Get The App

ભારત-અમેરિકાના સંબંધોમાં નવો વળાંક! ટ્રેડ ડીલ મુદ્દે 20 એપ્રિલથી વોશિંગ્ટનમાં હાઈ-લેવલ બેઠક

Updated: Apr 19th, 2026

GS TEAM

Google News
Google News
ભારત-અમેરિકાના સંબંધોમાં નવો વળાંક! ટ્રેડ ડીલ મુદ્દે 20 એપ્રિલથી વોશિંગ્ટનમાં હાઈ-લેવલ બેઠક 1 - image

India US Trade Deal: ભારત અને અમેરિકા વચ્ચેની ટ્રેડ ડીલને લઈને મોટું અપડેટ સામે આવ્યું છે. 20 એપ્રિલથી વોશિંગ્ટનમાં ત્રણ દિવસ સુધી મહત્વની વાતચીત થવા જઈ રહી છે, જેથી ભારત અને અમેરિકા બંને દેશોમાં સારા સમાચારની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. ભારત તરફથી અંદાજે એક ડઝન અધિકારીઓની ટીમ અમેરિકા પહોંચી રહી છે. ટીમનું નેતૃત્વ વાણિજ્ય વિભાગના અધિક સચિવ દર્પણ જૈન કરી રહ્યા છે. બદલાતા ટેરિફ નિયમો વચ્ચે બંને દેશો નવી શરતો પર સંમતિ બનાવવાનો પ્રયાસ કરશે. આ ડીલ પર અબજો ડોલરનો વેપાર દાવ પર લાગ્યો છે. હવે સૌની નજર આ મહાબેઠકના પરિણામો પર ટકેલી છે.

ટેરિફના કારણે ભારત અમેરિકા ટ્રેડ ડીલ પર અસર

અમેરિકામાં ટેરિફને લઈને બદલાયેલા નિયમોએ જૂના ટ્રેડ સમીકરણો બગાડી દીધા છે. રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લગાવવામાં આવેલા ભારે ટેરિફને અમેરિકન સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા હતા, ત્યારબાદ અમેરિકન વહીવટીતંત્રે 24 ફેબ્રુઆરીથી તમામ દેશો પર 150 દિવસ માટે 10 ટકા સમાન ટેરિફ લગાવી દીધો છે. આ નવા નિયમને કારણે ભારત અને અમેરિકાએ તેમના જૂના કરારના મુસદ્દાને ફરીથી ઉકેલવાની ફરજ પડી રહી છે.

ભારત પર કેવી અસર?

જૂના માળખા હેઠળ, અમેરિકા ભારતીય સામાન પર ટેરિફ 50 ટકાથી ઘટાડીને 18 ટકા કરવા સંમત થયું હતું. પરંતુ હવે 10 ટકાના નવા નિયમ પછી ભારતનો તે 'ખાસ ફાયદો' ખતમ થતો જણાય છે જે તેને અન્ય દેશોની સરખામણીમાં મળવાનો હતો. આ જ કારણ છે કે અધિકારીઓ હવે કરારને 'રીકેલિબ્રેટ' એટલે કે નવેસરથી તૈયાર કરવા પર ચર્ચા કરશે.

ચીને અમેરિકાનું રાજ ઓછું કર્યું

આ વાતચીત એવા સમયે થઈ રહી છે જ્યારે વર્ષ 2025-26માં ચીને અમેરિકાને પછાડીને ભારતનું સૌથી મોટું ટ્રેડિંગ પાર્ટનર હોવાનું બિરુદ ફરીથી મેળવી લીધું છે. છેલ્લા ચાર વર્ષ (2021-22 થી 2024-25) સુધી અમેરિકા આ યાદીમાં ટોચ પર હતું. ભારત અને ચીન વચ્ચેનો કુલ વેપાર 151.1 અબજ ડોલર સુધી પહોંચી ગયો છે. ગયા નાણાકીય વર્ષમાં અમેરિકા સાથે ભારતની ટ્રેડ સરપ્લસ પણ ઘટીને 34.4 અબજ ડોલર રહી ગઈ છે.

આ પણ વાંચો: BIG NEWS: ટ્રમ્પની મોટી જાહેરાત: આવતીકાલે પાકિસ્તાનમાં ઈરાન સાથે અમેરિકન ડેલિગેશનની બીજા રાઉન્ડની બેઠક

વિમાન અને ટેકનોલોજી ખરીદવાનો સંકેત

આ બેઠકમાં ભારત તે આરોપોને પણ મજબૂતીથી નકારી કાઢશે જે અમેરિકાએ તેની 'સેક્શન 301' તપાસ હેઠળ ભારત પર લગાવ્યા છે. ભારત અગાઉથી જ અમેરિકા પાસેથી 500 અબજ ડોલરના ઊર્જા ઉત્પાદનો, વિમાન અને ટેકનોલોજી ખરીદવાનો સંકેત આપી ચૂક્યું છે, જેના બદલામાં કૃષિ અને ઔદ્યોગિક સામાન માટે સારી બજાર ઈચ્છી રહ્યું છે.