આ દેશમાં ટાટા ગ્રુપની કંપનીને 100 વર્ષ જૂનો કારોબાર બંધ કરવા આદેશ, રાષ્ટ્રપ્રમુખે કહ્યું- શું અમે તમારા ગુલામ છીએ?
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Kenya Tells Tata Chemicals to Exit: President Ruto Questions 100-Yr Mining Rights | આફ્રિકાના અગ્રણી દેશ કેન્યામાં અત્યારે ટાટા ગ્રૂપની પેટાકંપની 'ટાટા કેમિકલ્સ' સામે ગંભીર વિવાદ છેડાઈ ગયો છે. કેન્યાના રાષ્ટ્રપ્રમુખ વિલિયમ રુતો (William Ruto) એ સ્થાનિક સ્તરે કોઈ વેલ્યુ-એડિશન કે ઔદ્યોગિક વિકાસ ન કરવાનો આક્ષેપ લગાવીને ટાટા કેમિકલ્સને પોતાનો સામાન બાંધીને દેશ છોડી દેવા જણાવી દીધું છે. તેમણે જાહેરમાં અત્યંત તીખો પ્રહાર કરતા પૂછ્યું કે, શું અમે બીજા લોકોના ગુલામ છીએ?
કેન્યા સરકાર કેમ નારાજ છે? સ્થાનિક પ્રોસેસિંગનો અભાવ મોટો મુદ્દો
કેન્યા કુદરતી સોડા ઍશ ઉત્પાદનમાં મહત્વનું સ્થાન ધરાવે છે. યુએસ જીઓલોજિકલ સર્વે અનુસાર કેન્યા કુદરતી સોડા ઍશનો વિશ્વનો ચોથો સૌથી મોટો ઉત્પાદક દેશ છે અને વૈશ્વિક ઉત્પાદનમાં લગભગ 1% હિસ્સો ધરાવે છે. દક્ષિણ કેન્યાના કાજિયાડો કાઉન્ટીમાં આવેલું મગાદી સરોવર આ ઉદ્યોગનું મુખ્ય કેન્દ્ર છે. કેન્યા સરકારની મુખ્ય નારાજગી એ વાત પર છે કે ટાટા ગ્રૂપ અહીંથી કુદરતી ખનિજ માત્ર કાચા માલ તરીકે ભારત અને વિશ્વના અન્ય દેશોમાં નિકાસ કરતું રહ્યું, પરંતુ કેન્યાની સ્થાનિક ધરતી પર તેનું પ્રોસેસિંગ કરીને ફિનિશ્ડ પ્રોડક્ટ્સ બનાવવાની કોઈ સુવિધા ઊભી ન કરી.
કાજિયાડોના ગવર્નર જોસેફ ઓલે લેન્કુએ પણ એક જાહેરસભામાં આકરા શબ્દોમાં જણાવ્યું, કે જેમને પણ આપણે આ કુદરતી સંસાધન કાઢવાનું લાઈસન્સ આપીશું, તેમણે કાજિયાડોમાં કાચ બનાવવા માટેનું એક મોટું પ્રોસેસિંગ પ્લાન્ટ ઊભું કરવું પડશે અને કેમિકલ ફેક્ટરી નાખવી પડશે. ગવર્નર લેન્કુએ એવો પણ ખુલાસો કર્યો હતો કે ટાટા પાસે રહેલા માઇનિંગ અધિકારો વર્ષ 2023માં જ સમાપ્ત થઈ ગયા હતા.
જે થવું હોય તે થાય, હવે નીકળો: વિલિયમ રુતો
દક્ષિણ કેન્યાના મગાદી વિસ્તારની મુલાકાત દરમિયાન રાષ્ટ્રપ્રમુખ રુતોએ કોઈપણ બાંધછોડ વગર ખુલ્લી ચેતવણી આપી હતી. તેમણે કહ્યું કે, ટાટા પાસે 100 વર્ષથી ખાણકામના અધિકારો હતા છતાં તેમણે કાજિયાડોમાં કંઈપણ નવું બનાવ્યું નથી. તેઓ આપણું સંસાધન ભારત અને અન્ય દેશોમાં લઈ જાય છે. હવે જે થવું હોય તે થાય, તેઓ જરૂરી કામ કરવામાં નિષ્ફળ રહ્યા હોવાથી મેં તેમને બોરીયા-બિસ્તરા બાંધીને જવા કહી દીધું છે. સરકાર હવે બે નવી કંપનીઓને લાવવાની યોજના બનાવી રહી છે. તે પૈકી એક કંપની કાજિયાડોમાં ખનિજમાંથી મોટો કાચ ઉદ્યોગ સ્થાપશે અને બીજી કંપની અહીં સ્થાનિક સ્તરે કેમિકલ્સ બનાવવાનું કામ હાથ પર લેશે.
