જેન્સેન હુઆંગની એનવિડિયાના સીઇઓ તરીકે ઘરવાપસી થઈ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- અમેરિકન પ્રમુખ ટ્રમ્પનું દબાણ કામ કરી ગયું
- જેન્સેન હુઆંગ પરત ફરવાના લીધે એનવિડિયાના શેરમાં એક જ દિવસમાં ૩૩ ટકા ઉછળી ૧૬૭.૫૬ ડોલરને સ્પર્શ્યો
વોશિંગ્ટન : અમેરિકન પ્રમુખ ટ્રમ્પના દબાણના પગલે એનવિડિયાએ તેના વિવાદાસ્પદ વડા અને સીઇઓ જેન્સેન હુઆંગની ફરીથી કંપનીના પ્રમુખપદે અને સીઇઓ તરીકે પુન: નિમણૂક કરી છે. તેમના પર વિદેશી ઇન્ટેલિજન્સ ઓપરેશનના આરોપના પગલે તેમણે બધા હોદ્દા પરથી રાજીનામુ આપ્યું હતું. હવે કંપનીના બોર્ડે સર્વાનુમતે તેમના પુનરાગમનને મંજૂરી આપી છે.
હુઆંગના પાછા ફરવાના અહેવાલોથી સોમવારે તેનો શેર ૩૩.૭ ટકા ઉછળીને ૧૬૭.૫૬ ડોલરને સ્પર્શી ગયો હતો. એનવિડિયાનો શેર શુક્રવારે ૧૨૫.૫૩ ડોલર પર બંધ હતો.
હુઆંગ અને અમેરિકન સરકારના વરિષ્ઠ અધિકારીઓ વચ્ચે મંત્રણાના પગલે બોર્ડે તાત્કાલિક અસરથી તેમની પુન: નિમણૂકને મંજૂરી આપી છે. બોર્ડે જણાવ્યું હતું કે તેમને હુઆંગે આપેલી સમજૂતીથી સતોષ થયો છે અને કંપનીને દોરી જવાની તેમની ક્ષમતામાં તેમને વિશ્વાસ છે.
કંપનીના બોર્ડે જણાવ્યું હતું કે અમેરિકન સરકારી અધિકારીઓ પાસેથી મળેલી માહિતીના આધારે તેમને વિશ્વાસ બેઠો છે કે હુઆંગના પરત ફરવાથી રાષ્ટ્રીય સુરક્ષા પર કોઈ જોખમ નહીં સર્જાય. હુઆંગના પરત ફરવાના કારણ એનવિડિયાનો શેર ૩૨ ટકા જેટલો ઉછળ્યો હતો. આ શેર હુઆંગની કબૂલાત પછી લગભગ ૩૩ ટકા તૂટયો હતો. જ્યારે નાસ્ડાક સાત ટકાથી પણ વધુ ઉછળ્યો હતો.
એનવિડિયા બોર્ડના ચેરમેન હાર્વે સી જોન્સનું માનવું છે કે બોર્ડ માને છે કે જેન્સેન એનવિડિયાને દોરવા માટે યોગ્ય વ્યક્તિ છે. જોન્સ બોર્ડના ચેરમેન તરીકે જારી રહેશે. જ્યારે હુઆંગ સીઇઓ અને બોર્ડ ડિરેક્ટર તરીકેની કામગીરી શરૂ કરશે. જ્યારે વચગાળાના સીઇઓ તરીકે કામગીરી સંભાળનારા કોલેટ ક્રેસ એનવિડિયાના ચીફ ફાઇનાન્સિયલ ઓફિસર તરીકેની તેમની અગાઉની ભૂમિકા પર પરત ફરશે.
