World

પાકિસ્તાનમાં આતંકીઓનો સફાયો! લશ્કરના આકાનો આરોપ- 'અજ્ઞાત' હુમલાખોરોએ 30થી વધુ આતંકીઓ ઢાળી દીધા

By GS Team
4 Aug 20262 mins read
TukuTouch Logo
લશ્કર-એ-તૈયબાના ઓપરેટિવ રિઝવાન હનીફે જાહેરમાં કબૂલ્યું છે કે પાકિસ્તાનમાં 3-4 વર્ષમાં 30થી વધુ આતંકવાદીઓ અજાણ્યા હુમલાખોરો દ્વારા માર્યા ગયા છે. પેશાવર, કરાચી, રાવલપિંડી જેવા શહેરોમાં ભારતીય ગુપ્તચર એજન્સીઓ દ્વારા આ સફાયો કરાયો હોવાનો દાવો તેણે કર્યો. જોકે આ મુદ્દે અગાઉ પણ ભારતે આવા તમામ આરોપો ફગાવ્યાં હતા.

Summarized by AI; it may make mistakes. Check important info

પાકિસ્તાનમાં આતંકીઓનો સફાયો! લશ્કરના આકાનો આરોપ- 'અજ્ઞાત' હુમલાખોરોએ 30થી વધુ આતંકીઓ ઢાળી દીધા

LeT Operative Admits Over 30 Terrorists Killed in Pak by Unknown Gunmen : પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા સાથે જોડાયેલા એક ઓપરેટિવે જાહેર સભામાં દાવો કર્યો છે કે છેલ્લા 3થી 4 વર્ષમાં પાકિસ્તાનના અલગ-અલગ શહેરોમાં તેમના 30 થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા એક વીડિયોમાં લશ્કરના ઓપરેટિવ રિઝવાન હનીફે દાવો કર્યો છે કે ભારતીય ગુપ્તચર એજન્સીઓએ "અજ્ઞાત હુમલાખોર મોડેલ" દ્વારા પાકિસ્તાનમાં ઘૂસીને આતંકીઓનો સફાયો કર્યો છે.

પાકિસ્તાનના આ શહેરોમાં આતંકીઓ બન્યા નિશાન

રિઝવાન હનીફે પોતાના સંબોધનમાં દાવો કર્યો છે કે લશ્કરના ઓપરેટિવ્સને પાકિસ્તાનના અનેક મુખ્ય શહેરોમાં નિશાન બનાવવામાં આવ્યા છે. જેમાં પેશાવર, કરાચી, રાવલપિંડી, મુઝફ્ફરાબાદ અને રાવલાકોટ જેવા વિસ્તારો સામેલ છે.

છેલ્લા 3 થી 4 વર્ષમાં ભારતીય ગુપ્તચર એજન્સીઓના એજન્ટો દ્વારા અમારા 30 થી વધુ લોકોને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા છે.

રિઝવાન હનીફ (લશ્કર-એ-તૈયબા ઓપરેટિવ)

તેણે વધુમાં ઉમેર્યું હતું કે આ સતત થઈ રહેલા હુમલાઓને કારણે PoKમાં પણ તેના આતંકવાદીઓ શાંતિથી રહી શકતા નથી.

પાકિસ્તાનમાં 'અજ્ઞાત હુમલાખોરો'નો વધતો ખોફ; ભારતે અગાઉ ફગાવ્યાં હતા આરોપ

છેલ્લા કેટલાક વર્ષોથી પાકિસ્તાનની ધરતી પર ભારત વિરોધી આતંકવાદી પ્રવૃત્તિઓમાં સામેલ આતંકીઓની અજાણ્યા બંદૂકધારીઓ દ્વારા હત્યા કરવામાં આવી રહી છે. આ ઘટનાઓને કારણે પાકિસ્તાન સરકારે અગાઉ પણ ભારત પર આરોપો લગાવ્યા હતા, જેને નવી દિલ્હીએ હંમેશાં સ્પષ્ટપણે ફગાવી દીધા છે. પરંતુ લશ્કરના ટોચના ઓપરેટિવ દ્વારા આટલી મોટી સંખ્યામાં આતંકીઓના મોતની આ પ્રથમ વખત જાહેર કબૂલાત કરવામાં આવી છે.

નફરતભર્યું ભાષણ અને ભડકાઉ નિવેદનો

પોતાના સંબોધન દરમિયાન રિઝવાન હનીફે અન્ય ધર્મો અને તેમના અનુયાયીઓ સામે ભારે ઝેર ઓક્યું હતું. તેણે આતંકવાદીઓના મોતોને ધર્મ સાથે જોડવાનો પ્રયાસ કરતા દાવો કર્યો હતો કે તેમના લોકોનો "એકમાત્ર ગુનો" તેમનો ધાર્મિક વિશ્વાસ હતો. ભાષણના અંતે તેણે અમેરિકા અને ઇઝરાયેલનો ઉલ્લેખ કરીને ધાર્મિક કટ્ટરતા દર્શાવતા નિવેદનો આપ્યા હતા.

કેવી રીતે અસ્તિત્વમાં આવ્યું લશ્કર-એ-તૈયબા?

લશ્કર-એ-તૈયબાની સ્થાપના 1980ના દાયકાના અંતમાં પાકિસ્તાનમાં હાફિઝ મોહમ્મદ સઇદ, ઝફર ઇકબાલ અને અબ્દુલ્લા અઝામ દ્વારા કરવામાં આવી હતી. શરૂઆતમાં સોવિયેત-અફઘાન યુદ્ધ દરમિયાન આ સંગઠન 'મારકાઝ-ઉદ-દાવા-વલ-ઇરશાદ'ની સશસ્ત્ર પાંખ તરીકે કામ કરતું હતું. સોવિયેત સેનાના પાછા હટ્યા પછી, આ સંગઠને પોતાનું ધ્યાન ભારતના જમ્મુ અને કાશ્મીર તરફ કેન્દ્રિત કર્યું હતું.

ભારત, અમેરિકા, સંયુક્ત રાષ્ટ્ર (UN) અને વિશ્વના ઘણા દેશોએ લશ્કર-એ-તૈયબાને આતંકવાદી સંગઠન જાહેર કરેલું છે. ભારત અને પશ્ચિમી દેશો સતત આક્ષેપ કરતા આવ્યા છે કે આ આતંકી સંગઠનને પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISI તરફથી તમામ પ્રકારનો ટેકો મળે છે.