લાઓસ ગુફા દુર્ઘટના: સોનાની લાલચમાં મોતની સફર! 9 દિવસથી ગુફામાં ફસાયા 7 ગ્રામીણો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

| (IMAGE - x.com/prdthailand) |
Laos cave Rescue Mission: દક્ષિણ-પૂર્વ એશિયાના લાઓસ દેશમાં એક હૃદય કંપાવનારી ઘટના સામે આવી છે. અહીં સાયસોમ્બૂન પ્રાંતમાં સોનાની શોધમાં નીકળેલા 7 લોકો અચાનક પૂર આવવાના કારણે એક ઊંડી અને ખતરનાક ગુફામાં ફસાઈ ગયા છે. ભારે વરસાદના કારણે ગુફામાં પાણી ભરાઈ જતાં બહાર નીકળવાનો રસ્તો બંધ થઈ ગયો હતો અને આ લોકો ગત 20 મેથી અંદર જ કેદ છે. વિદેશી ગોતાખોરોની (ડાઇવર્સ) મદદથી ગુફામાંથી 5 લોકોને જીવતા શોધી કઢાયા છે, પરંતુ બાકીના 2 લોકોની શોધખોળ હજુ પણ ચાલુ છે.
ગુફામાં 5 લોકો જીવતા મળ્યા, પણ બહાર લાવવાનો રસ્તો અત્યંત જોખમી
ગુફામાં જીવતા મળેલા 5 લોકો બહાર નીકળવાના રસ્તાથી આશરે 300 મીટર દૂર એક સાંકડી જગ્યા પર આશરો લઈને બેઠા છે. ત્યાં હવા મળી રહી હોવાથી તેઓ અત્યાર સુધી બચી શક્યા છે, પરંતુ તેમને બહાર કાઢવાનું કામ અત્યંત મુશ્કેલ છે. ગુફામાં જવાનો રસ્તો ખૂબ જ સાંકડો અને ખતરનાક ઢોળાવવાળો છે, જ્યાં બચાવ ટીમે પેટે ઘસડાઈને આગળ વધવું પડે છે. કેટલીક જગ્યાએ તો રસ્તો માત્ર 60 સેન્ટીમીટર જેટલો જ પહોળો છે અને અંદર લપસણા પથ્થરો તેમજ અંદર 4-5 મીટર ઊંડી ખીણ હોવાના કારણે આ રેસ્ક્યુ ઓપરેશન ભારે જોખમી બની ગયું છે.
થાઇલૅન્ડની ગુફામાંથી બાળકોને બચાવનારી એક્સપર્ટ ટીમ મેદાને
આ રેસ્ક્યુ ઓપરેશન કેટલું ગંભીર અને મુશ્કેલ છે, તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય કે આ મિશનમાં વિદેશી એક્સપર્ટ્સ પણ જોડાયા છે. આ ટીમમાં ફિનલૅન્ડના એવા બે અનુભવી ગોતાખોરો (ડાઇવર્સ) સામેલ છે, જેમણે વર્ષ 2018માં થાઈલૅન્ડની પૂરગ્રસ્ત ગુફામાંથી બાળકોની ફૂટબોલ ટીમને આબાદ બચાવી હતી. તેમની સાથે મલેશિયા, જાપાન, ફ્રાન્સ, ઇન્ડોનેશિયા અને થાઇલૅન્ડના નિષ્ણાતો પણ મદદ કરી રહ્યા છે. થાઇલૅન્ડ મિશનનો હિસ્સો રહી ચૂકેલા ડાઇવર મિક્કો પાસીએ આ સ્થળને 'અવાવરુ સોનાની ખાણ' ગણાવીને કહ્યું છે કે બચાવ ટીમ અત્યારે સમય સામે જંગ લડી રહી છે.
ઝેરી ગેસના કારણે બચાવકર્મીઓ બેહોશ થયા
આ મુશ્કેલ ઓપરેશનમાં હવે એક નવી અને ખતરનાક મુસીબત સામે આવી છે. ગુફાની અંદર ચામાચીડિયાની સડી ગયેલી ચરકમાંથી 'હાઇડ્રોજન સલ્ફાઇડ' નામનો ઝેરી અને અત્યંત દુર્ગંધયુક્ત ગેસ નીકળી રહ્યો છે. આ ઝેરી ગેસના કારણે બચાવ ટીમની મુશ્કેલી વધી છે અને કેટલાક સભ્યો તો ગુફાની અંદર જ બેહોશ થઈ ગયા છે. આ સાથે જ, ગુરુવારે થયેલા વરસાદના લીધે ગુફામાં ફરીથી માટી અને પાણી ભરાઈ ગયા છે, જેને પંપ દ્વારા બહાર કાઢવા માટે બચાવ ટીમો સતત મથામણ કરી રહી છે.









