જાપાનમાં ફ્લુનો કહેર, 4000 દર્દીઓ નોંધાતા દેશવ્યાપી મહામારી જાહેર, શાળા બંધ કરાઈ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Japna Flu News : જાપાનમાં ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે ફલુની સિઝન પાંચ અઠવાડિયાં વહેલી શરૂ થઇ જતાં દેશમાં ચાર હજાર કરતાં વધારે ફલુના દર્દીઓ એક જ અઠવાડિયામાં નોંધાતાં સરકારે ફલુને દેશવ્યાપી મહામારી જાહેર કરી હતી. બાવીસ સપ્ટેમ્બરથી શરૂ થતાં અઠવાડિયામાં 4030 ફલુના દર્દીઓની સારવાર દવાખાનાઓમાં કરવામાં આવી હતી. આગલા સપ્તાહની સરખામણીમાં 957 ફલુના કેસ વધારે નોંધાયા હતા. આ મહામારીને કારણે 135 જેટલી શાળાઓને બંધ કરી દેવામાં આવી હતી.
બીજી તરફ હેલ્થ સાયન્સીઝ યુનિવર્સિટી ઓફ હોક્કાઇડોના પ્રોફેસર યોકો ત્સુકામોટોએ જણાવ્યું હતું કે દુનિયામાં જળવાયુપરિવર્તનને કારણે હવામાનમાં થઇ રહેલાં ફેરફારોના પરિણામે હવે ફલુની સિઝન કાયમી બની રહી છે. દુનિયામાં વિમાન પ્રવાસ સરળ બની રહ્યો હોઇ તેના કારણે આ પ્રકારની ચેપી બિમારી ઝડપથી ફેલાય છે. વળી આ રોગના વાઇરસ તેની પરંપરાગત સારવારો સામે પ્રતિકાર વિક્સિત કરી ચૂક્યા હોઇ તેની સારવાર પણ પ્રમાણમાં લાંબી ચાલે છે.
સાઉથ ચાઇના મોર્નિંગ પોસ્ટના અહેવાલમાં જણાવ્યા અનુસાર યામાગાટા પ્રિફેકચરમાં 36માંથી 22 વિદ્યાર્થીઓને ફલુ થઇ જતાં એક પ્રાથમિક શાળાને બંધ કરી દેવી પડી હતી.સરકારે લોકોને ફલુની બિમારી સામે સાવધ રહેવા અને જરૂરી રસી સમયસર લઇ લેવાની તાકીદ કરી હતી. લોકોએ શેરીઓમાં માસ્ક પહેરીને ફરવાની શરૂઆત કરી નાંખી હતી.
ગયા વર્ષે ડિસેમ્બર 2024 ના છેલ્લા અઠવાડિયામાં પણ ફલુના 317000 કેસો નોંધાયા હતા. હોલીડે સિઝન દરમ્યાન પ્રવાસનું પ્રમાણ વધતાં ફલુનો ચેપ વધારે ફેલાયો હતો. મોટાપાયે ફલુ ફેલાતાં આરોગ્ય તંત્ર પણ કથળી ગયું હતું અને ટેમી ફલુ નામની દવા પણ ખલાસ થઇ ગઇ હતી. એવિઅન ફલુનો ચેપ કાબૂ બહાર જતો રહેતાં જાપાનમાં જાન્યુઆરી 2025 માં 50 લાખ પંખીઓને મારી નાંખવામાં આવ્યા હતા.









