| Photo X |
Bilal Arif Salafi : પાકિસ્તાનના મુરીદકેથી ભારત માટે સારા તો પાકિસ્તાન માટે લપડાક સમાન સમાચાર સામે આવ્યા છે. લશ્કર-એ-તૈયબા જે મરકઝ તૈયબાને પોતાનો સૌથી સુરક્ષિત કિલ્લો માનતું હતું, તેની અંદર ઘૂસીને જ કોઈ હુમલાખોરે ખૂંખાર કમાન્ડર બિલાલ આરીફ સલાફીની હત્યા કરી દીધી છે. જ્યાં આતંકી આકા હાફિઝ સઈદ અને તેના સાગરીતો મોજ કરે છે, તે જ સેન્ટરમાં ઈદની નમાઝ બાદ બિલાલને પતાવી દેવામાં આવ્યો છે. આ ઘટનાથી પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISI અને આતંકી સંગઠનો આઘાતમાં છે.
નમાઝ પૂરી થઈ અને આતંકીનો ખેલ ખતમ
મરકઝ તૈયબા લશ્કરનું એવું હેડક્વાર્ટર છે જ્યાં કોઇનું પણ પહોંચવું લગભગ અશક્ય છે. આ બિલ્ડિંગમાં બહારની કોઈ વ્યક્તિનું ઘૂસવું લગભગ અશક્ય માનવામાં આવે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, હુમલાખોર કદાચ નમાઝ વખતે અંદર જ હાજર હતો. જેવી નમાઝ પૂરી થઈ કે, તરત જ હુમલાખોરે બિલાલ આરીફ સલાફીને ઘેરી લીધો હતો. હુમલાખોરે પહેલા ગોળીઓ ચલાવી અને ત્યારબાદ તે મરી ગયો છે તેની ખાતરી કરવા માટે ચાકુના ઘા પણ ઝીંક્યા હતા. આ કામ પતાવ્યા બાદ હુમલાખોર રહસ્યમય રીતે ગાયબ થઈ ગયો હતો.
આ પણ વાંચો : હોર્મુઝમાં હવે આરપારની જંગ! ટ્રમ્પના અલ્ટિમેટમ બાદ હવે G7 દેશોની ઈરાનને છેલ્લી ચેતવણી
કોણ હતો બિલાલ આરીફ સલાફી?
બિલાલ લશ્કર-એ-તૈયબાનો એવો ચહેરો હતો જે પડદા પાછળ રહીને ભારત વિરુદ્ધ ઝેર ઓકતો હતો. તે નવા આતંકીઓને ફિદાયીન હુમલા અને હથિયારોની તાલીમ આપવાનો માસ્ટરમાઈન્ડ હતો. તેને હાફિઝ સઈદનો રાઈટ હેન્ડ માનવામાં આવતો હતો. કાશ્મીરથી લઈને દિલ્હી સુધી અશાંતિ ફેલાવવાના અનેક ઓપરેશન પાછળ બિલાલનું જ ભેજું ચાલતું હોવાનું મનાય છે.
પાકિસ્તાનમાં કોણ ચલાવી રહ્યું છે આતંકીઓનું સફાઈ અભિયાન?
પાકિસ્તાનમાં છેલ્લા કેટલાક મહિનાઓથી એક અજીબોગરીબ સફાઈ અભિયાન ચાલી રહ્યું છે. લશ્કર, જૈશ અને હિઝબુલના મોટા-મોટા કમાન્ડરો એક પછી એક ઠાર મરાઈ રહ્યા છે. બિલાલની હત્યાએ આતંકી કેમ્પોમાં ફાળ પાડી દીધી છે કે, હવે તેમના પોતાના ઘરમાં જ કોઈ વિભીષણ બેઠું છે અથવા તો અજાણ્યા હુમલાખોરો તેમના બેડરૂમ સુધી પહોંચી ગયા છે. મુરીદકે પોલીસ અને ISI હજુ સુધી એ સમજી શક્યા નથી કે આ હુમલાખોરો ક્યાંથી આવે છે અને આટલી સફાઈથી કામ તમામ કરીને કેવી રીતે નીકળી જાય છે.


