World

ફ્લાયદુબઈ ફ્લાઇટ હાઇજેક મામલામાં મોટો ઘટસ્ફોટ: માલદીવના 2 પાયલટની ધરપકડ, તપાસમાં ભારતની પણ એન્ટ્રી

By GS Team
13 Oct 20262 mins read
TukuTouch Logo
દુબઈથી તેલ અવીવ જઈ રહેલી 'ફ્લાયદુબઈ' ફ્લાઇટને હાઇજેક કરી ક્રેશ કરવાના કાવતરામાં UAE પોલીસે 2 માલદીવના પાયલટની ધરપકડ કરી છે. 30 સપ્ટેમ્બરે મુખ્ય પાયલટ સ્મિત મછાર પર કુહાડીથી હુમલો થયો હતો. આતંકી ષડયંત્રની શંકા વચ્ચે ભારતીય NIA પણ તપાસમાં જોડાઈ છે. ઝડપાયેલા પાયલટ આરોપી કો-પાયલટના સંપર્કમાં હતા.

Summarized by AI; it may make mistakes. Check important info

ફ્લાયદુબઈ ફ્લાઇટ હાઇજેક મામલામાં મોટો ઘટસ્ફોટ: માલદીવના 2 પાયલટની ધરપકડ, તપાસમાં ભારતની પણ એન્ટ્રી

Flydubai Hijack Case : દુબઈથી તેલ અવીવ જઈ રહેલી 'ફ્લાયદુબઈ' ફ્લાઇટને હાઇજેક કરી ક્રેશ કરવાના કાવતરામાં સંયુક્ત આરબ અમીરાત (UAE) પોલીસે મોટી કાર્યવાહી કરી છે. પોલીસે આ જ એરલાઇનમાં કામ કરતા માલદીવના 2 પાયલટની ધરપકડ કરી છે. આ ઘટનાને આતંકી હુમલાનો પ્રયાસ ગણાવી તપાસ તેજ કરવામાં આવી છે, જેમાં ભારતની રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) પણ સામેલ થઈ છે.

તાજેતરમાં જ ભરતી થયેલા પાયલટ્સ કસ્ટડીમાં

ધરપકડ કરાયેલા બંને પાયલટ માલદીવના વતની છે અને તાજેતરમાં જ ફ્લાયદુબઈ એરલાઇનમાં જોડાયા હતા. મીડિયા અહેવાલો મુજબ, UAE પોલીસે 3 ઑક્ટોબરના રોજ તેમની અટકાયત કરી હતી. UAE સ્થિત માલદીવના દૂતાવાસે તેમના પરિવારોને જાણ કરી દીધી છે, પરંતુ સત્તાવાર રીતે કોઈ વધુ નિવેદન આપવાનો ઇન્કાર કર્યો છે.

હવામાં મુખ્ય પાયલટ પર કુહાડીથી હુમલો

આ સમગ્ર મામલો 30 સપ્ટેમ્બરનો છે. ફ્લાયદુબઈના ઓમાની કો-પાયલટ હમ્મામ અલ-હમ્મામી પર મુખ્ય પાયલટ સ્મિત મછાર પર કુહાડી વડે હુમલો કરવાનો અને ફ્લાઇટને હાઇજેક કરી ક્રેશ કરવાનો ગંભીર આરોપ મૂકાયો છે. ઘટના બાદ તરત જ આરોપી સામે કડક પગલાં લેવામાં આવ્યા હતા.

આરોપી કો-પાયલટ સાથે માલદીવના પાયલટ્સનું કનેક્શન

ઝડપાયેલા માલદીવના બંને પાયલટ્સ ફરજ દરમિયાન આરોપી હમ્મામ અલ-હમ્મામીના સતત સંપર્કમાં હતા અને તે જે બિલ્ડિંગમાં રહેતો હતો ત્યાં જ રહેતા હતા. જોકે, હાઇજેકના આ કાવતરામાં તેમની ચોક્કસ ભૂમિકા શું હતી અને તેમની સામે કયા પુરાવા મળ્યા છે તે અંગે પોલીસે હજુ સુધી કોઈ ખુલાસો કર્યો નથી.

આતંકી ષડયંત્રની શંકા વચ્ચે NIAની તપાસ શરૂ

UAE પ્રશાસને આ હુમલાને આતંકવાદી ષડયંત્ર ગણાવ્યું છે. આરોપી કો-પાયલટ કટ્ટરપંથી વિચારધારાથી પ્રભાવિત હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. આ આંતરરાષ્ટ્રીય કાવતરા પાછળનો પર્દાફાશ કરવા માટે ભારતીય તપાસ એજન્સી NIA દ્વારા પણ ગુનો નોંધીને ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી દેવામાં આવી છે.