પાંચ અઠવાડિયા પહેલાં જ કામગીરી સસ્પેન્ડ કરાઈ હતી: આક્ષેપોની લાંબી યાદી
આ વિવાદ અચાનક નથી ભડક્યો. આશરે 5 અઠવાડિયા પહેલાં જ કેન્યાના ખાણ મંત્રાલયે 'ટાટા કેમિકલ્સ મગાદી લિમિટેડ'ને કામકાજ અટકાવવાનો આદેશ આપ્યો હતો. માઇનિંગ કેબિનેટ સેક્રેટરી હસન જોહોએ સ્પષ્ટ કર્યું હતું કે કંપની જ્યાં સુધી પોતાની વૈધાનિક જવાબદારીઓ પૂરી કર્યાના પુરાવા ન આપે અને બાકી ચૂકવણીઓ ક્લિયર ન કરે ત્યાં સુધી ઉત્પાદન ફરી શરૂ થઈ શકશે નહીં.
કેન્યા સરકારના કંપની પર આરોપ:
- સરકારી રોયલ્ટી અને અન્ય આર્થિક જવાબદારીઓ બાકી રાખવી.
- સ્થાનિક સ્તરે વેલ્યુ-એડિશન અને સ્કિલ-ટ્રાન્સફર યોજનાઓ લાગુ ન કરવી.
- કેન્યાના સ્થાનિક નાગરિકો માટે પૂરતી રોજગારીની તકો ઊભી ન કરવી.
- નિકાસ રિપોર્ટિંગમાં ગરબડ અને સ્થાનિક ખરીદીમાં ઉદાસીનતા.
- પર્યાવરણીય નિયમોનું ઉલ્લંઘન.
ટાટા કેમિકલ્સનો પલટવાર: તમામ નિયમોનું પાલન કરીએ છીએ
આ ગંભીર આક્ષેપો સામે ટાટા કેમિકલ્સે તમામ આરોપો ફગાવી દીધા છે અને દાવો કર્યો છે કે તેઓ તમામ નિયમોનું ચુસ્તપણે પાલન કરે છે.
કંપનીએ એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું કે, ટાટા કેમિકલ્સ મગાદી લિમિટેડ (TCML) એ મંત્રાલય દ્વારા ઉઠાવવામાં આવેલા તમામ પ્રશ્નો અંગે વિગતવાર માહિતી સાથે વિસ્તૃત ખુલાસો રજૂ કરી દીધો છે. અમે તમામ લાગુ પડતા નિયમોનું સંપૂર્ણ પાલન કરીએ છીએ અને હવે મંત્રાલય તરફથી અમારા સબમિશનની સમીક્ષા અને આગળના નિર્દેશોની રાહ જોઈ રહ્યા છીએ. કંપનીએ PTIને જણાવ્યું કે તે પૂર્વ આફ્રિકાના અર્થતંત્રમાં મહત્વની ભૂમિકા ભજવી રહી છે અને કાયદાકીય માધ્યમો થકી તમામ બાકી વિવાદોના ઉકેલ માટે કટિબદ્ધ છે.
સોડા ઍશ કેમ આટલું મહત્વનું છે
સોડા ઍશ (સોડિયમ કાર્બોનેટ) એ વૈશ્વિક ઔદ્યોગિક ક્ષેત્રે અતિ મહત્વનું કેમિકલ છે. તેનો ઉપયોગ કાચ, ડિટર્જન્ટ, ક્લિનિંગ પ્રોડક્ટ્સ, ઇલેક્ટ્રિક વ્હીકલ્સની બેટરીઓ બનાવવા માટે થાય છે.




