Get The App

નેપાળ: ધરપકડના બીજા દિવસે પૂર્વ વડાપ્રધાન કેપી શર્મા ઓલીની તબિયત લથડી, હૃદયના ધબકારા વધ્યા

Updated: Mar 29th, 2026

GS TEAM

Google News
Google News
નેપાળ: ધરપકડના બીજા દિવસે પૂર્વ વડાપ્રધાન કેપી શર્મા ઓલીની તબિયત લથડી, હૃદયના ધબકારા વધ્યા 1 - image

KP Sharma Oli: નેપાળના પૂર્વ વડાપ્રધાન કેપી શર્મા ઓલીને હૃદયના ધબકારા વધી જવાની (Palpitations) ફરિયાદ બાદ ત્રિભુવન યુનિવર્સિટી ટીચિંગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં ડોક્ટરોની ટીમ તેમની હાલત પર સતત નજર રાખી રહી છે. આ દરમિયાન હોસ્પિટલે મેડિકલ બુલેટિનમાં કહ્યું છે કે ઓલીનું ભૂતકાળમાં કિડની ટ્રાન્સપ્લાન્ટ થયું છે. તેમને હાઈડ્રોનેફ્રોસિસ, ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર, હાઈપોથાયરોડિઝમ, એટ્રિયલ ફિબ્રિલેશન (APC સાથે) અને ગાલસ્ટોન જેવી અનેક સ્વાસ્થ્ય સમસ્યાઓ છે.

ધરપકડ બાદ 5 દિવસના રિમાન્ડ મંજૂર

જણાવી દઈએ કે નેપાળમાં ગયા વર્ષે 9 સપ્ટેમ્બરના રોજ GEN-Z પ્રોટેસ્ટ દરમિયાન સુરક્ષા દળોની કાર્યવાહીમાં થયેલા પ્રદર્શનકારીઓના મોતના મામલામાં શનિવારે પૂર્વ વડાપ્રધાન ઓલી અને પૂર્વ ગૃહમંત્રી રમેશ લેખકની ધરપકડ કરવામાં આવી હતી. બાલેન શાહ વડાપ્રધાન બન્યાના 24 કલાકની અંદર આ કાર્યવાહી કરવામાં આવી છે. કાઠમંડુ જિલ્લા અદાલતે પૂર્વ વડાપ્રધાન ઓલી અને પૂર્વ ગૃહમંત્રી રમેશ લેખકને પૂછપરછ માટે 5 દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલી દીધા છે. જિલ્લા કોર્ટના ન્યાયાધીશ આનંદ પ્રસાદ શ્રેષ્ઠે રવિવારે આ આદેશ આપ્યો હતો. પોલીસે બંનેના 10 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી, પરંતુ કોર્ટે હાલમાં 5 દિવસની મંજૂરી આપી છે.

શું છે સમગ્ર મામલો?

આ મામલો GEN-Z પ્રોટેસ્ટ દરમિયાન થયેલી દમનકારી કાર્યવાહી સાથે જોડાયેલો છે. તે સમયે કેપી શર્મા ઓલી વડાપ્રધાન હતા, જ્યારે રમેશ લેખક ગૃહમંત્રીના પદે હતા. આંદોલન દરમિયાન સુરક્ષા દળોની કાર્યવાહીને લઈને ગંભીર સવાલો ઉઠ્યા હતા અને માનવાધિકાર ઉલ્લંઘન તથા બિન જરૂરી બળ પ્રયોગના આરોપો લાગ્યા હતા. આ આરોપોની તપાસ માટે સુશીલા કાર્કીના નેતૃત્વવાળી વચગાળાની સરકારે એક પંચની રચના કરી હતી, જેણે પોતાના અહેવાલમાં ઓલી અને લેખક સહિત અનેક અધિકારીઓ સામે ફોજદારી કાર્યવાહી કરવાની ભલામણ કરી હતી. આ ભલામણના આધારે ધરપકડ વોરંટ જાહેર કરવામાં આવ્યા હતા અને ગઇકાલે શનિવારે સવારે બંને નેતાઓની અટકાયત કરવામાં આવી હતી.

આ પણ વાંચો: ડિજિટલ પેમેન્ટ, બેંક નોમિની, લોન, ક્રેડિટ સ્કોર... જાણો 1 એપ્રિલથી કયા કયા નિયમ બદલાશે

કોર્ટમાં રવિવારે પેશી દરમિયાન રમેશ લેખક પોતે હાજર રહ્યા હતા, જ્યારે સ્વાસ્થ્યના કારણોસર કેપી શર્મા ઓલી હોસ્પિટલમાંથી વર્ચ્યુઅલી હાજર થયા હતા. કોર્ટે બંનેને પોલીસ કસ્ટડીમાં મોકલીને તપાસ એજન્સીઓને પૂછપરછ ચાલુ રાખવાની મંજૂરી આપી છે. ઓલી નેપાળના રાજકારણના સૌથી પ્રભાવશાળી નેતાઓમાં ગણાય છે અને નેપાળી કમ્યુનિસ્ટ પાર્ટી (UML)ના અધ્યક્ષ છે. આગામી પાંચ દિવસમાં પોલીસ ઓલી અને રમેશ લેખકની સઘન પૂછપરછ કરશે. તપાસ એજન્સીઓ એ જાણવાનો પ્રયાસ કરશે કે આંદોલન દરમિયાન લેવામાં આવેલા નિર્ણયોમાં તેમની શું ભૂમિકા હતી અને શું કોઈ પ્રકારનો ગુનાહિત કેસ બને છે.