્ષિત બહાર કાઢયા હતા. એક ઈટાલિયન ઉદ્યોગપતિ યૉટના માલિક છે. એ પણ આ દુર્ઘટના વખતે યૉટમાં હાજર હતા. ઓથોરિટીએ આ ઘટનામાં ગેરરીતિ થયાની શક્યતા હોવાથી તપાસ હાથ ધરી છે.