Get The App

કાશ પટેલનું ઇમેલ આઇડી હેક, બરોડાની બેન્કના ખાતા સહિતની વિગતો લીક

Updated: Mar 30th, 2026

GS TEAM

Google News
Google News
કાશ પટેલનું ઇમેલ આઇડી હેક, બરોડાની બેન્કના ખાતા સહિતની વિગતો લીક 1 - image

ઇરાનના હેકર્સનું કારસ્તાન

બેન્કના કર્મચારી અને એફબીઆઈના વડા કાશ પટેલની ૨૦૧૩માં થયેલી વાતચીતના અંશો જાહેર કર્યા

વોશિંગ્ટન: અમેરિકાની એજન્સી એફબીઆઇના વડા મૂળ ગુજરાતી કાશ પટેલનું ઇમેલ આઇડી ઇરાનના હેકર્સ દ્વારા હેક કરી લેવામાં આવ્યું હોવાના અહેવાલો છે. એટલુ જ નહીં બરોડામાં કાશ પટેલ દ્વારા એક બેન્કમાં ખાતુ ખોલવા અંગે ઇમેલ દ્વારા જે વાતચીત થઇ તેની વિગતો પણ જાહેર કરવામાં આવી છે. 

અમેરિકા અને ઇઝરાયેલ દ્વારા ઇરાન પર હુમલા કરવામાં આવ્યા અને તેના વડા અલી ખામેનેઇનું મોત નિપજ્યું, બાદમાં સામસામે ભારે હુમલા થયા.  આ સ્થિતિ વચ્ચે હવે ઇરાનના હેકર્સ ગુ્રપે અમેરિકાની ટોચની તપાસ એજન્સી એફબીઆઇના ડાયરેક્ટર કાશ પટેલનું ઇમેલ આઇડી હેક કરી લીધુ છે. જેની ખુદ અમેરિકાના જસ્ટિસ ડિપાર્ટમેન્ટ દ્વારા પણ ખાતરી કરવામાં આવી છે. 

ઇરાનના હેકર્સ ગુ્રપ હંડાલા હેક ટીમે પોતાની વેબસાઇટ પર કાશ પટેલનુ ઇમેલ આઇડી હેક કર્યાની માહિતી જાહેર કરી છે. કાશ પટેલ દ્વારા વર્ષ ૨૦૧૧થી ૨૦૨૨ દરમિયાન ઇમેલ આઇડી દ્વારા જે પણ વાતચીત કરવામાં આવી કે ફોટો-વીડિયો સ્ટોર કરવામાં આવ્યા તેને પણ હેકર્સે મેળવી લીધા છે. અને તેમાંથી અનેક વિગતો જાહેર કરવામાં આવી છે. કાશ પટેલ અને બરોડાની બેન્કના એક કર્મચારી દ્વારા બેન્કમાં ખાતુ ખોલવા અંગે જે વાતચીત થઇ તેને પણ હેકર્સે જાહેર કરી દીધી છે. 

જાન્યુઆરી ૨૦૧૩ના રોજ બેન્કના કર્મચારી દ્વારા કાશ પટેલને યાહુના સ્પાઇડરકાશ ઇમેલ આઇડી પર ઇમેલ મોકલવામાં આવ્યો હતો, જેમાં કર્મચારી કાશ પટેલને એનઆરઇ ખાતુ કેવી રીતે ખોલવું તેની માહિતી આપી રહ્યો છે. જવાબમાં કાશ પટેલ આ કર્મચારીને કહે છે કે આભાર, હું જરૂરથી સપ્તાહના અંત સુધીમાં આ કામ કરી લઇશ. એનઆરઇ એવુ ખાતુ છે જે એનઆરઆઇને વિદેશમાં કરેલી કમાણીને ભારતમાં જમા કરવાની સુવિધા આપે છે. જેથી વાતચીત પરથી એવુ અનુમાન લગાવાઇ રહ્યું છે કે કાશ પટેલે બરોડામાં એનઆરઇ ખાતુ ખોલાવ્યું હોઇ શકે છે.