Get The App

LIVE: ઈરાને અઝરબૈઝાન પર કર્યા ડ્રોન હુમલા, યુદ્ધમાં ઓસ્ટ્રેલિયાની પણ એન્ટ્રી, દોહામાં ધડાકા

Updated: Mar 5th, 2026

GS TEAM

Google News
Google News
LIVE: ઈરાને અઝરબૈઝાન પર કર્યા ડ્રોન હુમલા, યુદ્ધમાં ઓસ્ટ્રેલિયાની પણ એન્ટ્રી, દોહામાં ધડાકા 1 - image

Image : Twitter

 (X)


Iran War Live News: ઈરાન અને અમેરિકા-ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલું યુદ્ધ હવે વિનાશક વળાંક પર પહોંચ્યું છે. છેલ્લા પાંચ દિવસમાં 1100થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે અને સંઘર્ષની આગ હવે હિંદ મહાસાગર સુધી ફેલાઈ ગઈ છે.

Iran War Live Updates 

ઈરાને અઝરબૈઝાન પર કર્યા ડ્રોન હુમલા, એરપોર્ટને બનાવ્યું નિશાન, દોહા પણ ધડાકા સંભળાયા 

ઈરાનના યુદ્ધનો દાયરો વધતો જ જઇ રહ્યો છે. ઈરાને હવે અઝરબૈઝાન પર ડ્રોન્સ વડે એટેક કર્યો છે. રિપોર્ટ અનુસાર અઝરબૈઝાનમાં નખચિવન એરપોર્ટ પર ડ્રોન્સ વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં સામાન્ય નાગરિકો પણ ઈજાગ્રસ્ત થયાના અહેવાલ છે. જ્યારે બીજી બાજુ કતારની રાજધાની દોહામાં પણ મોટા ધડાકાના અવાજ સંભળાયા હતા. અહીં પણ ડ્રોન અને મિસાઈલ દ્વારા એટેકની માહિતી સામે આવી રહી છે. 

મિડલ ઈસ્ટ જંગમાં ઓસ્ટ્રેલિયાની એન્ટ્રી

મિડલ ઈસ્ટ(પશ્ચિમ એશિયા)માં ચાલી રહેલા ભીષણ યુદ્ધમાં હવે ઓસ્ટ્રેલિયા પણ સક્રિય થયું છે. ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બાનિસે જાહેરાત કરી છે કે તેમનો દેશ મધ્ય પૂર્વમાં સૈન્ય સંસાધનો મોકલી રહ્યો છે. ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બાનિસે સત્તાવાર રીતે જાહેર કર્યું છે કે ઓસ્ટ્રેલિયન "સૈન્ય મિલકતો" (Military Assets) મધ્ય પૂર્વ તરફ રવાના થઈ રહી છે. જોકે, સુરક્ષાના કારણોસર તેમણે કયા પ્રકારના હથિયારો કે સંસાધનો મોકલવામાં આવ્યા છે તેની વિગતવાર માહિતી આપી નથી. તેમણે આ પગલાને 'કન્ટીન્જન્સી પ્લાન' (કટોકટીની સ્થિતિ માટેની તૈયારી) ગણાવ્યો છે.

બે સૈન્ય વિમાનો તૈનાત

ઓસ્ટ્રેલિયન બ્રોડકાસ્ટર SBS ન્યૂઝના અહેવાલ મુજબ, ઓસ્ટ્રેલિયા દ્વારા બે સૈન્ય વિમાનો તૈનાત કરવામાં આવ્યા છે. આ વિમાનોનો ઉપયોગ સંભવિત રીતે નાગરિકોને બહાર કાઢવા અથવા સૈન્ય મદદ પૂરી પાડવા માટે થઈ શકે છે. અમેરિકા, ઈઝરાયલ અને ઈરાન વચ્ચેના યુદ્ધમાં હવે ઓસ્ટ્રેલિયા જેવો મોટો દેશ જોડાતા વૈશ્વિક સ્તરે આ સંઘર્ષ વધુ વ્યાપક બનવાની આશંકા સેવાઈ રહી છે. ઓસ્ટ્રેલિયાના આ પગલાથી પ્રાદેશિક સુરક્ષા સમીકરણો પર મોટી અસર પડી શકે છે.

હિરોશિમા પર ફેંકાયેલા બોમ્બ કરતાં 20 ગણી વધુ શક્તિશાળી

મધ્ય પૂર્વમાં ભીષણ જંગ ચાલુ છે ત્યારે અમેરિકાએ પોતાની સૈન્ય તાકાતનું પ્રદર્શન કરતા 'મિનટમેન-III' નામની ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલ(ICBM)નું સફળ પરીક્ષણ કર્યું છે. આ મિસાઇલ પરમાણુ હુમલો કરવા સક્ષમ છે અને હિરોશિમા પર ફેંકાયેલા બોમ્બ કરતાં 20 ગણી વધુ શક્તિશાળી છે. કેલિફોર્નિયાથી કરાયેલું આ પરીક્ષણ ઈરાન માટે સીધી ચેતવણી માનવામાં આવે છે.

