World

‘જમ્મુ- કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે...’ કાશ્મીરની મુલાકાતે આવેલા યુએસ એમ્બેસેડર સર્જિયો ગોરનું નિવેદન

By GS Team
19 Aug 20263 mins read
TukuTouch Logo
અમેરિકાના રાજદૂત સર્જિયો ગોરે જમ્મુ-કાશ્મીરની મુલાકાત લીધી. તેમણે કહ્યું કે અમેરિકા કાશ્મીર માટેની ટ્રાવેલ એડવાઇઝરી હળવી કરવા વિચારશે. ગોરે મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા સાથે બેઠક કરી. કલમ 370 નાબૂદી પછી કોઈ અમેરિકન રાજદૂતની આ પ્રથમ મુલાકાત છે, જે ભારતની વિદેશ નીતિમાં પરિવર્તન સૂચવે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

‘જમ્મુ- કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે...’ કાશ્મીરની મુલાકાતે આવેલા યુએસ એમ્બેસેડર સર્જિયો ગોરનું નિવેદન

US Ambassador Sergio Gor Visits Kashmir: ‘અમેરિકાએ જમ્મુ-કાશ્મીર માટે અમલમાં મૂકેલી કડક 'ટ્રાવેલ એડવાઇઝરી'ને હળવી કરવા અમે વિચારણા કરીશું. આ કેન્દ્રશાસિત પ્રદેશ એટલે કે કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે.’ અમેરિકાના નવનિયુક્ત એમ્બેસેડર(રાજદૂત) સર્જિયો ગોરે જમ્મુ-કાશ્મીરના તેમના પ્રથમ પ્રવાસમાં જ આ નિવેદન કર્યું હતું. આ નિવેદન સાબિત કરે છે કે, ભારત માટે અમેરિકાની વિદેશ નીતિમાં ધરખમ પરિવર્તન આવ્યું છે.

કલમ 370 નાબૂદી અને પહેલગામ હુમલા બાદ મહત્ત્વની મુલાકાત

કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ થયા બાદ અને પહેલગામ હુમલા પછી કોઈ અમેરિકન રાજદૂતે પહેલીવાર કાશ્મીરની મુલાકાત લીધી છે. આ મુલાકાત દરમિયાન તેમણે જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા સાથે પણ બેઠક કરી હતી. શ્રીનગર પહોંચીને ગોરે કહ્યું કે, ‘અહીં આવીને મને ખૂબ આનંદ થયો. આ ભારતનો એક અત્યંત મહત્ત્વનો ભાગ છે અને હું પહેલીવાર અહીં આવ્યો છું. આ ખૂબ જ સુંદર જગ્યા છે.’

પાકિસ્તાન તરફથી સતત થતી ઘૂસણખોરી અને નાપાક હિલચાલ વચ્ચે અમેરિકન રાજદૂતનું આ નિવેદન ભારત માટે એક મોટો નૈતિક વિજય માનવામાં આવે છે.

આ મુલાકાત શા માટે આટલી મહત્ત્વની છે?

અમેરિકન રાજદૂતનો આ પ્રવાસ ભારત અને અમેરિકા વચ્ચે મજબૂત થઈ રહેલા વ્યૂહાત્મક સંબંધોનો પુરાવો છે. તાજેતરમાં જ ગોરે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે પણ કાઉન્ટર-ટેરરિઝમ (આતંકવાદ વિરોધી) મુદ્દા પર ચર્ચા કરી હતી. આ મુલાકાત કેટલાક કારણોસર ઐતિહાસિક છે, જેમ કે…

  • છેલ્લા 15 વર્ષમાં પહેલીવાર એવું બન્યું છે કે કોઈ હોદ્દા પર રહેલા અમેરિકન રાજદૂતે જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી સાથે મુલાકાત કરી હોય. આ પહેલાં 2011 માં તત્કાલીન એમ્બેસેડર ટિમોથી રોમરે ઓમર અબ્દુલ્લા સાથે મુલાકાત કરી હતી.
  • વર્ષ 2018 માં મહેબૂબા મુફ્તી સરકાર પડ્યા પછી કોઈ અમેરિકન પ્રતિનિધિની આ કાશ્મીરની પહેલી સ્વતંત્ર મુલાકાત છે.
  • આ મુલાકાતથી અમેરિકા અને જમ્મુ-કાશ્મીરની સ્થાનિક સરકાર વચ્ચે સીધો સંવાદ ફરી શરૂ થયો છે.