જો કે હુઆંગના પરત ફરવાનો અર્થ એવો નથી કે ફોરીન ઇન્ટેલિજન્સની તપાસ પૂરી થઈ ગઈ છે. એનવિડિયાએ જણાવ્યું હતું કે હુઆંગને ટાર્ગેટ કરવામાં આવ્યા છે તેની તપાસ કરવા માટે સ્વતંત્ર સમિતિ રચવામાં આવી છે. આ સમિતિ કોઈ તારણ પર પહોંચાય નહીં ત્યાં સુધી તેની તપાસ જારી રાખશે. સમિતિએ સમગ્ર પ્રક્રિયામાં મદદ કરવા સ્વતંત્ર વકીલની નિમણૂક કરી છે. કંપનીએ અલગ નેશનલ સિક્યોરિટી એન્ડ એક્સ્પોર્ટ કમિટીની રચના કરી છે, આ સમિતિ સ્વતંત્ર ડિરેક્ટરોની બનેલી છે. આ સમિતિ ટ્રેડ કોમ્પ્લાયન્સ અને રાષ્ટ્રીય સુરક્ષાને લગતા જોખમો પર ચાંપતી નજર રાખશે.
કંપની રાષ્ટ્રીય સુરક્ષાને લગતી બાબતોમાં અનુભવ ધરાવતા કાયદાકીય સલાહકારો લાવી રહી છે. કંપનીએ જણાવ્યું હતું કે તે આ કેસમાં લઈને ચાલતી સરકારી તપાસ અને ચકાસણીમાં સરકારને સતત સહયોગ આપતી રહેશે.
નાસ્ડાકમાં સાત ટકાથી વધુ, ડાઉ જોન્સમાં ૧,૬૦૦ પોઇન્ટનો ઉછાળો
ક્રૂડ ઓઇલ ચાર ટકાથી પણ વધારે તૂટયું તો સોનું ચાર ટકાથી પણ વધુ વધ્યું
વોશિંગ્ટન : એનવિડિયાએ જેન્સેન હુઆંગને સીઇઓ પદેથી ફરીથી નીમવાનો નિર્ણય લેતા તેની આગેવાની હેઠળ નાસ્ડાક સાત ટકાથી વધુ ઉછળ્યો હતો. જ્યારે ડાઉ જોન્સ ત્રણ ટકાથી વધુ ઉચકાઈને ૧,૬૦૦ પોઇન્ટ જેટલો ઉચકાઈ ૪૯,૮૧૦ પોઇન્ટે પહોંચી ગયો હતો. એક સમયે તે ૫૦ હજાર વટાવી દે તેમ લાગતુ હતુ. આ લખાય છે ત્યારે હાલમાં ડાઉ જોન્સ ૪૯,૬૦૦ની આસપાસ ચાલી રહ્યો છે.
એનવિડિયાના જેન્સન હુઆંગની ઘટના પછી ક્રૂડ ઓઇલના ભાવમાં પણ કડાકો બોલતા તે લગભગ ચાર ટકા તૂટયા હતા. બ્રેન્ટ ક્રૂડ ૯૦ ડોલરથી પણ નીચે ઉતરીને ૮૯ ડોલરથી પણ નીચે ઉતરી ગયુ હતુ અને ડબલ્યુટીઆઈ ક્રૂડ પણ ૮૩ ડોલરથી ઘટીને ૮૦ ડોલરની આસપાસ રહેતા અમેરિકન શેરબજારમાં જબરદસ્ત તેજી જોવા મળી હતી.
હુઆંગના પરત ફરવાના લીધે એનવિડિયાની આગેવાની હેઠળ અગાઉના બંધ ૨૨,૬૧૭.૧૩ સામે સાત ટકા એટલે કે ૧,૫૦૦થી પણ વધુ પોઇન્ટ વધીને ૨૪,૩૫૪ની ટોચે પહોંચીને હાલમાં ૨૪,૦૦૦ની આસપાસ ચાલી રહ્યો છે. એનવિડિયાના શેરે ૩૩ ટકાનો ઉછાળો નોંધાવતા ૧૬૭ ડોલરની ટોચ બનાવી હતી.
આ ઉપરાંત સોનાએ લગભગ ૧૫૦ ડોલરથી પણ વધુનો ઉછાળો નોંધાવતા પ્રતિ ઔંસ ૩,૬૫૦ ડોલરની સપાટી વટાવી હતી. સોનું પણ ચાર ટકાથી વધારે ઉછળ્યું છે.




