ઓનલાઇન ફ્રોડના સૌથી મોટા અડ્ડા પર કાર્યવાહી: 494 બિલ્ડિંગ તોડી પડાઈ, સેંકડો આરોપી ડિપોર્ટ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

| Image : Global Times |
China, Myanmar And Thailand Joint Operation For Online Fraud : ચીન, મ્યાનમાર અને થાઇલૅન્ડની એજન્સીઓએ સાયબર ફ્રોડને લઈને સંયુક્ત કાર્યવાહી કરી છે. મ્યાનમારના મ્યાવાદી વિસ્તારમાં જુગાર અને ઓનલાઇન છેતરપિંડી સામે કરવામાં આવેલી કાર્યવાહીમાં મ્યાનમારના કેકે પાર્કમાં 494 બિલ્ડિંગને તોડી પાડવામાં આવી છે. આ સાથે યાતાઈ ન્યુ સિટીમાં ઓનલાઇન ફ્રોડ ફેલાવતા વિસ્તારને સંપૂર્ણરીતે સાફ કરી દેવામાં આવ્યો છે.
ઓનલાઇન ફ્રોડના સૌથી મોટા અડ્ડા પર કાર્યવાહી
મ્યાનમારના આ વિસ્તારની તુલના ભારતના ઝારખંડમાં સ્થિત સાયબર ઠગની જગ્યા 'જામતાડા' સાથે કરી શકાય છે. ભારતમાં છેલ્લા કેટલાક સમયથી જામતાડા ડિજિટલ ફ્રોડનો અડ્ડો હતો. જોકે, પોલીસે સખ્ત કાર્યવાહી કરતાં હાલ પરિસ્થિત બરાબર થવા લાગી છે.
ઓપરેશનમાં ઝડપાયેલા ચીનના નાગરિકોને ડિપોર્ટ કરાયા
ચીનના જાહેર સુરક્ષા મંત્રાલયના મ્યાનમારમાં ક્રિમિનલ ઇન્વેસ્ટિગેશન બ્યુરોના WeChat એકાઉન્ટ પર ગત ગુરુવારે આપવામાં આવેલી માહિતી મુજબ, આ ઓપરેશન દરમિયાન 952 ચીની શંકાસ્પદ નાગરિકો ઝડપાયા હતા, તેમને ચીનમાં પરત મોકલવામાં આવ્યા હતા.
ચીન, મ્યાનમાર અને થાઇલૅન્ડ સાથે મળીને ઓનલાઇન ફ્રોડ સામે એક્શન
તમને જણાવી દઈએ કે, આ ઓપરેશનને અંજામ આપવા માટે ચીને પબ્લિક સિક્યોરિટી વિભાગના ટાસ્ક ફોર્મને ત્યાં મોકલ્યો હતો. ટાસ્ક ફોર્સે મ્યાનમાર અને થાઇલૅન્ડના કાયદા અમલીકરણ અધિકારીઓ સાથે મળીને મ્યાવાદીમાં કામગીરી હાથ ધરી હતી. ત્રણેય દેશોએ જુગાર અને છેતરપિંડી પ્રવૃત્તિઓ પર દરોડા અને કડક કાર્યવાહીનું સંકલન કર્યું હતું.
આ મામલે ચીનનું કહેવું છે કે, અહીંયા જુગારનો અડ્ડો હતો. ટેલિકોમ છેતરપિંડી વિસ્તારમાં આરોપી દ્વારા ઘણા સમયથી ચીની નાગરિકોને ઓનલાઇન છેતરપિંડીનો શિકાર બનાવતા હતા, જેનાથી ગંભીર નુકસાન થઈ રહ્યું હતું.
સંયુક્ત કાર્યવાહી કરીને જુગાર અને છેતરપિંડીના અડ્ડાઓ તોડી પડાયા
આ વર્ષની શરુઆતમાં ચીન, મ્યાનમાર અને થાઇલૅન્ડ દ્વારા ટેલિકોમ અને ઓનલાઇન છેતરપિંડીને ડામવા માટે મંત્રી સ્તરે સમન્વય સ્થાપિત કર્યો હતો. આ હેઠળ ઘણી વખતે સંયુક્ત કાર્યવાહી કરવામાં આવી હતી. ચીનના સરકારી અખબાર ગ્લોબલ ટાઈમ્સ અનુસાર, મ્યાનમારના અધિકારીઓએ ઓક્ટોબરમાં ચીન અને થાઈલેન્ડ સાથેના અગાઉના કરારો અનુસાર મ્યાનમારના માયાવાદી અને અન્ય વિસ્તારોમાં કાર્યવાહી શરુ કરીને શંકાસ્પદોની ધરપકડ કરી હતી. આ સાથે જુગાર અને છેતરપિંડીના અડ્ડાઓ તોડી પાડવામાં આવ્યા હતા.
15 ડિસેમ્બરના રોજ ત્રણેય દેશોના પોલીસદળોએ પહેલાવાર મ્યાવાદીના કેકે પાર્ક, યાતાઈ ન્યુ સિટી અને અન્ય મોટાપાયે ચાલતા જુગાર-છેતરપિંડી પાર્કોમાં સંયુક્ત રીતે નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ પછી 16થી 19 ડિસેમ્બર દરમિયાન ત્રણેય એજન્સીઓએ અહીં એક કાર્યવાહી શરુ કરી હતી. ઓનલાઇન છેતરપિંડી અને જુગારના આ અડ્ડાને તોડી પાડવામાં આવ્યા હતા.
આ કાર્યવાહી બાદ, ચીનના જિલિન અને હેનાન પ્રાંતના પોલીસ એકમોને ધરપકડ કરાયેલા શંકાસ્પદોને ચીન પાછા લાવવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. ત્રણેય દેશોના સંયુક્ત પ્રયાસો દ્વારા, આ વર્ષે મ્યાવાદીમાં ઓનલાઇન જુગાર અને ટેલિકોમ છેતરપિંડીમાં સંડોવાયેલા 7600થી વધુ ચીની નાગરિકોને સ્વદેશ પરત મોકલવામાં આવ્યા છે.
આ કામગીરીમાં કેકે પાર્કમાં 494 ઇમારતોને તોડી પાડવાનો અને યાતાઈ ન્યુ સિટીમાં છેતરપિંડી ઝોનની સંપૂર્ણ સફાઈનો સમાવેશ થાય છે. એક વરિષ્ઠ ચીની અધિકારીએ જણાવ્યું હતું કે, ટેલિકોમ અને ઓનલાઇન છેતરપિંડી આંતરરાષ્ટ્રીય સમુદાય માટે એક સામાન્ય પડકાર છે.