'અમારી સમસ્યાઓનો ઉકેલ દિલ્હી લાવશે, વોશિંગ્ટન નહીં'

બીજી તરફ, મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ આ મુલાકાતને લઈને બહુ હાઇપ (હવા) ઊભી કરવાનો ઇનકાર કર્યો હતો. તેમણે સ્પષ્ટ કહ્યું કે ‘અમે અમેરિકન રાજદૂત સમક્ષ કાશ્મીરના મુદ્દા અંગે કોઈ રજૂઆત કે ફરિયાદ નથી કરવાના. અમારી સમસ્યાઓનો ઉકેલ અમેરિકા નહીં, પરંતુ કેન્દ્ર સરકાર જ લાવશે. તેમને ફરિયાદો કરવાને બદલે હું તેમની વાતો સાંભળવાનું વધુ પસંદ કરીશ.’

કાશ્મીર માટે ટ્રાવેલ એડવાઇઝરી હળવી કરવાના સંકેત

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ખાસ મનાતા સર્જિયો ગોરે કહ્યું હતું કે, ‘અમેરિકા જમ્મુ-કાશ્મીર માટે તેમના નાગરિકોને આપેલી 'Do Not Travel' (પ્રવાસ ન કરવાની) ચેતવણી પાછી ખેંચવા અથવા હળવી કરવા વિચારશે. અહીંની પરિસ્થિતિને વધુ સુરક્ષિત બનાવવા માટે સ્થાનિક સ્તરે ખૂબ જ સારા પગલાં લેવાયા છે.’ હાલ સુરક્ષા અને આતંકવાદની ચિંતાઓને કારણે અમેરિકાએ કાશ્મીર માટે લેવલ-4 ની ટ્રાવેલ એડવાઇઝરી લાગુ છે.

ગોરના પ્રવાસ પહેલાં પીડીપી પ્રમુખ મહેબૂબા મુફ્તીએ પણ સોશિયલ મીડિયા પર અપીલ કરી હતી કે અમેરિકા તેની ટ્રાવેલ એડવાઇઝરી હટાવે, કારણ કે કાશ્મીરના હજારો પરિવારોનો રોજીરોટીનો મુખ્ય આધાર ટૂરિઝમ (પ્રવાસન) પર છે.

આ અંગે સોશિયલ મીડિયા પોસ્ટમાં ગોરે જણાવ્યું હતું કે ઓમર અબ્દુલ્લા સાથેની તેમની મુલાકાત કાશ્મીરના વિકાસ અને બંને દેશો વચ્ચે આર્થિક સહયોગ વધારવા પર કેન્દ્રિત રહી હતી.

અમેરિકન રાજદૂત લદાખની પણ મુલાકાતે જશે

શ્રીનગરની મુલાકાત લઈને સર્જિયો ગોર લદાખની મુલાકાતે જશે. વર્ષ 2020 માં ગલવાન ખીણમાં ભારત-ચીન સેના વચ્ચે થયેલી હિંસક ઝડપ અને સરહદી તણાવ બાદ કોઈ અમેરિકન એમ્બેસેડરનો આ પહેલો લદાખ પ્રવાસ હશે.
કેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીરનો વિશેષ દરજ્જો રદ કરીને તેને બે કેન્દ્રશાસિત પ્રદેશો (જમ્મુ-કાશ્મીર અને લદાખ) માં વહેંચ્યાના સાત વર્ષ પછી આ હાઈ-પ્રોફાઇલ મુલાકાત યોજાઈ રહી છે. બીજી તરફ, પાકિસ્તાન ઓક્યુપાઇડ કાશ્મીર (PoK) માં પાક સેનાના અત્યાચારો સામે સ્થાનિક લોકો ભારે વિરોધ પ્રદર્શનો કરી રહ્યા છે, તેવા સમયે જ આ મુલાકાત થઈ રહી છે.