લેબેનોનમાં પેલેસ્ટાઇનીઓના શરણાર્થી કેમ્પ પર ઈઝરાયલનો હુમલો, 2ના મોત 

લેબેનોનના હેલ્થ મિનિસ્ટ્રીના અહેવાલ અનુસાર ઈઝરાયલી સૈન્યએ ત્રિપોલીના તટીય વિસ્તારમાં પેલેસ્ટાઇનીઓના શરણાર્થી કેમ્પની ઇમારતને નિશાન બનાવી હતી. જેમાં બે લોકોએ જીવ ગુમાવ્યા. કોઈપણ પ્રકારની ચેતવણી આપ્યા વગર આ હુમલો કરવામાં આવ્યો હતો. 

હિંદ મહાસાગરમાં ઈરાની જહાજ પર ટોર્પિડો હુમલો

અમેરિકી સંરક્ષણ સચિવ પીટ હેગસેથે મોટો ખુલાસો કરતાં જણાવ્યું કે, શ્રીલંકા પાસે હિંદ મહાસાગરમાં એક અમેરિકન સબમરીને ઈરાનના જંગી જહાજને ટોર્પિડો મારીને ડૂબાડી દીધું છે. આ જહાજ પર 140 સૈનિકો સવાર હતા, જેમાંથી 80ના મોતની પુષ્ટિ થઈ છે. પેન્ટાગોને આ હુમલાનો ભયાનક વીડિયો પણ જારી કર્યો છે. હેગસેથે ચેતવણી આપી છે કે આ તો માત્ર શરૂઆત છે.

ઈઝરાયેલનો ઈરાન પર 'બોમ્બમારો' અને લેબેનૉનમાં ઘૂસણખોરી

ઈઝરાયેલની સેનાએ અત્યાર સુધીમાં ઈરાનના સૈન્ય ઠેકાણાઓ પર 5000થી વધુ ઘાતક બોમ્બ વરસાવ્યા છે, જેમાં રાજધાની તેહરાન મુખ્ય નિશાન છે. બીજી તરફ, ઈઝરાયેલી સૈનિકો લેબેનૉનની સરહદમાં ઘૂસી ગયા છે અને ત્યાં જમીની ઓપરેશન (Ground Operation) શરૂ કર્યું છે. યુએન શાંતિ સેનાએ પણ લેબેનૉની ગામોમાં ઈઝરાયેલી સૈનિકોની હાજરીની પુષ્ટિ કરી છે.

ઈરાનમાં હાહાકાર અને ઇન્ટરનેટ પર પ્રતિબંધ

ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેજેશ્કિયનએ પાડોશી દેશોને જણાવ્યું છે કે હવે તેમની પાસે અમેરિકા અને ઈઝરાયેલના હુમલાનો કડક જવાબ આપવા સિવાય કોઈ વિકલ્પ બચ્યો નથી. ઈરાને પણ વળતો પ્રહાર કરતાં ઈઝરાયેલ પર અનેક મિસાઇલો દાગી છે. યુદ્ધની ગંભીરતાને જોતાં સમગ્ર ઈરાનમાં ઇન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે. ઈરાની મીડિયા મુજબ, પાંચ દિવસમાં દેશમાં 1000થી વધુ નાગરિકો માર્યા ગયા છે, જેમાં એક સ્કૂલ પર થયેલા હુમલામાં 168 બાળકોનો પણ સમાવેશ થાય છે.

વૈશ્વિક પ્રતિક્રિયા અને સુરક્ષા વ્યવસ્થા

નાટો(NATO)ના એર ડિફેન્સ સિસ્ટમે તુર્કી તરફ આવતી એક ઈરાની બેલિસ્ટિક મિસાઇલને હવામાં જ તોડી પાડી છે. યુદ્ધની ગંભીરતા જોઈને ભારત સહિત અનેક દેશોએ મધ્ય પૂર્વમાંથી પોતાના નાગરિકોને બહાર કાઢવાની પ્રક્રિયા તેજ કરી દીધી છે. અમેરિકાએ ત્રણ દેશોમાં પોતાના દૂતાવાસ બંધ કરી દીધા છે. દરમિયાન, ચીને પણ બદલાતી વૈશ્વિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પોતાના સંરક્ષણ બજેટમાં 7%નો વધારો કરવાની જાહેરાત કરી છે.