ઈરાન પરમાણુ હથિયાર છોડશે? શાંતિ કરાર માટે ટ્રમ્પની આ 3 શરતો નક્કી કરશે મિડલ ઈસ્ટનું ભવિષ્ય
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Trump Iran Deal Red Lines: અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના પ્રશાસને ઈરાન સાથે કોઈ પણ સંભવિત કરાર માટે ત્રણ કડક અને બિન-વાટાઘાટપાત્ર (non-negotiable) શરતો એટલે કે રેડ લાઈન નક્કી કરી દીધી છે. અમેરિકાના નાણા સચિવ સ્કોટ બેસેન્ટે વ્હાઇટ હાઉસ બ્રીફિંગ દરમિયાન આ અંગે સત્તાવાર જાહેરાત કરી છે.
ઈરાન ડીલ માટે અમેરિકાની 3 રેડ લાઈન
નાણા સચિવ સ્કોટ બેસેન્ટના જણાવ્યા અનુસાર, રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે કેબિનેટ બેઠકમાં પોતાની સ્થિતિ સ્પષ્ટ કરી દીધી છે. ઈરાને જો અમેરિકા સાથે સમજૂતી કરવી હશે તો આ ત્રણ શરતોનું પાલન કરવું જ પડશે.
1. યુરેનિયમ સોંપવું પડશે: ઈરાને પોતાનું અત્યંત સંવર્ધિત યુરેનિયમ સંપૂર્ણપણે સોંપી દેવું પડશે.
2. પરમાણુ હથિયાર પર રોક: ઈરાન ક્યારેય પણ પરમાણુ હથિયાર મેળવવાનો પ્રયાસ નહીં કરી શકે.
3. સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં મુક્ત અવરજવર: સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી દરિયાઈ વાહનોની અવરજવર પહેલાની જેમ સંપૂર્ણપણે મુક્ત અને ખુલ્લી રાખવી પડશે.
સમજૂતીના અહેવાલો પર સસ્પેન્સ અકબંધ
તાજેતરમાં એવા અહેવાલો વહેતા થયા હતા કે બંને દેશો વચ્ચે 60 દિવસના યુદ્ધવિરામ અને પરમાણુ વાટાઘાટો આગળ ધપાવવા માટે એક કામચલાઉ સમજૂતી થઈ ગઈ છે. જોકે, બેસેન્ટે આ અહેવાલોને સત્તાવાર સમર્થન આપવાનો ઇનકાર કર્યો હતો. તેમણે જણાવ્યું કે, બંને પક્ષોની ટીમો વચ્ચે ચર્ચાઓ ચાલી રહી છે, પરંતુ બધી બાબતોનો આધાર રાષ્ટ્રપ્રમુખ શું કરવા ઈચ્છે છે તેના પર છે. રાષ્ટ્રપ્રમુખના નિર્ણય પહેલા કંઈ પણ કહેવું ભૂલભરેલું ગણાશે. તેઓ અમેરિકાના લોકો માટે એક શ્રેષ્ઠ ડીલ કરશે, કોઈ નબળી ડીલ સ્વીકારશે નહીં.
મધ્યસ્થી નિષ્ફળ જશે તો સૈન્ય વિકલ્પ ખુલ્લો
અમેરિકાએ સ્પષ્ટ કર્યું છે કે, જ્યાં સુધી ઈરાન આ શરતો પર સંમત નહીં થાય અને નક્કર પગલાં નહીં ભરે, ત્યાં સુધી તેને પ્રતિબંધોમાંથી કોઈ રાહત આપવામાં આવશે નહીં. બેસેન્ટનો દાવો છે કે ટ્રમ્પ પ્રશાસનની આર્થિક અને સૈન્ય દબાણની નીતિને કારણે જ ઈરાન ફરીથી વાટાઘાટોના ટેબલ પર આવ્યું છે. આ પહેલા આવું ક્યારેય બન્યું નથી. રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ હંમેશા શાંતિ સમજૂતીને પ્રાધાન્ય આપે છે, પરંતુ જો રાજદ્વારી પ્રયાસો નિષ્ફળ જશે તો સૈન્ય વિકલ્પ ફરીથી ટેબલ પર આવી જશે.
ઈરાની નેતૃત્વમાં આંતરિક વિખવાદનો દાવો
અમેરિકાના નાણા સચિવે દાવો કર્યો કે, અમેરિકી દબાણના કારણે ઈરાની નેતૃત્વ ભારે મૂંઝવણમાં છે અને નિર્ણયો લેવામાં નિષ્ફળ સાબિત થઈ રહ્યું છે. ઈરાન સરકારના ત્રણ મુખ્ય સ્તંભો ચૂંટાયેલી સરકાર, IRGC (ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ) અને ધર્મગુરુઓ વચ્ચે પરસ્પર સંવાદ સાધવામાં મોટી મુશ્કેલીઓ પડી રહી છે.









