‘ગિલને પદ્મ વિભૂષણ, પૂર્વ CEC શેષનને ગાંધીનગરમાં ટિકિટ’, EC પર આરોપો કરનાર કોંગ્રેસને ભાજપે યાદ અપાવ્યો ઈતિહાસ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

BJP Slams Congress Over EC Controversy : મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમાર સામે મોરચો માંડીને બેઠેલા રાહુલ ગાંધી પર ભારતીય જનતા પાર્ટીએ આકરો પલટવાર કર્યો છે. વરિષ્ઠ ભાજપ નેતા અને કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે ઈતિહાસના પાના ખોલીને કોંગ્રેસને તેનો જૂનો ટ્રેક રેકોર્ડ યાદ અપાવ્યો હતો. ગોયલે આક્ષેપ કર્યો કે કોંગ્રેસ આજે ચૂંટણી પંચની નિષ્પક્ષતા પર સવાલો ઊભા કરી રહી છે, પરંતુ પોતાના શાસનકાળ દરમિયાન ચૂંટણી અધિકારીઓને આપેલા રાજકીય ઈનામો સાવ ભૂલી ગઈ છે.
રાહુલ ગાંધી પર ગોયલનો સીધો પ્રહાર
કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે કોંગ્રેસના બેવડા વલણ પર નિશાન સાધતા કહ્યું કે, ‘રાહુલ ગાંધીએ પોતાના સમયમાં એક ચીફ ઇલેક્શન કમિશનરને ગવર્નર બનાવ્યા, એકને કેબિનેટ મંત્રી બનાવ્યા અને એકને પક્ષની ટિકિટ આપી. રાહુલ ગાંધી જે પક્ષપાત કરતા આવ્યા છે તે પોતે જ ભૂલી જાય છે.’
પૂર્વ CECના કોંગ્રેસ ગુણગાન ગાતી હતી : ગોયલ
ટી. એન. શેષનનો સંદર્ભ આપતાં પીયૂષ ગોયલે જણાવ્યું કે, ‘ચીફ ઇલેક્શન કમિશનર ટી. એન. શેષનની પ્રામાણિકતાના કોંગ્રેસ ખૂબ ગુણગાન ગાતી હતી. પરંતુ 1999માં તેમને અડવાણીજી સામે કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડવાની તક આપવામાં આવી. શું આ તેમને રિવોર્ડ આપવાનું કામ નહોતું?’
એમ. એસ. ગિલને પદ્મ વિભૂષણ અને મંત્રી પદની લ્હાણી
પૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનર એમ. એસ. ગિલનું ઉદાહરણ આપતાં ગોયલે કહ્યું કે, ‘એમ. એસ. ગિલ 1996થી 2001 સુધી ચીફ ઈલેક્શન કમિશનર હતા. 2000માં પદ પર ચાલુ ચીફ ઇલેક્શન કમિશનરને પદ્મ વિભૂષણથી નવાજવામાં આવ્યા. શું આ તેમની ચાપલૂસી અને કારનામાઓનું ઈનામ નહોતું? રિટાયરમેન્ટના 3 વર્ષ પછી તેઓ કોંગ્રેસમાં જોડાય છે, 2004માં રાજ્યસભામાં આવે છે અને 2008માં તેમને કેન્દ્રીય કેબિનેટમાં મંત્રી બનાવવામાં આવે છે. આનાથી વધુ તમારે કયા પુરાવા જોઈએ કે કોંગ્રેસે ચૂંટણી પંચના હોદ્દાને કેટલા નીચલા સ્તરે પહોંચાડી દીધો અને અધિકારીઓનો કેવો દુરુપયોગ કર્યો.’
કેરળના ચૂંટણી અધિકારીઓનો પક્ષપાતમાં ઉપયોગ કરવાનો આરોપ
ગોયલે વધુમાં આક્ષેપ કરતા કહ્યું કે, ‘ટીકારામ મીણા કેરળના ચીફ ઇલેક્શન ઓફિસર હતા. એક વર્ષ પછી તેમને કોંગ્રેસની રાજસ્થાન મેનિફેસ્ટો ટીમમાં સામેલ કરી લેવાયા. મે 2026માં રતન યુ. કેલકર કેરળના ચીફ ઇલેક્શન ઓફિસર હતા. ચૂંટણી પૂરી થતાં જ વર્તમાન મુખ્યમંત્રી વી. ડી. સતીશને તેમને પોતાના ચીફ સેક્રેટરી જાહેર કરી દીધા. શું આ રાજકીય રોટલા શેકવા જેવું નથી કે તમે ચૂંટણીમાં મદદ કરો અને અમે તમને મોટા પદ પર બેસાડી દઈશું!’
રાહુલ ગાંધીની 'ટી પાર્ટી' પહેલાં ભાજપનો વળતો હુમલો
ભાજપે આ પ્રહારો એવા સમયે કર્યા છે જ્યારે INDIA ગઠબંધનના નેતાઓ ચૂંટણી પંચ વિરુદ્ધ નવી રણનીતિ ઘડી રહ્યા છે. રાહુલ ગાંધીએ વિપક્ષી નેતાઓને ચા પર બોલાવ્યા હતા. અગાઉ વિપક્ષી ગઠબંધને દિલ્હીના બારાખંભા રોડથી સુપ્રીમ કોર્ટ સુધી માર્ચ યોજીને CEC સામે અરજી પણ દાખલ કરી છે, જેની સુનાવણી ટૂંક સમયમાં થવાની સંભાવના છે.
ગાંધીનગર બેઠક પર અડવાણી સામે શેષનનો પરાજય
ઉલ્લેખનીય છે કે, 1999ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસે પૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનર ટી. એન. શેષનને ભાજપ નેતા લાલકૃષ્ણ અડવાણી સામે ગુજરાતની ગાંધીનગર બેઠક પરથી મેદાનમાં ઉતાર્યા હતા. આ બેઠક પર અડવાણીને 4,53,299 મતો મળ્યા હતા, જ્યારે કોંગ્રેસના ઉમેદવાર ટી. એન. શેષનને 2,64,285 મતો મળ્યા હતા અને અડવાણીનો ભવ્ય વિજય થયો હતો.




