'અમેરિકા પર ભરોસો કરવો અશક્ય છે...' ઇરાન પર USના હુમલા બાદ રશિયાના વિદેશ મંત્રી લાલચોળ!
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Iran US Conflict: ઈરાન પર અમેરિકાની તાજેતરની સૈન્ય કાર્યવાહીને લઈને રશિયાએ આકરી પ્રતિક્રિયા આપી છે. રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવે કહ્યું કે, 'અમેરિકાએ તેહરાન અને વોશિંગ્ટન વચ્ચે થયેલા સમજૂતી કરાર (MoU)નું ઉલ્લંઘન કર્યું છે.' તેમનો આરોપ છે કે, 'અમેરિકી હુમલાઓથી માત્ર ઈરાન જ નહીં, પરંતુ પર્શિયન ગલ્ફ વિસ્તારના નાગરિક ઠેકાણાઓને પણ નુકસાન પહોંચ્યું છે, જેના કારણે સમગ્ર વિસ્તારની સ્થિરતા સામે જોખમ ઊભું થયું છે.'
રશિયાએ અમેરિકા પર સમજૂતી કરાર તોડવાનો લગાવ્યો આરોપ
મોસ્કોમાં ચાડના વિદેશ મંત્રી સાથેની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ દરમિયાન સર્ગેઈ લાવરોવે કહ્યું કે, અમેરિકાની નવી સૈન્ય કાર્યવાહી એ સમજૂતીની ભાવના વિરુદ્ધ છે, જેના દ્વારા બંને દેશો વચ્ચેનો તણાવ ઓછો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સૈન્ય કાર્યવાહી કોઈ પણ વિવાદનો ઉકેલ ન હોઈ શકે.
હુમલામાં નાગરિક ઠેકાણાને પણ નુકસાન
લાવરોવે દાવો કર્યો હતો કે, 'ઈરાનની સાથે-સાથે પર્શિયન ગલ્ફ સહયોગ પરિષદ (GCC)ના સભ્ય દેશોમાં પણ નાગરિકોના બુનિયાદી માળખાને નુકસાન પહોંચ્યું છે.' તેમણે ચેતવણી આપી કે, 'આ પ્રકારના હુમલા ક્ષેત્રમાં અસ્થિરતા વધારશે અને શાંતિ સ્થાપવાના પ્રયાસોને નબળા પાડશે.'
ટ્રમ્પના નિવેદન પર પણ ઉઠ્યા સવાલ
રશિયાના વિદેશ મંત્રીએ કહ્યું કે, 'અમેરિકા સાથે ભવિષ્યમાં થનારા કોઈ પણ કરાર પર ભરોસો કરવો મુશ્કેલ છે.' તેમણે અલાસ્કામાં પ્રમુખ વ્લાદિમીર પુતિન અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે થયેલી વાતચીતનો હવાલો આપતા કહ્યું કે, 'અગાઉ પણ અનેક સમજૂતી કરારનું સંપૂર્ણપણે પાલન કરવામાં નથી આવ્યું.'
ઈરાને પણ વિરોધ વ્યક્ત કર્યો
ઈરાનના વિદેશ મંત્રાલયે અમેરિકી હુમલાઓને સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટરનું ઉલ્લંઘન ગણાવ્યું છે. તેહરાનનું કહેવું છે કે, 'અમેરિકાએ યુદ્ધવિરામ અને તણાવ ઓછો કરવાની દિશામાં થયેલા પ્રયાસોને નબળા પાડ્યા છે.' ઈરાને આરોપ લગાવ્યો કે, 'આ હુમલાઓમાં પરિવહન માળખા, માલવાહક જહાજો અને અન્ય નાગરિક સુવિધાઓને પણ નિશાન બનાવવામાં આવી છે.'
સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પર તણાવ
ઈરાને સુરક્ષા કારણોનો હવાલો આપતા સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં જહાજોની અવરજવર કામચલાઉ ધોરણે રોકવાની જાહેરાત કરી છે. બીજી તરફ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે આ જળમાર્ગ પર અમેરિકાનું નિયંત્રણ છે અને તેને ફરીથી ખોલી દેવામાં આવ્યો છે. બંને દેશોના દાવાઓ વચ્ચે આ વિસ્તારમાં તણાવ સતત યથાવત છે.









