યુકેના રાજકારણમાં ઉલટફેર: 'કિંગ ઑફ ધ નોર્થ'ની જીતથી PM સ્ટાર્મરની ખુરશી ડગમગી!
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

UK political crisis: બ્રિટનના રાજકારણમાં ફરી એકવાર મોટા પાયા પર નેતૃત્વ પરિવર્તનના સંકેતો મળી રહ્યા છે. લેબર પાર્ટીના દિગ્ગજ નેતા અને ગ્રેટર માન્ચેસ્ટરના મેયર એન્ડી બર્નહેમે સંસદીય પેટાચૂંટણીમાં ભવ્ય વિજય મેળવ્યો છે. આ જીત બાદ વડાપ્રધાન કિર સ્ટાર્મરની મુશ્કેલીઓમાં વધારો થયો છે. બ્રિટિશ રાજકારણમાં એન્ડી બર્નહેમ 'કિંગ ઑફ ધ નોર્થ' તરીકે ખૂબ જ લોકપ્રિય છે. ઉત્તરી ઇંગ્લૅન્ડની મેકરફિલ્ડ બેઠક પર યોજાયેલી આ પેટાચૂંટણીમાં બર્નહેમે 54.8% મતો મેળવીને શાનદાર જીત નોંધાવી છે. તેમણે નિગેલ ફરાજની પાર્ટી 'રિફોર્મ યુકે'ના ઉમેદવારને મોટા માર્જિનથી હરાવ્યા છે, જેમને માત્ર 34.5% મતો મળ્યા હતા. રાજકીય વિશ્લેષકોના મતે આ વિજય માત્ર એક સામાન્ય બેઠકની જીત નથી, પરંતુ લેબર પાર્ટીની અંદર વડાપ્રધાન પદના નેતૃત્વ પરિવર્તનની શરૂઆત હોઈ શકે છે.
બ્રિટનને અમેરિકા જેવી રાજનીતિથી દૂર રાખવાની વ્યૂહનીતિ
આ શાનદાર જીત મેળવ્યા બાદ એન્ડી બર્નહેમે તેને બ્રિટિશ રાજકારણ માટે એક 'ટર્નિંગ પોઇન્ટ' ગણાવ્યો હતો. તેમણે પોતાના સંબોધનમાં સ્પષ્ટ કર્યું હતું કે દેશને એવી રાજનીતિથી બચાવવાની જરૂર છે જે સમાજમાં ભાગલા પાડે છે. બર્નહેમે સંકેત આપ્યો હતો કે તેઓ દેશને અમેરિકા જેવી ધ્રુવીકરણ(પોલરાઇઝ્ડ)વાળી રાજનીતિની દિશામાં જવા દેવા માંગતા નથી.
56 વર્ષના બર્નહેમ લાંબા સમયથી લેબર પાર્ટીના મુખ્ય ચહેરાઓમાંથી એક રહ્યા છે. તેઓ જાહેર સેવાઓના ખાનગીકરણના કડક આલોચક રહ્યા છે અને તેમણે અનેકવાર ખુલ્લેઆમ કહ્યું છે કે છેલ્લા ચાર દાયકાની આર્થિક નીતિઓ સામાન્ય જનતા માટે નિષ્ફળ સાબિત થઈ છે. તેમણે એ પણ સ્પષ્ટ કરી દીધું છે કે જો ભવિષ્યમાં પાર્ટી નેતૃત્વ માટે ચૂંટણી યોજાશે, તો તેઓ વડાપ્રધાન પદના ઉમેદવાર બનવા માટે સંપૂર્ણ તૈયાર છે.
વડાપ્રધાન કિર સ્ટાર્મરની ઘટતી લોકપ્રિયતા અને પક્ષમાં બગાવત
બીજી તરફ બ્રિટનના વર્તમાન વડાપ્રધાન કિર સ્ટાર્મરની લોકપ્રિયતામાં સતત મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. બે વર્ષ પહેલા ભારે બહુમતી સાથે સત્તા પર આવેલા સ્ટાર્મર આજે બ્રિટનના ઇતિહાસના સૌથી અલોકપ્રિય વડાપ્રધાનોમાં ગણાવા લાગ્યા છે.
આ પણ વાંચો: દુનિયાના અમીરો કેમ છોડી રહ્યા છે પોતાના દેશ? આ વર્ષે તૂટી જશે ઇતિહાસના તમામ રૅકોર્ડ
સતત વિવાદો, નીતિઓમાં વારંવાર બદલાવ અને મહત્ત્વના નિર્ણયો લેવામાં વિલંબ જેવા આરોપોને કારણે તેમની છબી ખરડાઈ છે. ગત મહિને યોજાયેલી સ્થાનિક ચૂંટણીઓમાં પણ લેબર પાર્ટીને મોટો ઝટકો લાગ્યો હતો, જેના કારણે પક્ષના આશરે ચોથા ભાગના સાંસદોએ સ્ટાર્મર પાસે રાજીનામું માંગી લીધું છે. એટલું જ નહીં, દેશના સંરક્ષણ મંત્રી અને આરોગ્ય મંત્રી સહિતના કેટલાક વરિષ્ઠ નેતાઓએ પણ તેમના નેતૃત્વ સામે સવાલો ઉઠાવીને પોતાના પદો પરથી રાજીનામા આપી દીધા છે.
બ્રિટનમાં રાજકીય અસ્થિરતાનો ખતરો
પક્ષની અંદર તીવ્ર વિરોધ અને દબાણ હોવા છતાં, વડાપ્રધાન કિર સ્ટાર્મર હજુ પણ પાછળ હટવાના મૂડમાં દેખાતા નથી. તેમણે સ્પષ્ટ કર્યું છે કે તેઓ પક્ષની અંદર નેતૃત્વ માટેની કોઈપણ ચૂંટણીનો સામનો કરવા તૈયાર છે અને પક્ષે આંતરિક લડાઈથી બચવું જોઈએ. જોકે, એન્ડી બર્નહેમની આ તાજી અને મોટી જીત બાદ સ્ટાર્મર પર પદ છોડવાનું દબાણ ખૂબ વધી ગયું છે. જો લેબર પાર્ટીમાં નેતૃત્વ પરિવર્તન થશે, તો બ્રિટનને છેલ્લા એક દાયકામાં સાતમા વડાપ્રધાન મળશે. આટલા ટૂંકા ગાળામાં વારંવાર વડાપ્રધાન બદલાવા તે બ્રિટિશ રાજકારણમાં ચાલી રહેલી ગંભીર અસ્થિરતા તરફ ઇશારો કરે છે.









