World

28 વર્ષ, 29 દેશ, 58,000 કિ.મી. પગપાળા પ્રવાસ... બ્રિટનના સાહસિક પ્રવાસી કાર્લ બુશબીની પ્રેરણાદાય કહાની

By GS Team
14 Oct 20265 mins read
TukuTouch Logo
બ્રિટનના પૂર્વ સૈનિક કાર્લ બુશબીએ 28 વર્ષમાં 29 દેશોમાં 58000 કિલોમીટરની પગપાળા યાત્રા પૂર્ણ કરી છે. 1998માં ચિલીથી શરૂ થયેલી આ સફરમાં તેમણે અનેક પડકારો, જેમ કે વિઝા પ્રતિબંધો, આર્થિક સંકટ અને કુદરતી આફતોનો સામનો કર્યો. રશિયામાં બેરિંગ સ્ટ્રેટ પગપાળા પાર કરનાર તેઓ પ્રથમ વ્યક્તિ બન્યા. હવે તેઓ પોતાના વતન ઈંગ્લેન્ડ પહોંચી માતાના ઘરે અંતિમ મંઝિલ કાપી રહ્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

28 વર્ષ, 29 દેશ, 58,000 કિ.મી. પગપાળા પ્રવાસ... બ્રિટનના સાહસિક પ્રવાસી કાર્લ બુશબીની પ્રેરણાદાય કહાની
AI તસવીર

Karl Bushby 58000 KM Journey: દુનિયામાં મોટા ભાગના લોકો દુનિયા ફરવાનું માત્ર સપનું જોતા હોય છે, બહુ ઓછા લોકો તેને પૂરું કરી શકે છે. બ્રિટનના 57 વર્ષીય પૂર્વ સૈનિક કાર્લ બુશબીએ આ સપનાને હકીકતમાં બદલીને અશક્યને શક્ય કરી બતાવ્યું છે. એય પાછું ચાલીને! 1998 માં દુનિયા ફરવા માટે પગપાળા નીકળેલા આ સાહસિકે 28 વર્ષમાં 29 દેશો પાર કરીને લગભગ 58000 કિલોમીટરની યાત્રા પૂર્ણ કરી છે. લગભગ ત્રણ દાયકા પછી હવે તેઓ તેમના વતન ઈંગ્લેન્ડ પરત ફરી ચૂક્યા છે અને પોતાની માતાના ઘરે પહોંચવા માટે અંતિમ મંઝિલ કાપી રહ્યા છે. ચાલો જાણીએ કે કાર્લ બુશબીની આ સફર કેટલી રોમાંચક અને જોખમભરી રહી.

પિતાના જન્મ દિવસના કાર્ડે બદલ્યો જીવનનો માર્ગ

1990 ના દાયકામાં કાર્લના જન્મ દિવસે પિતાએ તેમને બર્થ-ડે કાર્ડ આપ્યું હતું. આ કાર્ડમાં બે સૈનિકો વચ્ચે લંડનથી ન્યૂ યોર્ક સુધી બેરિંગ સ્ટ્રેટ દ્વારા પગપાળા યાત્રા કરવા વિશેની ચર્ચા દર્શાવાઈ હતી. આ વાતે કાર્લના મગજ પર ઊંડી અસર કરી. તેમણે દુનિયાનો નકશો ઉઠાવ્યો અને એક છેડાથી બીજા છેડા સુધીનો માર્ગ દોરી કાઢ્યો. તેમને લાગ્યું કે આ જ એ પડકાર છે જે તેમણે પોતાના જીવનમાં પૂર્ણ કરવાનો છે.

બ્રિટિશ આર્મી છોડીને યાત્રાની શરૂઆત

અગાઉ કાર્લ બ્રિટિશ આર્મીમાં પેરાટ્રૂપર તરીકે સેવા આપી ચૂક્યા હતા. સેના છોડ્યા પછી, 1 નવેમ્બર 1998 ના રોજ તેમણે દક્ષિણ અમેરિકાના દેશ ચિલીથી પોતાની સફર શરૂ કરી. તે સમયે તેમના ખિસ્સામાં ફક્ત થોડાક ડોલર હતા. તેમણે શરૂઆત કરી ત્યારે તેમનો અંદાજ હતો કે તેઓ 12 વર્ષમાં ઘરે પાછા ફરશે, પરંતુ રસ્તામાં આવેલા સંજોગોએ તેમની યોજનાઓ સંપૂર્ણપણે બદલી નાખી.

12 વર્ષનો અંદાજ 28 વર્ષમાં કેમ બદલાયો?

