World

જાપાનનાં પ્રથમ મહિલા વડાપ્રધાન તરીકે સાતને તાકાઇચીની પસંદગી

By GS TEAM
21 Oct 20252 mins read
જાપાનનાં પ્રથમ મહિલા વડાપ્રધાન તરીકે  સાતને તાકાઇચીની પસંદગી


(પીટીઆઇ)     ટોક્યો, તા. ૨૧

જાપાનની સંસદે મંગળવારે અતિ રૃઢિવાદી ૬૪ વર્ષીય સાને તાકાઇચીની દેશના પ્રથમ મહિલા વડાપ્રધાન તરીકે પસંદગી કરી છે. એક દિવસ પહેલા જ તેમના સંઘર્ષશીલ પક્ષે નવા ભાગીદાર સાથે ગઠબંધન કરાર કર્યો હતો જે તેમના શાસનને વધુ દક્ષિણપંથી બનાવે તેવી શક્યતા છે.

તાકાઇચીએ શિગેર ઇશિબાનું સ્થાન લીધું છે. આ સાથે જ જુલાઇમાં લિબરલ ડેમોક્રેટિક પાર્ટી(એલડીપી)ના વિનાશક ચૂંટણી પરાજય પછી ત્રણ મહિનાના રાજકીય શૂન્યાવકાશ  અને ઝઘડાનો અંત આવી ગયો છે.

ફક્ત એક વર્ષ માટે વડાપ્રધાન રહેલા ઇશિબાએ આજે પોતાના મંત્રીમંડળની સાથે રાજીનામું આપી દીધું હતું. જેના કારણે તેમના ઉત્તરાધિકારી માટે વડાપ્રધાન બનવાનો માર્ગ સાફ થઇ ગયો છે.

વડાપ્રધાનની પસંદગી કરતા સંસદનાં નીચલા ગૃહમાં તાકાઇચીને બહુમતી કરતા ચાર વધુ ૨૩૭ મતો મળ્યા છે. જ્યારે સૌથી મોટા વિરોધ પક્ષ કન્સ્ટીટયુશનલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ જાપાનના પ્રમુખ યોશિકોકો નોડાને ૧૪૯ મત મળ્યા હતાં.

પરિણામ જાહેર થતા જ તાકાઇચી ઉભા થઇ ગયા હતાં અને તેમણે ઉંડાણપૂર્વક નમન કર્યુ હતું.

ઓસાકા સ્થિત દક્ષિણપંથી જાપાન ઇનોવેશન પાર્ટીની સાથે એલડીપીના ગઠબંધને તેમના વડાપ્રધાન પદની ખુરશી સુનિશ્ચિત કરી દીધી કારણકે વિપક્ષ એકજૂથ ન હતું.

તાકાઇચીનું અપ્રમાણિત ગઠબંધન હજુ પણ સંસદના બંને ગૃહોમાં બહુમતીથી દૂર છે અને તેને કોઇ પણ કાયદો પસાર કરાવવા માટે અન્ય વિપક્ષોની મદદ લેવી પડશે.  આ એક એવું જોખમ છે જે તેમની સરકારને અસ્થિર અને અલ્પકાલીન બનાવી શકે છે.