ચિલીથી શરૂ કરીને કાર્લ ઉત્તર તરફ આગળ વધ્યા અને દક્ષિણ અમેરિકા તથા સેન્ટ્રલ અમેરિકાના ખતરનાક જંગલો (જેમ કે, ડેરિયન ગેપ) પસાર કરીને અમેરિકા પહોંચ્યા. ત્યારબાદ અલાસ્કા પહોંચીને રશિયા જવા માટે તેમણે બેરિંગ સ્ટ્રેટનો સમુદ્ર બરફથી જામી જાય તેની રાહ જોઈ અને તેને પગપાળા પાર કર્યો. આવું સાહસ કરનારા તેઓ પ્રથમ વ્યક્તિ બન્યા. જો કે, એપ્રિલ 2012 માં રશિયાએ તેમને વિઝા આપવાનો ઇનકાર કરી દીધો. હાર માન્યા વિના કાર્લ વોશિંગ્ટન સ્થિત રશિયન દૂતાવાસ સુધી ચાલીને ગયા અને પ્રતિબંધ હટ્યા બાદ પોતાની યાત્રા ચાલુ રાખી.

રશિયાથી આગળ વધીને તેઓ મોંગોલિયા અને ચીન ગયા. ત્યારબાદ કઝાકિસ્તાનથી કેસ્પિયન સમુદ્ર પાર કરીને અઝરબૈજાન અને પછી યુરોપના દેશોમાં પ્રવેશ કર્યો. આ લાંબા સમય દરમિયાન આર્થિક કટોકટી, વિઝા પ્રતિબંધો, યુદ્ધ, દેશો વચ્ચેના રાજકીય તણાવ અને COVID-19 રોગચાળા જેવી સ્થિતિએ તેમની યાત્રા વારંવાર અટકાવી. સરકારી પ્રક્રિયાઓ અને મુસાફરી પ્રતિબંધોને કારણે તેમનો ઘણો સમય બગડ્યો. જો કે, કાર્લે પોતાના આયોજિત રૂટ અને નિયમો પર કોઈ સમાધાન ન કર્યું, અને તેથી જ 12 વર્ષ ચાલનારી આ મુસાફરીમાં 28 વર્ષ લાગી ગયા.

વફાદાર સાથી: ‘બીસ્ટ’ ટ્રોલી

આ અનોખી યાત્રામાં કાર્લ હંમેશા પોતાની સાથે એક ખાસ વસ્તુ રાખતા હતા. તે કોઈ માણસ કે પ્રાણી નહીં, પરંતુ એક કસ્ટમાઇઝ્ડ ગોલ્ફ ટ્રોલી હતી, જેને તેમણે ‘બીસ્ટ’ નામ આપ્યું હતું. આ ટ્રોલીમાં ખોરાક, કેમ્પિંગ ગિયર, ઇલેક્ટ્રોનિક ઉપકરણો અને ભારે પરિસ્થિતિઓમાં જરૂરી અન્ય આવશ્યક વસ્તુઓ રહેતી હતી. તેમની પહેલી ટ્રોલી 3 વર્ષની મુસાફરી પછી તૂટી ગઈ. ત્યારબાદ નિકારાગુઆમાં તેમણે બીજી ટ્રોલી બનાવી, જેને ‘બીસ્ટ 2’ નામ આપ્યું. આ ટ્રોલી લગભગ 25 વર્ષ સુધી તેમની સાથે રહી અને સામાન ખેંચવા માટે અમૂલ્ય સાબિત થઈ.

લૂંટારુઓથી લઈને ડૂબવા સહિતના જોખમોનો સામનો

36000 માઇલ (58000 કિલોમીટર) ની આ સમગ્ર સફર દરમિયાન કાર્લએ અનેક જોખમોનો સામનો કર્યો, મોતના મુખમાંથી પાછા પણ આવ્યા. તેમને અનેક સ્થળે બંદૂકની અણીએ રોકવામાં આવ્યા. દેશનિકાલ પણ કરાયા. ક્યારેક તેઓ ડૂબી જવાની અને તરસથી મૃત્યુ પામવાની ખૂબ નજીક પહોંચી ગયા હતા. આ ઉપરાંત તેમણે જંગલી પ્રાણીઓ (જેમ કે ધ્રુવીય રીંછ) ના ભયનો પણ સામનો કર્યો.

  • ડેરિયન ગેપ પાર કરીને પનામા પહોંચ્યા ત્યારે વિઝા ન હોવાને કારણે તેમને 18 દિવસ સુધી જેલમાં પણ રહેવું પડ્યું હતું.
  • તેઓ કેનેડાની સરહદથી માત્ર એક દિવસ દૂર હતા, ત્યારે અમેરિકાના મોન્ટાનામાં તેમની ટ્રોલી ચોરાઈ ગઈ હતી, જેને શોધવામાં અને ખોવાયેલો સામાન ભેગો કરવામાં તેમને એક મહિનો લાગી ગયો હતો.
  • એન્ડીસ પર્વતમાળાના ઊંચા શિખરોમાં અને એ પછી અટાકામા રણમાં ખોરાક ખતમ થઈ જવાથી તેમણે ભૂખ્યા પેટે દિવસો ખેંચી કાઢ્યા હતા.

આવી તો અનેક સમસ્યા નડવા છતાં કાર્લ માને છે કે રસ્તામાં મળેલા અજાણ્યા લોકોના પ્રેમે તેમને આગળ વધવાની શક્તિ આપી. તેમનું કહેવું છે કે દુનિયા એટલી ડરામણી નથી જેટલી દૂરથી દેખાય છે, અને માણસો ઘણીવાર પોતાની શક્તિને ઓછી આંકે છે.

એકલા હોવાનો પડકાર સૌથી મોટો

શારીરિક થાક અને ખરાબ હવામાન કરતાં પણ મોટો પડકાર એકલતા હતો. સાઇબેરિયા અને આર્કટિક જેવા વિસ્તારોમાં મહિનાઓ સુધી કોઈની પણ સાથે વાત કર્યા વિના આકરા હવામાન સાથે લડતા લડતા ચાલવું એ સૌથી મોટી માનસિક કસોટી હતી.

ઈંગ્લિશ ચેનલ પાર કરી, વતન પહોંચતા લાગણીશીલ થયા

આ યાત્રાનો અંતિમ તબક્કો સૌથી પડકારજનક હતો, જેમાં કાર્લે ફ્રાન્સથી ઈંગ્લેન્ડ પહોંચવા માટે 5 ઓક્ટોબર 2026 ના રોજ ઈંગ્લેન્ડ ચેનલ તરીને પાર કરી. ત્યારબાદ તેઓ ડોવરમાં આરામ કરવા રોકાયા. 28 વર્ષ પછી વતનમાં પગ મૂકીને તેઓ લાગણીશીલ થઈ ગયા હતા. હોટલની બહાર બ્રિટિશ ધ્વજ જોઈને તેઓ ખૂબ ખુશ થઈ ગયા.

28 વર્ષ પછી ફેવરિટ વાનગીની મજા માણી

ઈંગ્લેન્ડ પહોંચ્યા પછી તેમના માટે બીજી એક ખાસ ક્ષણ એ હતી કે તેમણે 28 વર્ષ પછી પરંપરાગત બ્રિટિશ વાનગી 'ફિશ એન્ડ ચિપ્સ' ખાધી. કાર્લે સોશિયલ મીડિયા પર આ ભોજનનો એક વીડિયો શેર કરીને પોતાનો આનંદ વ્યક્ત કર્યો. આ માત્ર એક ભોજન નહોતું, પરંતુ લાંબા સમય પછી પોતાના દેશના જીવન સાથે ફરીથી જોડાવાની લાગણી હતી.

અંતિમ પડાવઃ માતાનું ઘર

લગભગ 58000 કિલોમીટર ચાલીને 29 દેશનો પ્રવાસ ખેડીને કાર્લ પોતાની યાત્રાના અંતિમ તબક્કામાં પહોંચી ચૂક્યા છે. યુકેના હલ (Hull) શહેરમાં માતાના ઘરે પહોંચવા માટે હવે તેમણે ફક્ત 240 માઇલ (લગભગ 386 કિલોમીટર) ચાલવાનું બાકી છે. તેમનું લક્ષ્ય 1 નવેમ્બર 2026 સુધીમાં ઘરે પહોંચવાનું છે, કારણ કે 1 નવેમ્બર 1998 ના રોજ જ તેમણે પોતાની યાત્રા શરૂ કરી હતી.

લાંબી યાત્રાએ શરીરને ઘસારો લગાડ્યો

આટલા વર્ષો સુધી ચાલવાની અસર હવે કાર્લના શરીર પર સ્પષ્ટ દેખાઈ રહી છે. તેમના જણાવ્યા મુજબ તેમના ઘૂંટણ અને પગની ઘૂંટીઓમાં ભારે દુખાવો થવા લાગ્યો છે. તેમને લાગે છે કે, હવે રોકાઈ જવાનો સમય આવી ગયો છે. કાર્લ બુશબીની આ રોમાંચક અનુભવયાત્રા એ વાતની સાબિતી છે કે મજબૂત મનોબળને દુનિયાનું કોઈપણ જોખમ રોકી નથી શકતું.